શશીના ગીતે મચાવ્યો શોર

જાણીને નવાઇ લાગશે કે શશી કપૂરે ‘ચોર મચાયે શોર’ (૧૯૭૪) નું જે ગીત બેકાર માનીને ગુસ્સો વ્યક્ત કર્યો હતો એ સૌથી વધુ લોકપ્રિય રહ્યું હતું. નિર્માતા એન.એન. સિપ્પીએ અશોક રૉયના નિર્દેશનમાં ‘ચોર મચાયે શોર’ નું નિર્માણ કરવાનું શરૂ કર્યું ત્યારે ખબર નહીં હોય કે ગીત-સંગીતને કારણે આ ફિલ્મ યાદગાર બની રહેવાની છે. જીતેન્દ્રએ ફિલ્મની હીરોઇન તરીકે મુમતાઝને લેવાનો આગ્રહ કર્યો હતો. અગાઉ બી ગ્રેડની હીરોઇન ગણાતી હોવાથી મુમતાઝ સાથે કામ કરવાનો ઇન્કાર કરનાર જીતેન્દ્રએ તેની લોકપ્રિયતાને કારણે ફિલ્મમાં જીદ કરીને પહેલી વખત તેને લેવા કહ્યું હતું. જ્યારે સંજીવકુમારના કહેવાથી એન.એન. સિપ્પીએ ગીત-સંગીતની જવાબદારી રવિન્દ્ર જૈનને સોંપી હતી. પરંતુ જે ગીત સિપ્પીને ગમતું એ અશોક રૉયને ગમતું નહીં.

રવિન્દ્રએ ઘણી ધૂન તૈયાર કરી આપી તેમાંથી પાંચ ધૂન તેમણે પસંદ કરી હતી. એમાંનું કિશોરકુમારે ગાયેલું ‘ઘૂંઘરું કી તરહા’ તો એમને ભારે લોકપ્રિયતા અપાવી ગયું હતું. આ ગીત પછી જ કિશોરકુમારને ખરી સફળતા મળી હતી. ફિલ્મના અન્ય ગીતો એક ડાલ પર તોતા બોલે, પાંવ મેં ડોરી, યે મેરા જાદૂ અને ‘આગરે સે ઘાઘરો મંગા દે’ તો હિટ થયા જ હતા પણ ‘લે જાયેંગે લે જાયેંગે, દિલવાલે દુલ્હનિયાં લે જાયેગે’ સૌથી વધુ લોકપ્રિયતા લઇ ગયું હતું. આજે પણ લગ્ન પ્રસંગે આ ગીત એટલા જ ઉત્સાહથી અચૂક વગાડાય છે. પણ શશી કપૂરને આ ગીત પહેલાં જરાપણ ગમ્યું ન હતું. એ પ્રસંગને મનોજકુમારે યાદ કર્યો હતો. ત્યારે મનોજકુમાર અને શશી ‘રોટી કપડાં ઔર મકાન’ માં સાથે કામ કરતાં હતા. બંને વચ્ચે સારી દોસ્તી હતી.

એક દિવસ મનોજકુમાર શશીની ફિલ્મ ‘ચોર મચાયે શોર’ ના સેટ પર મળવા ગયા. ત્યાં જઇને જોયું તો શશી ગુસ્સામાં હતા. જે ગીતનું શુટિંગ કરી રહ્યા હતા તેનાથી ખુશ ન હતા. શશીએ મનોજકુમારને આવેલા જોઇ કહ્યું:”બોગસ હૈ યે ગાના” અને પછી મનોજકુમારને સાંભળવા કહ્યું. મનોજકુમારને રવિન્દ્ર જૈનનું એ ગીત રિવાઇન્ડ કરીને સંભળાવ્યું. જેવું ગીત પૂરું થયું કે મનોજકુમારે કહ્યું કે,”યાર, ગાના સુપરહિટ હૈ” અને શશી કપૂરે નિર્દેશક અશોક રૉયને ગીતનું શુટિંગ શરૂ કરવા કહી દીધું. ‘લે જાયેંગે લે જાયેંગે, દિલવાલે દુલ્હનિયાં લે જાયેગે’ શશીની કારકિર્દીનું ચાર્ટબસ્ટર ગીત સાબિત થયું.

હિટ ગીતોને કારણે એ વર્ષે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ‘ચોર મચાયે શોર’ બીજા સ્થાન પર રહી. એટલું જ નહીં તેલુગુમાં મહેશબાબુ સાથે તેની રીમેક ‘ભલે ડોંગાલુ’ બનાવવામાં આવી હતી. વર્ષો પછી નિર્દેશક આદિત્ય ચોપડાએ શાહરૂખ-કાજોલની જોડી સાથે આ ગીત પર આધારિત ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે’ બનાવવાનું નક્કી કર્યું અને આનંદ બક્ષીને ગીતો લખવાનું કહ્યું ત્યારે તેમણે સ્પષ્ટ કહી દીધું હતું કે આ ટાઇટલ પરથી ફરી એવું ગીત લખાવવાનો આગ્રહ ના કરશો. કેમકે ‘લે જાયેંગે લે જાયેંગે, દિલવાલે દુલ્હનિયાં લે જાયેગે’ એક એવું ક્લાસિક ગીત છે જેને ફરી બનાવી શકાશે નહીં.

(રાકેશ ઠક્કર- વાપી)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]