અમદાવાદઃ ‘સારે જહાં સે અચ્છા હિદુસ્તાં હમારા’…આ ધુન સાથે એરફોર્સના જવાનોએ સિવિલમાં કોરોના વોરિયર્સને પ્રોત્સાહન આપવા આખાય કેમ્પસમાં માર્ચ કરી હતી. સિવિલ હોસ્પિટલના કેમ્પસ ઉપર એરફોર્સના હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
એરફોર્સના હેલિકોપ્ટરોમાંથી પુષ્પવૃષ્ટિ થતાં આખાય કેમ્પસનું વાતાવરણ ભાવવિભોર બની ગયું હતું. કોરોનાની મહામારીના આ કપરા સમયમાં દેશની ભવ્યતા, સંસ્કૃતિ અને એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું હતુ.
કોરોના ફાઈટર્સ અને વોરિયર્સનું સમ્માન કરવાનો પ્રયાસ ભારતીય સેના દ્વારા આ પહેલી જ વાર કરવામાં આવી હતી. એ પ્રસંગે અમદાવાદનું આકાશ વિમાનો, હેલિકોપ્ટરોની ઘરઘરાટીથી ગૂંજી ઉઠ્યું હતું. એક તરફ ઉપર આકાશમાંથી વોરિયર્સને સલામી આપવામાં આવી હતી તો નીચે ધરતી પર મ્યૂઝિક બેન્ડ વગાડીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજે અમદાવાદમાં આઈએએફ દ્વારા ફ્લાય-પાસ્ટ યોજવામાં આવી હતી. અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલની ઉપર હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરીને કોરોના વોરિયર્સને સલામી આપવામાં આવી હતી.
(પ્રજ્ઞેશ વ્યાસ)