નવી દિલ્હીઃ દેશમાં કોવિડ19થી પહેલાં સિનિયર સિટિઝનને ટ્રેન ટિકિટ પર 40થી 50 ટકા સુધીની છૂટ મળતી હતી, પરંતુ એ છૂટ કોવિડના સમયમાં ખતમ કરી દેવામાં આવી હતી. કોવિડનો ડર દેશ-વિદેશમાં ખતમ થયા પછી સરકારે એ છૂટને ફરીથી શરૂ નહોતી કરી.હવે સિનિયર સિટિઝન બજેટમાં ટ્રેન ટિકિટ પર 50 ટકા સુધીની છૂટની માગ કરી રહ્યા છે. તેમને આશા છે કે સરકાર તેમને એ છૂટ ફરીથી આપવાનું શરૂ કરશે. આગામી વર્ષે બજેટ પછી દેશમાં ચૂંટણી થવાની છે. આવામાં અપેક્ષા છે કે સરકાર આ વખતે બજેટમાં સિનિયર સિટિઝનને ટ્રેન ટિકિટમાં એ છૂટનું ફરીથી એલાન કરે.
દેશમાં IRCTC સિનિયર સિટિઝન માટે સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનોની બધી કેટેગરીમાં ભાડામાં છૂટની ઓફર કરે છે. IRCTC વર્ષ 2019ના અંત સુધી 60 વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝનો અ 58 વર્ષ અથવા એનાથી વધુ વયની મહિલાઓ યાત્રીઓને દુરંતો, શતાબ્દી, જન શતાબ્દી, રાજધાની, મેલ, એક્સપ્રેસ ટ્રેનોની ટ્રેન ટિકિટો પર ભાડામાં છૂટ આપતી હતી. જ્યાં પુરુષ સિનિયર સિટિઝનને 40 ટકાની છૂટ મળતી હતી, જ્યારે મહિલા સિનિયર સિટિઝનને ટ્રેન ટિકિટ પર 50 ટકાની છૂટનો લાભ મેળવી શકતી હતી.