ઉત્તરનો મોટો દોષ હોય તો બિમારી પાછળ ધનનો પુષ્કળ વ્યય થાય છે

આકાશમાં વાદળ હોય, મોર ટહુકતા હોય ને ઝરમર બુંદો પાણીમાં પડીને કુદરતનું સંગીત રેલાવતી હોય તો વર્ષા ઋતુનું આગમન થઇ ગયું છે તેવો અણસાર આવી જાય. અને ત્યાં અચાનક છીંક આવે ને મજા મારી જાય. ઉધરસ, છીંક, શરદી, કે માથાનો દુખાવો આ બધુ જ આપણે રોગ તરીકે નથી લેતા. ખાલી શરદી છે, કહીને ટાળી દઈએ. પણ કોઈને ધૂળ ઉડવાથી કે રજકણથી શરદી થાય ત્યારે એલર્જીક અસ્થમા જેવો શબ્દ મગજમાં આવે. ઇશાનમાં પાણી હોવુ જ જોઈએ એવી એક માન્યતા છે.

સાઉથ ગુજરાતમાં એક મકાનમાં બરાબર ઇશાનમાં પાણીની  ટાંકી મુક્યા બાદ અચાનક જ ઘરની મુખ્ય સ્ત્રીને માથામાં ભયાનક દુખાવો થવા લાગ્યો. જરાક પવન લાગે ને ચીસો પડાય એવું દુખે. અહી પૂર્વનો અક્ષ પણ બરાબર ન હતો. બરાબર ઇશાનમાં પાણી આવે ત્યારે સાયનસની તકલીફ થવાની સંભાવના વધી જાય છે. જો તેની સાથે મધ્ય માંથી પસાર થતાં બે અક્ષ નકારાત્મક હોય તો ફેફસાને લગતી તકલીફ પણ આવે. શ્વાસની બિમારી નાની હોય ત્યારે ન ગણનાર માણસ તેનું સ્વરૂપ બદલાતા જ થાકવા લાગે છે. દમ, સસણી, જેવી બિમારીમાં માણસનું શરીર ક્ષીણ થવાં લાગે છે અને જો ક્ષય રોગ થયો તો તો પછી તકલીફ જ તકલીફ. વાયવ્યમાં સંડાસ અને વધારે પડતું પાણી આવે ત્યારે દમ થવાની સ્થિતિ ઉભી થઇ શકે છે. નૈરુત્યથી શરુ થતાં બંને અક્ષનો ત્રિકોણ નકારાત્મક હોય ત્યારે નારીને શ્વાસની મોટી બિમારી આવી શકે છે. તો વાયવ્યથી શરુ થતાં બંને અક્ષનો ત્રિકોણ પુરુષને વ્યાધી આપી શકે છે.

આ ઉપરાંત પૂર્વથી પશ્ચિમનો અક્ષ નકારાત્મક હોય અથવા પૂર્વમાં ઓવરહેડ ટાંકી હોય તો બિમારી દરમિયાન ઘરના સભ્યોનો વ્યવહાર સકારાત્મક રહેતો નથી અથવા તો તેમની પાસે યોગ્ય સમય ન હોવાના કારણે પુરતું ધ્યાન રાખી શકતા નથી. જો ઉત્તરનો અક્ષ નકારાત્મક હોય અને તેમાં પણ ખાસ કરીને ઉત્તરનો મોટો દોષ હોય ત્યારે બિમારી ખર્ચાળ બને છે અને ધનનો વ્યય થાય છે. બે મુખ્ય અક્ષ નકારાત્મક હોય અને ઉત્તરનો અક્ષ પણ નકારાત્મક હોય ત્યારે બિમારી ના લીધે ભયની લાગણી થયા કરે અને ખુબજ તણાવ પણ રહે.

કેટલાક વૃક્ષો પણ આ પ્રકારની બિમારીના કારક બની શકે છે. મેં એવું જોયું છે કે જે મકાન પાસે વધારે સંખ્યામાં સપ્ત પરણીના વૃક્ષો હોય છે તેમાં રહેનારને શ્વાસને લગતી તકલીફ આવે છે. એવીજ રીતે સતત વધારે સુગંધ વાળી વેલની નજીક રહેવાથી પણ આવી તકલીફ થાય છે. જે વૃક્ષોમાં સતત રજ પડ્યા કરતી હોય તે શ્વાસ માટે હાનીકારક બને છે. જ્યાં સીપેજનો પ્રોબ્લેમ હોય ત્યાં પણ આવી તકલીફ જોવા મળે છે. તેથી જ ભેજ આવતો હોય તો તેને નકારાત્મક ગણાય છે. જયારે પશ્ચિમમાંથી ડ્રેનેજ લાઈન જતી હોય અને વાયવ્યમાં વધારે પ્રમાણમાં પાણી હોય ત્યારે શરદી થઇ શકે છે. દિલ્હીમાં એક ભાઈને સતત શ્વાસની તકલીફ રહેતી. તેમના ઘર અને ઓફીસમાં એ.સી. હતું અને બહાર ગરમી. જયારે તાપમાનમાં સતત ફેરફાર થયાં કરે છે, ત્યારે પણ આવી સમસ્યા આવે છે. તેથી જ ભારતીય બાંધકામ શૈલીમાં વાતાનુકુલિત મકાનના સિધ્ધાંતો જોવા મળે છે પણ ખુબજ વધારે ફેરફાર વાળા તાપમાન તે સમયે પ્રચલિત ન હતાં. વાસ્તુ પરફેક્ટ મકાનમાં આવી સમસ્યાઓની સંભાવના ઓછી રહે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]