સાંસારિક જીવન જીવતા માણસને સાચી શાંતિ અને નિરાંતનો અનુભવ તેના ઘરમાંસ્વજનોની સાથે જ થઇ શકે. ગમે તેટલા જીગરજાન મિત્રો હોય પણ લોહીનો સંબંધ એટલે લોહીનો સંબંધ. મકાનએ ઘર બનીને રહે તે જરૂરી છે. ઘર સાથે તેની કેટલીય યાદ, પ્રસંગો અને વ્યવહાર સંકળાયેલ હોય છે. આ તો થઇ ઘરની વાત, પણ કેટલાય લોકોને ઘર નહીં પણ ‘મકાન’ મળે છે. કહેવાનો મતલબ એ છે કે ‘મકાન’ ક્યારેય ઘર નથી થઇ શકતું. આ મકાનને લીધે તેમને પૈસા અને સામાજિક તકલીફોમાંથી પસાર થવું પડે છે. ઘણીવાર તો મકાન કે જમીન માત્ર આખા કુટુંબની સમસ્યાઓના પાયામાં હોય છે.આમેય મકાન કે જમીન ખરીદમાં ઘણા બધા નીતિ નિયમો કરવા પડતા હોય છે, તેવામાં જ્યોતિષની નાની મદદ કે માત્ર સલાહ લઈને જો આવા મોટા નિર્ણયોને આખરી ઓપ આપવામાં આવે તો કદાચ મકાનને લગતી તકલીફ ટાળી શકાય. જ્યોતિષ શાસ્ત્રમાં મકાન કે જમીનના સુખ માટે સ્પષ્ટ સુત્રો આપેલા છે.
ચતુર્થ ભાવ મકાન અને વાહનના સુખનો નિર્દેશ કરે છે. શુક્ર અને મંગળ પણ જમીન, મકાનના સુખના કારક ગ્રહો છે. ચતુર્થ ભાવ જે ગ્રહો સાથે સંબંધિત હોય તે મુજબ મકાન કે વાહનનું સુખ જાતકને મળતું હોય છે.ચતુર્થ ભાવે શુભ ગ્રહો દ્રષ્ટિ કરતા હોય કે શુભ ગ્રહો સંબંધમાં હોય તો જાતકને નામે મકાન કરવામાં કોઈ તકલીફ આવતી નથી. ચતુર્થ ભાવ શુભ વાળા જાતકોને જીવન દરમ્યાન સરળતાથી મકાન મળે છે. તેથી ઉલટું જો ચતુર્થ ભાવને શનિ, રાહુ કે મંગળ જેવા ગ્રહો સાથે સંબંધ હોય તો ચતુર્થ ભાવની શુભતા ઘટે છે.
ચોથે શનિ કે રાહુ તો ખુબ જ અનિષ્ટ કરવાવાળા છે. ચોથે શનિ કે રાહુ હોય તો મકાન પોતાના નામે નહીં, પરંતુ ઘરના કોઈ સભ્ય પત્ની કે સંતાન જેની કુંડળીમાં ચતુર્થ ભાવ શુભ બનેલો હોય તેના નામે કરવું જોઈએ. સંભાળવામાં સરળ લાગતી વાત વ્યવહારિક રીતે બહુ અગત્યની છે. ચોથે શનિવાળાને અનેકવાર મકાન બદલાતા અને વાહનોમાં ખોટ ખાતા અમે જોયા છે. ચોથે શનિવાળાને મકાન લે-વેચમાં મોટેભાગે ખોટ ખાવાનો વારો આવે જ છે. ચોથે રાહુ હોય તો મકાનમાં છેતરપીંડી કે ખરાબ પાડોશ મળે છે અને તે રીતે મકાનનું સુખ ખરાબ થાય છે.
મકાનના માલિકને મોટી ઉમરે ખરાબ ગ્રહોની દશા ચાલતી હોય, એટલેકે ચોથા ભાવના માલિકના શત્રુ ગ્રહોની દશા ચાલતી હોય તો એ મકાનને લીધે ઘરમાં અનેક ઝગડા આવી શકે છે. સમયસર જો મકાનનું નામ ટ્રાન્સફર ના કરાય તો આ મકાન તેના વારસમાંથી નીકળીને જાહેર સંપતિ કે બેંકના ભાગે આવે છે. આવા કેટલાય બિસ્માર અને બિનવારસી બંગલા આજે પણ શહેરમાં છે, જો તેનો જ્યોતિષીય અભ્યાસ કરવામાં આવે તો આજ પ્રકારે ગ્રહો મળી શકે તેમ છે.
શુક્ર અને મંગળ બંને શુભ બનતા હોય એટલે કે શુભ સ્થાનોમાં, ખરાબ ગ્રહોની સંગતથી બચીને રહેલા હોય તો મકાન કે જમીનના સુખમાં બઢતી આવે છે. શુક્ર પરથી ગુરુ ૨૪માં વર્ષ પછી જયારે જાય છે તે વર્ષે મકાન અને વાહનનું સુખ મળે છે. શુક્ર કન્યા રાશિમાં, છઠ્ઠે કે પાંચમે હોય તો મકાનનું સુખ અલ્પ બની જાય છે. અનેક વાર મકાન બદલવાના પ્રસંગ થાય છે.
સૂર્ય ચતુર્થ ભાવ સાથે સંબંધિત હોય તો પિતા કે વારસાગત મકાન મળે છે. મકાનજુનું પરંતુ ચહલ-પહલ વાળા વિસ્તારમાં હોઈ શકે. ચંદ્રસંબંધિત હોય તો મકાનનું સુખ નક્કી હોય છે, કોઈ પણ રીતે એક મકાન તમારા નસીબમાં લખાયેલું જ છે. શનિ સંબંધિત હોય તો મોટી ઉમરે મકાન મળે છે, મકાનનું સુખ સારું નથી રહેતું અને મકાન વેચવું પડે છે. શુક્ર સંબંધિત હોય તો મોટુંઅને વૈભવી મકાન મળી શકે છે. કુંડળીમાં શુક્ર બળવાન હોય તો પણ મોટું મકાન મળી શકે છે. મંગળસંબંધિત હોય તો મકાન અચાનક લેવાય છે, મકાન શહેરની દક્ષિણે મળી શકે છે. બુધ સંબંધિત હોય તો મકાન દ્વારા જ બીજા મકાનના યોગ થાય છે. એક થી વધુ મકાન મળી શકે છે. ગુરુ સંબંધિત હોય તો મકાન આજીવન ટકી રહે છે. મકાનમાં અનેક શુભ પ્રસંગ થાય છે. રાહુકે કેતુ સંબંધિત હોય તોમકાન દ્વારા કોઈ સુખ પ્રાપ્ત થતા નથી પરંતુ મકાનને લીધે હમેશા ખર્ચનો માહોલ બનેલો રહે છે.
મકાન ખરીદવા માટે હમેશા પૂર્વ અને ઉત્તર ખુલ્લી હોય તેવા મકાન પર પસંદગી ઉતારો. મકાનનો નંબર પોતાના કુંડળી મુજબના શુભ અંકો સાથે મેળ થાય છે કે નહીં તે ચકાસો. મકાન ખરીદો તે સોસાયટી કે વિસ્તારમાં મોટેભાગે વસનારા સુખી છે કે નહીં તે પણ અનુભવો. નજીકમાં સ્મશાન કે હોસ્પિટલ હોય તે ગ્રાહ્ય નથી. વ્યવહારિક અને સરળ વાતો ક્યારેક મોટા સંકટ ટાળી દે છે.
નીરવ રંજન