ભાવનગરની પીએનઆર સંસ્થા દિવ્યાંગ બાળકો માટે કરી રહી છે અદભુત કાર્ય
14 નવેમ્બર ‘બાલ દિન’, આ દિવસને બાળકો માટેના વિશેષ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો વિશેષ બાળકો માટે ભાવનગરની સંસ્થા અને કાર્યકરો સવિશેષ કામ કરી રહ્યા છે.
માનસિક અને શારીરિક રીતે દીન (ગરીબ) એવા વિશેષ બાળકો કે જે મન અને શરીર બંનેથી લાચાર છે. આવા બાળકોને તેની ક્ષમતા મુજબ કૌશલ્ય શીખવવું આ કામ માત્ર ભાવનગર શહેરમાં જ નહીં પરંતુ ભાવનગર જિલ્લામાં પણ પીએનઆર સંસ્થા દ્વારા થઈ રહ્યું છે. પીએનઆર સોસાયટી દ્વારા ચાલી રહેલા અર્લી ઇન્ટરર્વેશન સેન્ટર, નટરાજ સી.પી. સ્કૂલમાં 15 વર્ષથી આવા અનેક બાળકો જરૂરી કેળવણી અને કૌશલ્ય મેળવી ચૂક્યા છે.
ભાવનગર શહેરમાં નટરાજ કોલેજ કેમ્પસ તથા વિદ્યાનગર ખાતે તેમજ જિલ્લામાં તળાજા, મહુવા, સિહોર અને પાલીતાણામાં આવા વિશિષ્ટ બાળકો માટે સારવાર અને પુનઃસ્થાપન કેન્દ્રો ચાલે છે. અહીં ઓળખ, નિદાન,સારવાર તથા તેમની ક્ષમતા મુજબ શિક્ષણની સેવા આપવામાં આવે છે. બાળકની રુચિ અને ક્ષમતા અનુસાર ચિત્ર કલા, સંગીત, બાગ કામ, કુકીંગ, ફોટોગ્રાફી, કમ્પ્યુટર, સિલાઈ સહિતના ક્ષેત્રની તાલીમ આપવામાં આવે છે.
આ ઉપરાંત ભાવનગર જિલ્લાના પી.એન.આર. સોસાયટી સંચાલિત તાલુકા મથકો પર સારવાર લઈ રહેલ બાળકો પણ ખરા જ કે જેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે તાલીમ મેળવીને કલાત્મક વસ્તુઓ વગેરે બનાવી શકે છે.
સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી બાબાભાઈ શાહ જણાવે છે કે, માનસિક અને શારીરિક બંને રીતે દિવ્યાંગ કહી શકાય તેવા આ બાળકોને તાલીમ આપી, કઈક અંશે સ્વનિર્ભર અને પગભર કરવાનો પ્રયત્ન કરી અમારી સંસ્થાના તમામ કાર્યકરો 365 દિવસ આ રીતે બાલ દિનની ઉજવણી કરતા હોય છે અને આવા બાળકો ‘દીન’ ન રહે તેનું કામ કરતા હોય છે તેનો અમને નિજાનંદ છે.
– જયેશ દવે (ભાવનગર)