અમદાવાદ: કોરોના વાઈરસને પગલે રેલવે સ્ટેશનો પર ભીડ ઓછી કરવા માટે ભારતીય રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના હેઠળ કેટલાક શહેરોમાં રેલવે પ્લેટફોર્મ ટિકિટની કિંમત વધારીને 50 રૂપિયા સુધી કરી દેવામાં આવી છે. ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશના રતલામ રેલવે ડિવિઝન અને મુંબઈના તમામ સ્ટેશનો પર પણ પ્લેટફોર્મ ટિકિટની કિંમત વધારી દેવામાં આવી છે.
ગુજરાતના જે રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના દરમાં વધારો થયો છે તેમાં અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, ભુજ, મહેસાણા, વિરમગામ, મણિનગર, સામખ્યાળી, પાટણ, ઊંઝા, સિદ્ધપુર, સમરમતી (એસબીટી) અને સમરબતી (એસબીઆઇબી) નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત મધ્યપ્રદેશના રતલામ રેલવે ડિવિઝનના 139 સ્ટેશનો પર પણ આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. રતલામ વિભાગ હેઠળ આવતા સ્ટેશનોમાં પ્લેટફોર્મ ટિકિટ 10 થી વધારીને 50 રૂપિયા કરવામાં આવી છે. અગાઉ પશ્ચિમ રેલ્વેના રતલામ વિભાગમાં ટ્રેનોના એર કંડિશન્ડ પેસેન્જર કોચને 25 ડિગ્રી સેલ્સિયસ પર ફિક્સ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેથી મુસાફરોને ધાબળાની જરૂર ન પડે.
રતલામ રેલવે ડિવિઝનની અંદર આવતા સ્ટેશનોની સફાઇ કરવામાં આવી રહી છે. તો આ તરફ મુંબઇના તમામ રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, મહારાષ્ટ્રમાં અત્યારે સૌથી વધુ 39 કોરોનાના કેસ નોંધાયા છે. મંગળવારે સવારે મુંબઈમાં કોરોના સંક્રમીત એક દર્દીનું મોત નીપજ્યું હતું.