નદીમ-શ્રવણના ‘ઇલાકા’ માં સમીર આવ્યા   

ગીતકાર સમીર અને સંગીતકાર નદીમ-શ્રવણની જોડીને ફિલ્મ ‘આશિકી’ (૧૯૯૦) થી જોરદાર સફળતા મળી હતી. સમીરે નદીમ-શ્રવણ સાથે શ્રેષ્ઠ કામ કર્યું હતું. પરંતુ તેઓની પ્રથમ ફિલ્મ ‘ઇલાકા’ (૧૯૮૯) માં પહેલાં સમીરને ગીતકાર અંજાનના પુત્ર હોવા છતાં પ્રવેશ મળ્યો ન હતો. નિર્દેશક અઝીઝ સેજવાલની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘ઇલાકા’ માં નદીમ-શ્રવણ સંગીત આપી રહ્યા હતા. એમાં સમીરના ગીતકાર પિતા અંજાને બે ગીત ‘દેવા હો દેવા’ અને આયી હૈ આજ તો’ લખ્યા હતા. ત્યારે નિર્દેશકે સમીરને પણ એમાં ગીત લખવા આમંત્રણ આપ્યું હતું.

સમીર ગીત લખવા ગયા ત્યારે સંગીતકાર નદીમે એમ કહીને ના પાડી દીધી કે સમીર આ ક્ષેત્રમાં ઘણા નવા છે. પરંતુ શ્રવણે સમીરને પાછા બોલાવ્યા અને એક પંક્તિ ‘પ્યાર સે ભી જ્યાદા મેં તુમ સે પ્યાર કરતા હૂં’ આપીને એ પછીની પંક્તિ લખી આપવા પડકાર ફેંક્યો. સમીરે ઘરે જઇને બીજી પંક્તિ ‘યાદ તુઝે એક પલ મેં બાર બાર કરતા હૂં’ લખી નદીમને ફોન પર સંભળાવી. નદીમ એ પંક્તિથી રાજી થયા અને સાથે કામ કરવા સંમતિ આપી. ‘ઇલાકા’ માં સમીરે બીજું ગીત ‘કલ સે છોડ દૂંગા મેં શરાબ’ લખ્યું હતું. અનવર સાગરે ‘ખાલી બોતલ કી તરહ’ લખ્યું હતું. બધાં ગીતો તૈયાર થયા પછી સમીરનું ‘પ્યાર સે ભી જ્યાદા તુઝે પ્યાર કરતા હૂં’ જ સૌથી વધુ લોકપ્રિય થયું હતું. એ પછીની એમની ફિલ્મ ‘આશિકી’ ની લોકપ્રિયતા બહુ મોટી હતી.

અસલમાં ‘ટી સીરિઝ’ ના ગુલશનકુમાર નદીમ-શ્રવણના સંગીતમાં નવા ગાયિકા અનુરાધા પૌડવાલ સાથે ‘ચાહત’ નામનું ગીતોનું એક આલબમ બહાર પાડવા તૈયારી કરી રહ્યા હતા. સમીરે એનું ટાઇટલ ગીત ‘મેં દુનિયા ભૂલા દૂંગા તેરી ચાહત મેં’ લખ્યું હતું. જ્યારે નિર્દેશક મહેશ ભટ્ટે આલબમના પ્રથમ ત્રણ ગીતો સાંભળ્યા ત્યારે એમણે ગીતોની આસપાસ વાર્તા રચીને ફિલ્મ બનાવવાનો વિચાર કર્યો અને ‘આશિકી’ નો જન્મ થયો. ફિલ્મ બની રહી હતી ત્યારે ગુલશનકુમારે એને બંધ કરવાનું સૂચન કર્યું. કેમકે તેમને ગીતો બિનફિલ્મી ગઝલ જેવા લાગતા હતા. ઉપરાંત નવોદિત રાહુલ રૉય- અનુ અગ્રવાલની જોડી પસંદ આવી ન હતી. જ્યારે મહેશ ભટ્ટ ફિલ્મ પૂરી કરવા મક્કમ હતા. એમને ફિલ્મની સફળતા માટે વિશ્વાસ હતો.

ગુલશનકુમારનો ડર જાણી એમણે હીરો-હીરોઇનના ચહેરા ન બતાવવા કોટથી ઢંકાયેલા હોય એવું પોસ્ટર તૈયાર કરાવ્યું અને ‘આશિકી’ તેના લોકપ્રિય ગીત-સંગીતને કારણે રજૂ થતાંની સાથે જ હિટ થઇ ગઇ. ફિલ્મફેર એવોર્ડમાં અભિનય, નિર્દેશન વગેરે શ્રેણીમાં પણ ‘આશિકી’ નું નામાંકન થયું હતું પરંતુ બધા જ એવોર્ડ ગીત-સંગીત અને ગાયન માટે મળ્યા હતા. સમીરને ‘નજર કે સામને’ માટે શ્રેષ્ઠ ગીતકારનો અને એ ગીત માટે અનુરાધા પૌડવાલને શ્રેષ્ઠ પાર્શ્વ ગાયિકાનો, કુમાર સાનૂને ‘અબ તેરે બીન’ ગીત માટે શ્રેષ્ઠ પાર્શ્વ ગાયકનો જ્યારે નદીમ-શ્રવણને શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ મળ્યો હતો.