શું સ્ત્રીઓની સફળતા ત્વચાના રંગ પર આધાર રાખે છે?

શ્યામલી એક કંપનીમાં મિડ-લેવલ મેનેજર હતી. પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરતી. પરંતુ એના શ્યામ રંગના કારે દરરોજ એની અવગણના થાય. શ્યામલીને એના પિતાની શીખવેલી એક વાત બાળપણથી યાદ હતી કે, ‘ગુણ અને પરિશ્રમ તારી ઓળખ છે, તારો રંગ નહીં.’ પણ જીવનના વિવિધ તબક્કાઓમાં એ સામાજિક ભેદભાવનો ભોગ બની હતી. કોલેજમાં જ્યારે એ ટોપર હતી, ત્યારે પણ વિદ્યાર્થીઓ એનાથી દુર રહેતા.

જ્યારે શ્યામલીને સારી કંપનીમાં નોકરી મળી ત્યારે એને લાગ્યું કે હવે અહીં તો મારી અવગણના નહીં જ થાય. પરંતુ એની આ આશા ઠગારી નીવડી. એ જે બોર્ડરૂમ મીટિંગમાં હાજરી આપતી ત્યાં ઘણી વાર એની વાતો અવગણાતી. સહકર્મચારીઓ એને હળવાશથી લેતા. એને કામમાં પાછળ રાખવામાં આવતી. કંપનીમાં કોઈપણ કાર્યક્રમ હોય એમાં શ્યામલી ભાગ લેવા ઇચ્છે તો પણ કોઈને કોઈ બહાને એને એમાંથી બાકાત રખાતી.

કંપનીમાં એનાથી વધારે મહેનતી કોઈ ન હતું છતાં “શ્યામ રંગના લોકો સાથે ક્લાયન્ટ મજબૂત જોડાણ નથી બનાવી શકતા.” એવું કારણ ધરીને એને નવા પ્રોજેક્ટની લીડર બનાવવામાં ન આવી.

આમ છતાં શ્યામલીનો આત્મવિશ્વાસ અડગ રહ્યો. એક દિવસ કંપનીએ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે મીટિંગ યોજી. શ્યામલીએ પોતાના તમામ ડેટા અને સંશોધન પર કામ કરીને સરસ પ્રેઝન્ટેશન આપ્યું. આ જોઈને તમામ લોકો ચકિત થઈ ગયા. એના આઈડિયાઝ બધાને પસંદ આવ્યા એટલું જ નહીં, આ પ્રોજેક્ટના પરિણામે કંપનીને કરોડોનો નફો પણ થયો. એ પહેલાં પણ શ્યામલીએ અનેક વખત પોતાના ગુણો અને બુદ્ધિમત્તાના ઉદાહરણ આપ્યા હતા, પરંતુ આ વખતે જાણે એની પ્રામાણિકની સાચી ઓળખ બધાને થઈ.

હવે શ્યામલીને એના ઓફિસમાં બધા જ માનથી બોલાવે છે. બોસ અમુક વખતે શ્યામલીની સલાહ પણ લે છે. ટૂંકમાં શ્યામલી એના શ્યામવર્ણના કારણે થતી અવગણનાને ઘણી પાછળ છોડી ચૂકી છે.

જો કે શ્યામલીને તો એની સાચી ઓળખ મળી ગઈ, પરંતુ સમાજમાં આજે પણ બ્લેક કે શ્યામવર્ણી યુવતી કે મહિલાઓની અવગણના થાય છે સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે દેખાવમાં સુંદર મહિલાઓમાં જ દરેક કામ કરી શકે. પરંતુ રૂપાળી દેખાતી સ્ત્રી જ બુદ્ધિશાળી હોય એ જરૂરી નથી.

સ્ત્રીઓના કામનું અવમૂલ્યન કરવાનું બંધ કરો

આજના યુગમાં પણ, જ્યાં સમાજ વિકાસ અને સમાનતાની વાત કરે છે, ત્યાં સ્ત્રીઓના રૂપ અને રંગના આધાર પર એમની ક્ષમતાને અવગણવાનું ચલણ યથાવત છે. જ્યાં એક સ્ત્રીની ઓળખ એના કર્મથી થવી જોઈએ, ત્યાં સમાજમાં કદાચ એક સૂક્ષ્મ ભેદભાવ છુપાયેલો છે કે ‘રૂપાળી યુવતિ કે મહિલાએ સારું કામ કરવું સહજ છે, જ્યારે શ્યામવર્ણી મહિલાના કાર્ય પર સવાલ ઉભા થાય છે.’

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સુરતની નવયુગ કોમર્સ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. રૂચિ હાર્દિક દેસાઈ કહે છે કે, “આપણા સમાજમાં વર્ષોથી સોસાયટીના નોર્મ્સ અનુસાર રંગભેદ ચાલતો આવ્યો છે. ત્વચાનો રંગ વ્યક્તિના મુલ્યને નક્કી કરી શકતો નથી. શ્વેત કે શ્યામ ત્વચાનો રંગ માત્ર મેલેનાઇનના પ્રમાણથી નક્કી થાય છે. આ કોઈનું આઈક્યુ લેવલ, પ્રદર્શનની ક્ષમતા કે સર્જનાત્મકતા નક્કી કરતો નથી. ત્વચા એ માત્ર ત્વચા છે અને એના આધારે કોઈ મહિલા પ્રત્યે પોતાનો અભિપ્રાય આપવો મૂર્ખતા સમાન છે. એક વાત માનવી રહી કે ફેર ત્વચા આકર્ષણ કરી શકે પરંતુ જો એનામાં લાયકાત ન હોય તો એ લાંબો પ્રભાવ પાથરવામાં નિષ્ફળ નીવડે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો  ‘ફેર એન્ડ લવલી’ ક્રીમ વિરુદ્ધ 80,000 પીટિશન ફાઇલ કરાઈ હતી, જેના કારણે એનું નામ બદલવું પડ્યું. માર્કેટિંગમાં પણ શ્યામ રંગને નકારતા વખતે લોકો ભૂલી જાય છે કે જો શ્યામ ત્વચામાં પ્રાકૃતિક તેજ હોય, તો એ વધુ આકર્ષક લાગે છે. આજના સમયમાં, કલરીઝમના આ નકામા કલ્ચરમાંથી બહાર આવવું અત્યંત જરૂરી છે. ત્વચાનું તેજ મહત્વનું છે, રંગ નહીં.”

ઉલ્લેખનીય બાબત છે કે હિન્દુસ્તાન યુનિલીવર (HUL)એ એના સૌંદર્ય પ્રસાધન માટેની જાણીતી ક્રીમ ‘ફેર એન્ડ લવલી’ નામમાંથી ‘ફેર’ શબ્દ હટાવી લીધો છે. ફેર એન્ડ લવલી નામ સામે બોલીવૂડમાં બ્લેક બ્યુટી તરીકે ઓળખાતી અભિનેત્રીએ નંદિતા દાસે વિરોધ દર્શાવ્યો હતો. એ પછી તો આ જ ક્રીમની એડમાં કામ કરતી અને બોલિવૂડમાં ફેર અભિનેત્રી તરીકે જાણીતી યામી ગૌતમે પણ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે કોઈ પણ મહિલા રંગના આધારે કામીયાબી ન મેળવી શકે. એ પછી તો અનેક અભિનેત્રીઓ આ વિરોધમાં જોડાઈ હતી

રૂપ અને ક્ષમતાનો કોઈ સંબંધ નથી

સ્ત્રીની બુદ્ધિ, શૈક્ષણિક પાત્રતા અને કાર્યદક્ષતાને એનું ચહેરાનું રંગરાણું નક્કી કરી શકે નહીં. જીવનના અનેક ક્ષેત્રોમાં એવી સ્ત્રીઓનો ઉદાહરણો છે, જેઓ કાળા કે શ્યામવર્ણના હોવા છતાં ઊંચા શિખરો સર કરી રહી છે. હકીકતે, કાળાં કે શ્યામવર્ણના રંગને કારણે અનેક મહિલાઓને કામ અથવા તકની નબળા પ્રતિસાદોનો સામનો કરવો પડે છે. રૂપ અને રંગના આધારે સ્ત્રીઓનું મૂલ્યાંકન કરવું એ અશિક્ષિત અને જૂની માન્યતાઓમાંથી પેદા થયેલો ભ્રમ છે.

અમદાવાદના સેફ(રસોઈકળામાં નિપુણ) ચંદન જીતેન્દ્ર પરમાર ચિત્રલેખા.કોમને કહે છે કે, “રૂપરંગથી કોઈની સક્ષમતા નક્કી કરવી અન્યાય છે. કાળા માણસમાં પણ એવી આવડત હોય શકે છે, જે સ્વરૂપવાનમાં ન હોય. કોઈની ત્વચાનો રંગ એના કર્મ, કૌશલ્ય અને પ્રતિભા માટે અવરોધ બની શકે નહીં. ગુણ અને કાર્યક્ષમતા જ વ્યક્તિની સાચી ઓળખ છે. એવી અનેક મહિલાઓ છે જે શ્યામવર્ણી હોય પરંતુ પોતાના ક્ષેત્રમાં નામના મેળવી હોય. માટે આવી વિમુખતાથી સમાજમાં છૂટકારો લાવવો જોઈએ. રૂપ ક્યારેય મુખ્ય હોય નહીં, પરંતુ વ્યક્તિના વ્યક્તિત્વ અને ગુણધર્મો જ એનું મુલ્ય નક્કી કરે છે.”

ત્વચાના રંગે વ્યક્તિની કિંમત નક્કી નથી થતી

સામાન્ય રીતે ફિલ્મ, મીડિયા અને જાહેરાતોના કારણે રૂપાળાં ચહેરાંને વધુ મહત્વ મળે છે. શ્યામવર્ણી સ્ત્રીઓ સાથે ઘણી જગ્યાએ ભેદભાવ થાય છે. એમને સુંદરતા સાથે જોડવામાં નથી આવતી, અને ઘણી વાર તેઓ પર અયોગ્યતાના લાંછન લાગી જાય છે.

રેખા શૈલેષ પરમાર ચિત્રલેખા.કોમને કહે છે કે, “આજના યુગમાં પણ જો કોઈને એના ત્વચાના રંગથી જજ કરવામાં આવે છે, તો એ ઘણી દુઃખદ વાત છે. ત્વચાનો રંગ એ માત્ર કુદરતી લક્ષણ છે, જે પરમાત્માની સુંદર કૃપા છે. એ વ્યક્તિની ક્ષમતા, મહેનત અથવા માનસિકતા નક્કી કરતું નથી. સમાજે એ સમજવું જોઈએ કે વ્યક્તિની સફળતા એના કાર્ય, વિચારશક્તિ અને વ્યક્તિત્વ પર આધાર રાખે છે, ન કે તેના દૈહિક લક્ષણો પર. ત્વચાના રંગને લઈને પડતા ભેદભાવ ખૂબ અન્યાયકારક છે અને એ માનસિક બળવાખોરી છે. દરેકને પોતાના સ્વરૂપ માટે ગર્વ હોવો જોઈએ અને આવી તુચ્છ માનસિકતાને જડમૂળથી દૂર કરવા માટે શિક્ષણ અને સમજણ પેદા કરવી જરૂરી છે.”

વિશ્વ અને ભારતમાં અનેક સ્ત્રીઓ છે, જેઓ પોતાના કામ અને બુદ્ધિથી વિશ્વમાં એક નવી ઓળખ ઉભી કરી છે, જેઓના માટે એમનો રંગ ન તો અવરોધ બન્યો અને ન તો એમની સફળતાને વ્યાખ્યાયિત કરી શક્યો. એક સ્ત્રીનું જીવન એનો રંગ કે રૂપ નક્કી કરતો નથી, એ એના કાર્ય અને સમજદારીથી સમજાય છે. સમાજે હવે સ્ત્રીઓના રૂપની બહાર જોઈ એમની સફળતાઓને સમજવાની જરૂર છે. ત્વચાનો રંગ કોઈના માર્ગમાં અવરોધ બની શકે છે, પરંતુ ગુણો એ અવરોધને પાર કરીને એના મનને વધુ મજબૂત બનાવે છે. સુંદરતા રૂપમાં નથી, કાર્યમાં છે.

હેતલ રાવ