નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ એક પ્રેસ રિલીઝ જારી કરીને એલાન કર્યું છે કે ભારતીય ટીમ કોરોના વાઇરસને કારણે શ્રીલંકા અને ઝિમ્બાબ્વેના પ્રવાસે નહીં જાય. આના પહેલાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ગુરુવારે ભારત અને શ્રીલંકાની વચ્ચે થનારી સિરીઝને સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.
જૂનના અંતમાં શ્રીલંકાનો પ્રવાસ હતો
ટીમ ઇન્ડિયા શ્રીલંકામાં 24 જૂનથી 11 જુલાઈ દરમિયાન વન-ડે ઈન્ટરનેશનલ અને T20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ રમાવાની હતી, પણ કોરોના વાઇરસને લીધે સલામતીનાં કારણોસર હવે આ સિરીઝ સ્થગિત કરવામાં આવી છે. ત્યાર બાદ ટીમ 22 ઓગસ્ટથી ઝિમ્બાબ્વેના પ્રવાસે જવાની હતી. જોકે BCCIએ સ્પષ્ટ નથી કર્યું કે સિરીઝ રદ કરવામાં આવી છે કે પાછળ ઠેલવામાં આવી છે. BCCIએ અખબારી યાદીમાં કહ્યું છે કે ભારતીય ટીમ શ્રીલંકા અને ઝિમ્બાબ્વેના પ્રવાસે નહીં જાય. કોરોના વાઇરસના જોખમને ધ્યાનમાં લેતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતીય ટીમે હજી તાલીમ શરૂ નથી કરી અને જુલાઈથી પહેલાં શિબિર યોજાવાની સંભાવના પણ નથી. ખેલાડીઓને મેચ માટે તૈયાર થવા આશરે છ સપ્તાહનો સમય લાગશે. શાહે પ્રેસ રિલીઝમાં બોર્ડના પગલાને યોગ્ય ગણાવતાં કહ્યું હતું કે તે ટ્રેનિંગ શિબિર ત્યારે આયોજિત કરશે, જ્યારે ક્રિકેટરો માટે સુરક્ષિત વાતાવરણ હશે. આમાં કહેવામાં આવ્યું છે કે BCCI આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ ક્રિકેટને ત્યારે મંજૂર કરશે, જ્યારે ક્રિકેટરો માટે સલામત વાતાવરણ હશે, પણ બોર્ડ એવો કોઈ નિર્ણય નહીં લે, જેનાથી કેન્દ્ર અને રાજ્ય સરકાર તથા અન્ય સંબંધિત એજન્સીઓના કોરોના વાઇરસ ફેલાવાથી રોકવાના પ્રયાસ નિષ્ફળ થઈ જાય.
તેમણે કહ્યું હતું કે BCCI સતત દેશમાં કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કરી રહી છે અને બધા સરકારી દિશા-નિર્દેશો પર વિચાર કર્યા પછી ક્રિકેટ રમવા માટે નિર્ણય લેવાશે. શાહે કહ્યું છે કે બોર્ડ અધિકારી ભારત સરકાર દ્વારા જારી થયેલા દિશા-નિર્દેશો પર નજર રાખી રહ્યું છે અને બોર્ડ આ જારી દિશા-નિર્દેશો અને લગાડવામાં આવેલા નિયમોનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું હતું કે BCCI બદલાતી સ્થિતિની સમીક્ષા કરવાનું ચાલુ રાખશે.