ગઈ પાંચ જાન્યુઆરીએ બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણનો 34મો જન્મદિવસ હતો. એ દિવસ એણે અંગત રીતે કોઈ મોટી ધામધૂમથી ઉજવ્યો નહોતો, પરંતુ લખનઉમાં એસિડ હુમલાઓનો શિકાર બનેલી યુવતીઓ સાથે મળીને જન્મદિવસની ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે દીપિકા તેની નવી ફિલ્મ ‘છપાક’માં વાસ્તવિક જીવનમાં એસિડ હુમલાનો શિકાર બનેલી યુવતી લક્ષ્મી અગ્રવાલનો રોલ કરી રહી છે. લક્ષ્મી અગ્રવાલ લખનઉમાં તેનાં જેવી એસિડ હુમલાની પીડિત યુવતીઓ સાથે મળીને એક કેફે ચલાવે છે. લખનઉમાં બર્થડે ઉજવણી પ્રસંગે દીપિકાની સાથે એનો અભિનેતા પતિ રણવીર સિંહ પણ હતો. મેઘના ગુલઝાર દિગ્દર્શિત ‘છપાક’ ફિલ્મ 10 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.