બહુચરાજી: ગુજરાતનાં પવિત્ર તિર્થસ્થાનો પૈકી એક એટલે શક્તિ પીઠ બહુચરાજી. મહેસાણા જિલ્લામાં આવેલું આ પ્રાચીન તિર્થસ્થાન ‘મા બહુચર’ના જયકાર વચ્ચે યાત્રિકોની મોટી સંખ્યામાં ધસારા સાથે સતત ભક્તિમય રહે છે. એક માન્યતા પ્રમાણે ચૈત્ર માસની પૂનમે અહીં માતાજીનાં પગલાં થયાં હતા. દર વરસે ચૈત્ર માસની પૂનમે અહીં માતાજીનો પ્રાગટ્યોત્સવ ઊજવાય છે. આ વર્ષે પણ તા. 21 એપ્રિલ થી 23 એપ્રિલ દરમિયાન ત્રણ દિવસનો ચૈત્રી પૂનમનો મેળો ભરાયો હતો. બહુચરાજી માતાજીની સવારી સમયે મહેસાણા સંસદીય મત વિસ્તારના જનરલ ઓબ્ઝર્વર આદિત્ય નેગી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક બારહટ અને પ્રાંત અધિકારી ઋતુરાજસિંહ જાદવે માતાજીની પૂજા-અર્ચના કરી આશિર્વાદ મેળવ્યા હતા.ચૈત્રી પૂનમના મેળાના અંતિમ દિવસે પૂનમની રાત્રે મા બહુચરની શાહી સવારીએ બહુચરાજી મંદિરથી નીકળી શંખલપુર જવા પ્રસ્થાન કર્યું હતું. આ સમયે માતાજીની સવારીને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ્ં હતું. માતાજીની સવારીમાં પોલીસ જવાનો, ઘોડેસવાર તેમજ બેન્ડવાજા સામેલ થયા હતા. ચૈત્ર સુદ પૂણિમાનો ભવ્ય લોકમેળામાં બહુચર માતાજીની ભવ્ય સવારી બે કિ.મી દૂર માતાજીના મૂળ સ્થાનક શંખલપુર ગામે ટોડા માતાજીના સ્થાનકે ગઇ હતી. જયાં માતાજીની સવારીનું ગ્રામજનો દ્વારા ભવ્યાતિભવ્ય સામૈયુ કરવામાં આવ્યું હતું. શક્તિ પીઠના મોટા મહોત્સવ ચૈત્રી પૂનમ નિમિત્તે બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા હાઇવે પર શક્તિચોકની બાજુમાં આવેલા અન્નપુર્ણા ભોજનાલયમાં વિનામૂલ્યે ભોજન-પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેનો લાખો શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો.મા બહુચરના ઐતિહાસિક મહત્વ વિશે વાત કરીએ તો સુધાસિંધુમાં મણિદ્વીપ પરના ચિંતામણિ ભુવનમાં બિરાજતાં માતા જગદંબા અસુરોનો વિનાશ કરી ત્યાંથી નીકળી ધર્મારણ્યમાં ચુંવાળ પ્રદેશ (આજનો બહુચરાજી આસપાસનો વિસ્તાર)માં આવીને વસ્યાં. અહીં તેઓ બાળા ત્રિપુરા અને આજે બાળા બહુચરા નામે વિખ્યાત બન્યાં છે. બહુચર માતાજીએ બાળારૂપ ધારણ કરી દંઢાસુર નામના રાક્ષસને હણી ઋષિ-મુનિઓને તેના ત્રાસમાંથી મુક્ત કરાવ્યા. તે પછી સિદ્ધહસ્ત મુનિ કપિલ ભગવાનના હસ્તે બહુચર માતાજીના ગોખની સ્થાપના થઈ. વરખડીવાળા સ્થાનની પ્રસિદ્ધિ થયા પછી જગદંબાને ગુપ્ત રહેવાની ઇચ્છા થઈ. ધીરે-ધીરે આ સ્થાન વિસારે પડી ગયું. કાળક્રમે માતાજીને પુન:પ્રગટ થવાની ઇચ્છા થઈ. તદાનુસાર કાલરીના સોલંકી કુંવર તેજપાલને નારીમાંથી નર એટલે કે પુરુષાતન આપી પરચો પૂર્યો હતો. આ શુભ દિવસ ચૈત્રી પૂનમ હોવાની માન્યતા છે. ત્યારથી દર ચૈત્ર માસની પૂનમે અહીં માતાજીનો પ્રાગટ્યોઉત્સવ ઊજવાય છે.ધાર્મિક મહત્વ વિશે બહુચરાજી માતાજીનું સ્થાનક ભારતભરના તમામ શક્તિપીઠોમાંનું એક છે. જ્યાં દક્ષ કન્યા મા ભગવતી સતીના હાથના અવયવો પડેલા છે. જેથી આ સ્થળ એક સિદ્ધિ શક્તિપીઠ કહેવાય છે. આ યાત્રાધામમાં માતાજીનાં સંકુલમાં મુખ્યત્વે ત્રણ મંદિરો, આદ્યસ્થાન, મધ્યસ્થાન અને મુખ્ય મંદિર આવેલ છે. જેમાં સ્ફટિક નિર્મિત સુવર્ણ જડીત બાલાયંત્રની પૂજા કરવામાં આવે છે. સૃષ્ટિની દશ મહાશક્તિઓમાં શ્રી બાલાત્રિપુરા સુંદરી – શ્રી બહુચરમાં સ્વયં સિદ્ધિશક્તિ છે. અહીં લાખો ભાવિક યાત્રાળુઓ દર્શન માટે આવે છે. ધાર્મિક મહત્ત્વ તથા પવિત્રતાની દ્ષ્ટિએ આ સ્થળ ખૂબ જ અદકેરું મહત્ત્વ ધરાવે છે. શ્રી બહુચરા માતાજીનું વાહન કૂકડો છે. સોલંકી યુગ-ગુજરાતનાં સુવર્ણ યુગમાં રાજ્યનાં પ્રતિક તરીકે ધજામાં કુકડાનું ચિહ્ન આલેખાતુ હતુ. માતાજીના કુકડાને બહુચરાજીના ભક્તો અતિ પવિત્ર માને છે. તથા મંદિરના પ્રાંગણમાં કુકડાઘરનું જતન કરવામાં આવે છે. સંતાન વિહોણા દંપતીઓ સંતાન પ્રાપ્તિ માટે, નવજાત શિશુના સ્વાસ્થ્ય માટે, આંખના દર્દ તથા ફુલાં માટે, બોબડા અથવા તોતળાપણા માટે, બહેરાપણા માટે, હાથપગની ખોડખાંપણ માટે તેમજ અનેક આધિ વ્યાધિ માટે અપાર શ્રદ્ધાથી લોકો માતાજીની બાધા આખડી રાખે છે અને મનોવાંચ્છિત ફળ પ્રાપ્ત કરે છે. હિન્દુ ધર્મના સોળ સંસ્કારમાંના એક એવા બાબરી સંસ્કારની વિધિ બાળકોના મુંડન દ્વારા મંદિરની પાસે આવેલા પવિત્ર માનસરોવર કુંડના કિનારે કરવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણની બાબરી અહીં ઉતારવામાં આવેલ હતી. શ્રી બહુચરાજી માતાજી ગુજરાતની અનેક જ્ઞાતિઓના કુળદેવી છે. જેથી તેઓ શ્રદ્ધાપૂર્વક અહીં બાબરી ઉતારવા તથા દર્શન કરવા માટે આવે છે. સ્ત્રીને પૂજામાં ત્રણ વિવિધ સ્વરૂપે પૂજ્ય ભાવે પૂજવવામાં આવે છે. પ્રથમ ભાવ બાલા કે કૌમારીનો, બીજો ભાવ સુંદરી કે સૌભાગ્યવતીનો અને ત્રીજો ભાવ પ્રૌઢા કે જનનીનો. ગુજરાતના ત્રણ શક્તિપીઠોમાં બહુચરાજી બાલાનો, અંબિકામાં યુવતિનો અને કાલિકામાં પ્રૌઢા જનનીનો ભાવ છે. મા બહુચર આ યાત્રાધામમાં બાલ્ય સ્વરૂપે બિરાજમાન છે.દેશમાં હાલ જે રીતે યાત્રાધામનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. એમાં ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ ગુજરાત સરકાર બહુચરાજી શક્તિ પીઠને પણ ભવ્ય મંદિર, સુવિધાઓથી સજ્જ કરવાનું આયોજન કરી રહી છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)