નવી દિલ્હીઃ દેશમાં શિક્ષણનું ખાનગીકરણ ઝડપથી વધી રહ્યું છે. પહેલાં સરકારી સ્કૂલોમાં વધુ બાળકો શિક્ષણ પ્રાપ્ત કરતા હતા, હવે ખાનગી સ્કૂલોમાં શિક્ષણ મેળવતાં બાળકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. એને કારણે ખાનગી સ્કૂલોની માગ વધી છે અને એ સાથે એ સ્કૂલોમાં લેવાતી ફીમાં પણ વધારો થયો છે. જોકે સામે પક્ષે મધ્યમ વર્ગની આવકમાં એટલો વધારો નથી થયો.
દેશમાં ખાનગી સ્કૂલોમાં ફીમાં છેલ્લાં ત્રણ વર્ષમાં 50-થી 300 ટકા સુધીનો વધારો થતો જોવા મળ્યો છે. દિલ્હી, મુંબઈ, બેંગલોર અને હૈદરાબાદ જેવાં શહેરોમાં ખાનગી સ્કૂલોની ફી સરેરાશ 10-12 ટકાના દરે વાર્ષિક વધી છે. આ વધારો આર્થિક મંદી છતાં સતત જારી છે. દાખલા તરીકે દિલ્હીની કેટલીક ખાનગી સ્કૂલોમાં છેલ્લાં ત્રણ વર્ષોમાં ફીમાં ત્રણ ગણો વધારો થયો છે. અનેક સ્કૂલોએ કોરોના રોગચાળા દરમ્યાન ઓનલાઇન શિક્ષણ માટે વધારાનો ચાર્જ વસૂલ્યો હતો અને હવે ઓફલાઇન શિક્ષણ શરૂ થયા પછી પણ ચાર્જમાં કોઈ ઘટાડો નથી કર્યો.
આ વધારેલી ફીમાં માત્ર ટ્યુશન ફી જ નહીં, બલકે એડમિશન ફી, સ્પોર્ટ્સ એક્ટિવિટી, પુસ્તકો, યુનિફોર્મ, ટ્રાન્સપોર્ટેશન અને અન્ય આવશ્યક સેવાઓની ફી સામેલ છે. એક અંદાજ અનુસાર એક મધ્યમ વર્ગના પરિવાર માટે બાળકોને ખાનગી સ્કૂલમાં શિક્ષણ આશરે 20-25 ટકા વધુ મોંઘું થયું છે. આની સામે ભારતીય પરિવારોની સરેરાશ માસિક આવક આશરે રૂ. 30,000થી રૂ. 50,000ની વચ્ચે છે, એમ ભારતીય અર્થતંત્રનો સર્વે કહે છે. આ મોટાં શહેરોમાં રહેતા પરિવારો માટે શિક્ષણના ખર્ચને પરવડે એવા નથી.