સોનુએ કરાવી સુનિધિની ‘મસ્ત’ શરૂઆત

ગાયિકા તરીકે સુનિધિ ચૌહાણને નાનપણથી જ તક મળતી રહી હતી. જોકે ખરી શરૂઆત સોનુની ભલામણથી ‘મસ્ત’ (૧૯૯૯) ના ‘રુકી રુકી’ ગીતથી થઇ હતી. સુનિધિ ચાર વર્ષની ઉંમરથી સ્ટેજ પર ગાવા લાગી હતી. પણ જ્યારે દસ વર્ષની હતી ત્યારે તેને દિલ્હીમાં એક સ્ટેજ શોમાં ગાતી જોઇને તબસ્સુમ પ્રભાવિત થયા અને મુંબઇ આવે ત્યારે મળવા માટે કહ્યું. દોઢ વર્ષ પછી એમનો પરિવાર રજાઓમાં મુંબઇ ફરવા ગયો ત્યારે પિતાએ તબસ્સુમને ફોન કર્યો. તબસ્સુમે એમને ઘરે બોલાવ્યા અને ત્યારે બાળકો સાથે સ્ટેજ શો કરતા સંગીતકાર કલ્યાણજીભાઇ સાથે મુલાકાત કરાવવાનો વિચાર આવ્યો.

કલ્યાણજીએ સુનિધિનો અવાજ સાંભળ્યો અને પસંદ આવ્યો. તેમણે મુંબઇમાં જ રોકાવાનું કહી દીધું. પિતાનું કામકાજ દિલ્હીમાં હોવાથી રોકાવાનું મુશ્કેલ હતું એટલે સુનિધિ સાથે બે વર્ષ સુધી અવારનવાર મુંબઇ આવતા રહ્યા. સુનિધિ કલ્યાણજીની ‘લીટલ વન્ડર્સ’ એકેડમીમાં ગાયિકા તરીકે કામ કરતી રહી. અસલમાં સુનિધિનું નામ નિધિ છે. પણ એમને થયું કે એકેડમીમાં સાધના સરગમ, સોનાલી વાજપેઇ, સ્નેહા વગેરેના નામ ‘સ’ થી શરૂ થાય છે તો તેનું નામ પણ ‘સ’ થી શરૂ થતું હોવું જોઇએ. અને એમણે ‘સુનિધિ’ રાખવા કહ્યું. જે બધાંને ગમી ગયું. દરમ્યાનમાં ૪૮ મો ફિલ્મફેર એવોર્ડ યોજાયો. જેમાં કલ્યાણજીએ સુનિધિ પાસે ગીત ગવડાવ્યું. ત્યાં હાજર સંગીતકાર આદેશ શ્રીવાસ્તવે તેના ગાયનની નોંધ લઇ સુનીલ શેટ્ટી સાથેની ફિલ્મ ‘શસ્ત્ર’ (૧૯૯૬) ના ‘લડકી દીવાની લડકા દીવાના’ ગીતમાં પહેલી તક આપીને ઉદીત નારાયણ સાથે ગવડાવ્યું.

એ પછી બે વર્ષ સુધી ફિલ્મોમાં માત્ર એક-બે લીટીઓ ગાવાનું કામ મળતું રહ્યું. એક દિવસ ખબર પડી કે ટીવી પર ‘મેરી આવાઝ સુનો’ નામનો ગાયન સ્પર્ધાનો શો શરૂ થવાનો છે. એમાં લતા મંગેશકર આવવાના છે. લતાજીને જોવા- મળવાના આશયથી જ પિતાએ સુનિધિને પહેલી વખત કોઇ સ્પર્ધામાં ભાગ લેવા સંમતિ આપી. એમને આવી સ્પર્ધાઓમાં ભાગ લેવાનું પહેલાંથી જ પસંદ ન હતું. લતાજીને કારણે સુનિધિએ એમાં ભાગ લીધો. તેને કલ્પના ન હતી કે બધા જ રાઉન્ડ પાર કરીને વિજેતા બની જશે. તે એકલી જ તેર વર્ષની હતી. બાકીના બધા સ્પર્ધક ૨૦ વર્ષથી મોટી ઉંમરના હતા. વિજેતા બન્યા પછી કેટલીક ફિલ્મોમાં ગાયું પણ કંઇ ખાસ થયું નહીં. કેમકે સારો અવાજ હતો પણ ના બાળકો માટે ના પુખ્ત વયના કલાકારો માટે બંધબેસતો હતો. તે પંદર વર્ષની હતી ત્યારે એક ઉડીયા ગીતનું સોનુ નિગમ સાથે રેકોર્ડિંગ હતું.

સોનુએ તેના અવાજમાં એક પશ્ચિમી ગીત સાંભળ્યું અને પ્રભાવિત થઇને સંગીતકાર સંદીપ ચૌટાને ફોન કરીને કહ્યું કે તમે ‘મસ્ત’ નામની ફિલ્મ કરી રહ્યા છો એના એક ગીત માટે તમારે નવી છોકરીની જરૂર છે. તમે સુનિધિના  અવાજનો ઉપયોગ કરી શકો છો. બે સપ્તાહ પછી સંદીપે સુનિધિને બોલાવીને સોનુ સાથે ‘રુકી રુકી સી જિંદગી’ નું રેકોર્ડિંગ કરાવ્યું. આ ગીતને જ્યારે ઉર્મિલા માતોંડકર પર ફિલ્માવ્યું ત્યારે નિર્દેશક રામગોપાલ વર્માને થયું કે સુનિધિનો અવાજ એના માટે બરાબર છે. તેમણે બીજું સોલો ગીત ‘મૈં મસ્ત’ ગવડાવ્યું. ઉપરાંત સોનુ સાથે ‘સુના થા’ પણ રેકોર્ડ કરાવ્યું. સુનિધિને ‘રુકી રુકી’ માટે ફિલ્મફેરનો નવી સંગીત પ્રતિભાનો આર.ડી. બર્મન એવોર્ડ મળ્યો હતો. ‘મસ્ત’ ના ગીત પછી પાર્શ્વગાયિકા તરીકે તેની સફળ કારકિર્દી શરૂ થઇ હતી.