સ્વિટ્ઝરલેન્ડના ઈંગાડિનમાં સેન્ટ મોરિટ્ઝ આવેલું છે, જે આલ્પાઈન રિસોર્ટ નગર તરીકે જાણીતું છે. આ સ્થળ સમુદ્રની સપાટીથી આશરે 5,910 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. સેન્ટ મોરિટ્ઝનું મનોહર સ્વિસ રિસોર્ટ સ્કીઈંગ માટેના સ્લોપ્સની સુંદરતા માટે જાણીતું છે. અહીં અમુક ખેલકૂદ સ્પર્ધાઓ પણ યોજાય છે, પણ એમાં ફેબ્રુઆરીમાં બરફ પર રમાતો ક્રિકેટ ઉત્સવનો આનંદ માણવા જેવો છે.
બરફ પર ક્રિકેટ? સાંભળીને નવાઇ લાગે છે ને?
હા, થીજી ગયેલા સરોવર પરના બરફ પર આ ક્રિકેટ મેચો રમાય છે!
યાદ રહે, સેન્ટ મોરિટ્ઝ શિયાળુ રમતો માટેનું કેન્દ્ર ગણાય છે અને એમાંય સેન્ટ મોરિટ્ઝમાં ‘ક્રિકેટ ઓન આઈસ’ તો એક અદ્દભુત અનુભવ ગણાય છે. દુનિયાભરનાં અનેક ક્રિકેટરસિયાઓ તે રમવા માટે અહીં આકર્ષાય છે. આ સ્પર્ધામાં રમનાર ટીમોને બરફથી થીજી ગયેલા સરોવર પર ક્રિકેટ રમવાનો મોકો મળે છે. ઘરેલુ સ્વિસ ક્રિકેટ કેલેન્ડરમાં ‘ક્રિકેટ ઓન આઈસ’ પ્રતિષ્ઠિત સ્પર્ધા તરીકેનું મહત્ત્વ ધરાવે છે.
હમણાં કેટલાક બ્રિટિશ-ભારતીય ડેન્ટિસ્ટ્સ તાજેતરમાં જ્યારે સેન્ટ મોરિટ્ઝના પ્રવાસે ગયા હતા. એમાંના એક એવા બ્રિટનસ્થિત ગુજરાતી ડેન્ટીસ્ટ ડો. દિગંત સોની બરફ પર ક્રિકેટની રમતના કેટલાંક રસપ્રદ અનુભવો ચિત્રલેખા.કોમ સાથે વહેંચે છે.
આ ડેન્ટીસ્ટની ટીમ હમણાં ત્યાં ગઇ ત્યારે દિવસનું તાપમાન માઈનસ 5થી માઈનસ 10 ડિગ્રી જેટલું હતું. રાતનું તાપમાન માઈનસ 15 રહેતું. ઠંડીથી બચવા માટે એમણે બે-ત્રણ લેયરવાળા જાડા જેકેટ પહેરવા પડતા. એમનામાં મોટાં ભાગના લોકો પાસે બેટરીથી ચાલતા હીટિંગ જેકેટ્સ અને હીટેડ હેન્ડ ગ્લોવ્સ હતા. મેચ દરમિયાન, એમણે 3-4 લેયરવાળા વસ્ત્રો પહેરવા પડતાં. બરફની પીચ પર વારંવાર લપસી પડવાની ચિંતા રહે. પીચ પર ઉપરના ભાગમાં પાવડર આઈસ હોય જેથી બેટરને દોડતી વખતે ગ્રિપ જાળવવામાં મદદ મળે.
2018માં, ડો. રોશિથ અને ડો. પ્રશાંતે નક્કી કર્યું હતું કે એમની સંસ્થાએ કોઈક ક્રિકેટ ટીમ બનાવવી જોઈએ, કારણ કે ઘણા ભારતીય સભ્યોને ક્રિકેટનો બહુ શોખ હતો. ડો. વિપીન એલને ભારતમાંથી ક્રિકેટ સાધનો ઓર્ડર આપીને મગાવવાની જવાબદારી માથે લીધી. તેઓ અગાઉ એક ક્રિકેટ ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા હતા.
શરૂઆત એક નાનકડા ગ્રુપથી કરવામાં આવી અને હાલ ટીમમાં 35 સભ્યો છે. ભારતના જુદા જુદા ભાગોમાંથી આવેલા અને બ્રિટનના જુદા જુદા સ્થળે રહેતા લોકો એમાં સભ્યો છે. આ બધાં લેસ્ટરમાં મળે, જે ટીમનું હોમ ગ્રાઉન્ડ બન્યું છે. ડો. દિગંત સોની AIDUK માટે ઘરેલુ મેચ આયોજક તરીકેની સેવા બજાવે છે. AIDUK દર મહિને જુદી જુદી ઈંગ્લિશ ટીમ સાથે ક્રિકેટ મેચો રમે છે. એસોસિએશનની ટીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પ્રવાસોએ પણ જઈ આવી છે, જેમ કે, પોર્ટુગલ, ગ્રીસ અને આઈસલેન્ડમાં તો ત્યાંની રાષ્ટ્રીય ટીમ સાથે મેચો રમી છે.
ડો. કંદર્પ નથવાણી AIDUKના આંતરરાષ્ટ્રીય મેચ આયોજક છે. એમણે અમુક વર્ષ પૂર્વે ક્રિકેટ ઓન આઈસના આયોજકોનો સંપર્ક કર્યો હતો. એમાં વેઈટિંગ લિસ્ટ હતું અને અમારો નંબર ત્રણ વર્ષે લાગ્યો હતો. 2021માં ક્રિકેટ ઓન આઈસના આયોજકે ડો. કંદર્પનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે સેન્ટ મોરિટ્ઝમાં થીજેલા સરોવરની સપાટી પર છ-ટીમવાળી ક્રિકેટ ઓન આઈસ ટુર્નામેન્ટમાં અમારી ટીમ રમી શકે છે. આ અનોખી ક્રિકેટ પીચ પર સચીન તેંડુલકર, શાહિદ અફરિદી જેવા ઘણા ઈન્ટરનેશનલ ક્રિકેટરો પણ રમી ચૂક્યા છે.
AIDUKના 12-ખેલાડીઓની ટીમ આ સ્પર્ધામાં રમવા ગઈ હતી અને ચેમ્પિયન્સ ઓફ ધ ક્રિકેટ ઓન આઈસ બનીને પાછી ફરી હતી. આ ટીમે તમામ ત્રણ ટીમને પરાજય આપ્યો હતો. એમનો હવે પછીનો ક્રિકેટ પ્રવાસ 2023માં વેસ્ટ ઈન્ડિઝ-બાર્બેડોસ ખાતેનો છે.