સેનફ્રાન્સિસ્કોઃ અમેરિકાની માઈક્રોબ્લોગિંગ અને સોશિયલ નેટવર્કિંગ સર્વિસ પૂરી પાડનાર ટ્વિટરની સુરક્ષા વ્યવસ્થામાં બુધવારે અભૂતપૂર્વ ગાબડું પડ્યું હતું. અનેક જાણીતી હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ હેક થયા હતા. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ સહિત વિશ્વના અનેક દિગ્ગજોના ટ્વિટર એકાઉન્ટ્સને હેક કરવામાં હતા. ત્યારબાદ ટ્વિટરે બ્લૂ ટિક વાળા તમામ અકાઉન્ટ્સને અનેક કલાકો સુધી બંધ કર્યા હતા. એકાઉન્ટ્સ હેક કરાયા બાદ તમામ એકાઉન્ટ્સ પર ટ્વીટ કરીને બિટકોઈનના રુપમાં હેકર દ્વારા પૈસા માંગવામાં આવ્યા હતા. જો કે, આ મુશ્કેલીને હવે દૂર કરી દેવામાં આવી છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, અમેઝોનના સીઈઓ જૈફ બેઝોસ, ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેન, માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ સહિત કેટલાય દિગ્ગજોના ટ્વીટર એકાઉન્ટ્સને એક સાથે હેક કરી લેવામાં આવ્યા હતા. દરેક વ્યક્તિના એકાઉન્ટ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યું હતું. ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું કે, તમે બિટકોઈન દ્વારા અમને પૈસા મોકલો અમે આપને ડબલ પૈસા આપીશું. તે ઉપરાંત લખવામાં આવ્યું હતું કે, હવે એ સમય આવી ગયો છે કે અમે સમાજમાંથી જે કમાયા છીએ એ તેને પાછું આપીએ.