રાજીવભાઇ ધનતેરસની સાચી ઉજવણી અનુભવી રહ્યા…

આજે સવારથી ઘરમાં ખુશીનું વાતાવરણ હતું અને કેમ ન હોય? આજે અલકાબેન અને રાજીવભાઈની દીકરી સૌમ્યાની 18મી વર્ષગાંઠ હતી. આજે તો એકસાથે બે તહેવાર હતા, સૌમ્યાનો બર્થડે અને ધનતેરસ જેવો મોટો દિવસ.

સૌમ્યા અલકાબેન અને રાજીવભાઈનું એકમાત્ર સંતાન અને એ પણ એમના લગ્નના 15 વર્ષે અવતરેલું એટલે એ ‘દેવનું દીધેલ’ કહી શકાય. છેલ્લા 5 દિવસથી સૌમ્યાને શું ગિફ્ટ આપવી એ વિશે પતિ-પત્નીએ અનેક વસ્તુઓ વિચારી. પૈસાની કોઈ કમી નહતી અને સંતાન માટે માતા-પિતા ક્યારે એવો હિસાબ કરતા હોય છે? દરેક ભેટ આ ખુશી સામે ફિક્કી લાગી રહી હતી. અંતે સૌમ્યા પર જ એ નિર્ણય છોડવામાં આવ્યો કે એને શું જોઈએ છે. ધનતેરસે કશુંક સોનું ખરીદી શુકન સાચવવાનો વર્ષોથી આ ઘરમાં રિવાજ હતો. હવે તો બસ સૌમ્યા જાગીને નીચે આવે એટલે એના હાથે ધનતેરસની પૂજા કરાવીને પછી સૌમ્યાની ગિફ્ટ અને ધનતેરસના શુકનનું ધન ખરીદવા નીકળવું એવું નક્કી હતું.
સૌમ્યા તૈયાર થઈને દીવાનખંડમાં આવી. સામે લાગેલી દાદા-દાદીની તસ્વીરને પ્રણામ કરતાં સ્વગત કશુંક બબડી. જો કે આ સૌમ્યયાનો રોજનો ક્રમ હતો. કોલેજ જતા પહેલાં તે અચુક બન્નેની તસ્વીરને પ્રણામ કરતી. પિતા રાજીવભાઈ બેઠેલા તેની બાજુમાં બેસતાં સૌમ્યા બોલી,” પાપા હવે શું પ્રોગ્રામ છે આપણો? આજે તો ધનતેરસ છે ને?” સામે હીંચકે બેઠેલા અલકાબેન તરત જ બોલ્યા, “બેટા, પહેલાં તો તારે આજે ધનતેરસની પૂજા કરવાની છે. જો મેં બધી જ તૈયારી કરી રાખી છે. તારા જ હાથે ઘરના મુખ્ય દરવાજે આ સાથિયો અને માં લક્ષ્મીના પગલાં લગાડવાના છે. લક્ષ્મીના પગલાંથી ઘરમાં શુકન કરવાનું છે. એ પછી તારા માટે ગિફ્ટ લેવા જવું છે અને સાથેસાથે આજના દિવસના શુકનનું ધન પણ. પછી સાંજે પાર્ટી. બોલ દીકરા, તારે શું ગિફ્ટ જોઈએ છે?”

સૌમ્યા સસ્મિત બોલી, “મૉમ, આપણે ઘરમાં લક્ષ્મીજીના આર્ટિફિશયલ પગલાં લગાડીને શુકન કરીશું? કશુંક રીઅલ થવું જોઈએ એવું નથી લાગતું?” એની આ વાત અલકાબેનની સમજ બહાર હતી. સૌમ્યાએ વાત બદલતા કહ્યું, “પહેલાં તમે પ્રોમિસ કરો કે મારે જે જોઈએ છે એ મને તમે આપશો અને હું મારી પસંદગીની ગિફ્ટ એની જગ્યા પર જઈને જ બતાવીશ અને બીજું કે આપણે ધનતેરસની પૂજા ગિફ્ટ લઈને આવીએ પછી જ કરીશું.”

અલકાબેન અને રાજીવભાઈ બન્ને એકબીજાની સામે જોઈ રહ્યા. આ જોઈને સૌમ્યાએ કહ્યું, “શું વિચારો છો? Its ok અગર તને ન આપી શકો તો…” વચ્ચે જ અટકાવતા રાજીવભાઈએ ઉત્સાહપૂર્વક કહ્યું , “અરે બેટા એવું હોય કાઈ? તું તો અમારા જીગરનો ટુકડો છે તારાથી વિશેષ દુનિયામાં શુ હોય? ચાલ, તારી શરત મંજૂર.” પૂજાની તૈયારી એમ જ રહેવા દઈ બધા ગાડીમાં ગોઠવાયા.

સૌમ્યા પાછળ બેઠી બેઠી રસ્તો બતાવતી રહી. જેમ જેમ આગળ જતાં ગયા એમ એમ અલકાબેનનું ટેંશન વધતું ગયું. એક વખત એણે પૂછ્યું પણ ખરું, “દીકરા આ આપણે ક્યાં જઈએ છીએ? ગામની બહાર તો કોઈ શોપ નથી જ્યાંથી તારી ગિફ્ટ ખરીદી શકાય.” સ્મિત વેરતાં સૌમ્યાએ કહેલું, “મૉમ રિલેક્સ, હમણાં જ પહોંચી જઈશું and you know what? મને લાગે છે કે આ વખતે આપણે બન્ને occasionની એક જ ગિફ્ટ લઈશું એવી ધમાકેદાર ગિફ્ટ છે.” અલકાબેન મૂંઝાતા મૂંઝાતા બધું જોતા રહ્યા.
“બસ, પાપા હવે અહીંથી લેફ્ટ ટર્ન લઈ અને 2nd બિલ્ડીંગ પાસે કાર સ્ટોપ કરો એટલે આવી ગયું.” રાજીવભાઈએ જોરદાર બ્રેક સાથે કાર થોભાવી દીધી. એના મોઢામાં શબ્દો ગૂંગળાઇ રહ્યા હતા, “બ..બ..બેટા.. આ..આ..તો…” વચ્ચે જ અટકાવતા સૌમ્યા એ કહ્યું, “રિલેક્સ પા.. yes u are right. આપણે ‘અપનાઘર’ જ આવ્યા છીએ. અવાજ અને આંખમાં ભારોભાર ભીનાશ સાથે સૌમ્યાએ અલકાબેન સામે હાથ જોડતાં કહ્યું, “મૉમ પ્લીઝ, આપણાં બે રૂમના ઘરમાં મને સ્વતંત્ર રૂમ મળે એવુ કારણ આપીને તમે લોકોએ દાદીને અહીં મુક્યા એને વર્ષો થઇ ગયા. હું હંમેશ વિચારતી કે મનેતો દાદીએ ક્યારેય ડિસ્ટર્બ નથી કરી તો શા માટે મારૂ કારણ ધરીને એને આપણાથી દૂર કર્યા? મારે એકલા નહતું રહેવું. હું દાદી જોડે જ સૂવા માંગતી હતી પરંતુ તમારી જીદ અને ઝગડાઓ ત્યારે કદાચ નહોતી સમજતી અને સમજ્યા પછી હિંમત નહતી પણ મા-પા, હું every weekend દાદી પાસે આવતી રહી છું અને હવે મેં નક્કી કર્યું છે કે જે ઘરમાં દાદી નહીં રહે એ ઘરમાં હું પણ નહીં રહું.”
રાજીવભાઈની આંખમાં ઝળઝળિયાં હતા. મનોમન દીકરી માટે આશીર્વાદની વર્ષા થતી હતી અને જાત માટે ક્ષોભ પણ. જે કામ એમણે વર્ષો પહેલાં કરવાનું હતું એ કરવામાં એ કાચા પડ્યા. પણ આજે દીકરી માટે ગર્વ થતો હતો. અલકાબેન થોડી નારાજગી સાથે બોલ્યા, “દીકરી તે આજના સપરમા દહાડાને બગાડ્યો” મા નો હાથ પકડતા સૌમ્યા એને સમજાવી રહી, “મા હું આજનો દહાડો અને તમારા ત્રણેનો જન્મારો બન્ને સુધારવા માંગુ છું. આજે આપણે દાદીને ઘેર લઈ જઈને ધનતેરસનું અસલી ધન ઘરે લઈ જઈ રહ્યા છીએ. તું જ વિચાર મા, હું તારું ધન છું ને? તું પણ મારું ધન છે ને? તો દાદી અને પા બન્ને એકબીજાથી દુર રહીને એકબીજાના ધન વગર આ ધનતેરસની પૂજા કઇ રીતે કરે?”

(પ્રતીકાત્મક તસવીર)

બધા ગાડીમાંથી ઉતર્યા. સૌમ્યા દોડીને  ‘અપનાઘર’માં પ્રવેશી દાદીને ગળે વળગાડતાં કહી રહી, “hey my beautiful gorgeous friend let’s go our home.” અલકાબેને સાસુના ચરણસ્પર્શ કર્યા અને એમણે વર્ષો પહેલા કરેલી ભૂલની માફી માંગી. રાજીવભાઈની આંખો વરસી રહી હતી. મા ને ગળે વળગાડી પોતાના આસનું વડે પોતાના પાપ ધોવાનો પ્રયાસ કરી રહ્યા. થોડા પેપરવર્કની ફોર્મલિટી પતાવી ચારેય ‘અપનાઘર’એ અલવિદા કહેતા બહાર નીકળ્યા ત્યારે સૌમ્યા બોલી, ‘ આપણી ધનતેરસ ઉજવાઇ ગઈ હવે સોનું નથી લેવું ,પા. આજે આપણે આપણું અસલી ધન લઈ જઈ રહ્યા છીએ.” આખા રસ્તે બધાની આંખો આંસુથી છલકાઈ રહી હતી પણ બધાના અશ્રુઓ અલગ હતા. એકમાત્ર સૌમ્યા સતત વાતો કરીને ત્રણેના મન પરનો ભાર ઓછો કરવા પ્રયાસ કરી રહી હતી.

ઘર આવતાં જ સૌમ્યા બોલી, “મૉમ, હું કહેતી હતીને કે લક્ષ્મીજીના આર્ટિફિશયલ પગલાંને બદલે કશુંક રીઅલ થવું જોઈએ! તો જો આ રીઅલ લક્ષ્મીજીના પગલાં. હું આરતીની થાળી લાવું છું.” હવે અલકાબેનનો વારો હતો, “દીકરી, તેં ખરેખર મારો જન્મારો સુધાર્યો છે. આજે લક્ષ્મીજીની આરતી હું ઉતારીશ. મેં જ જાકારો આપેલો હવે હું જ આવકાર આપીશ.” અલકાબેને આરતી ઉતારી અને બધા ઘરમાં પ્રવેશ્યા. સૌમ્યા એકદમ ઉત્સાહથી બોલી, “ચાલો બધા દાદાજીના ફોટો પાસે આવી જાઓ, આપણું ફેમિલી કમ્પલીટ થઈ ગયું છે એક સેલ્ફીતો બનતી હૈ.” બધા ગોઠવાઈ ગયા દાદાજીની છબી પાસે અને સૌમ્યાએ સેલ્ફી લીધી. પગમાં તરવરાટ સાથે અલકાબેન મંદિર પાસે જતા જતા બોલ્યા, “ચાલો બધા જલ્દી આવી જાઓ ધનતેરસની પૂજા માટે. વર્ષો પછી આજે દાદીના હાથે પૂજા થશે.”

ખુશખુશાલ ચહેરે રાજીવભાઈ ધનતેરસની સાચી ઉજવણીને અનુભવી રહ્યા.

(નીતા સોજીત્રા)