રસ્તા પર ભગવાનની સ્થાપના કરવા માટે વાસ્તુમાં કોઈ નિયમો છે?

વરસાદ માત્ર આગાહી પૂરતો સીમિત થઈ જાય ત્યારે કેવું લાગે? આકાશમાં વાદળ જામે અને પલળી જવાનું મન થાય. પછી દિવસો સુધી એ વાદળો વરસે નહીં પણ પરસેવો પલાળી દે, ત્યારે કેવું લાગે? થોડા છાંટા પડે ને રેઈનકોટ પહેરી લઈએ, ત્યાં ઉઘાડ નીકળે તો કેવું લાગે? વરસાદની પહેલી હેલી પળવારમાં પતિ જાય અને પછી ખાબોચિયામાં મચ્છરો ઊછરે ત્યારે કેવું લાગે? એ મચ્છરોને ડામવા ધુમાડો થાયને મચ્છરો ઘરમાં ઘુસી જાય ત્યારે કેવું લાગે? મચ્છરો માટે જીવદયા રાખીએ તો પણ એ કરડી જાય ત્યારે કેવું લાગે? બરાબર તાવ આવે અને ત્યાર ચોમાસું જામે ત્યારે કેવું લાગે? જીવનમાં પણ આવું જ છે. માણસ જે ઈચ્છે છે તે બધું થતું નથી. તો પછી જે થાય છે એની મજા લઈએ તો કેવું?

મિત્રો. આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઇ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલ ઈમેલ પર પૂછી શકો છો.

સવાલ: આ હવામાનનું કોઈ વાસ્તુ હોય ખરું? હવામાનની આગાહી કહે છે કે હવે અઠવાડિયા સુધી વરસાદ નહીં પડે. અને પછી બીજા દિવસે કહે છે કે ચાર સિસ્ટમ સક્રિય છે એટલે જળબંબાકાર થઈ જશે. એ લોકો કોઈ વૈજ્ઞાાનિક રીતે તપાસ નહીં કરતા હોય? કેટલા વરસોથી ખેડૂતોનો પાક ધોવાઇ જાય છે. આવું ચાલે?

જવાબ: સર્વ પ્રથમ તો વાસ્તુ શબ્દ મન ફાવે ત્યાં ન વાપરવા વિનંતી છે. આપણાં શાસ્ત્રોમાં વિજ્ઞાન છે. જો આપણે જ એને સન્માન નહીં આપીએ તો અન્ય લોકો તો નહીં જ આપે. આ કોઈ મજાકનો વિષય નથી. થોડા વરસોથી વરસાદ મોડો પડે છે. પ્રિ મોન્સૂનને ચોમાસુ ન માની લેવાય. વળી કેટલાક વ્યક્તિગત વરતારાને હવામાન વિભાગ કરતા પણ વધુ મહત્વ અપાય ત્યારે ભૂલ થઈ જાય. પહેલાના ખેડૂતો અનુભવ થી કામ કરતા. એમની ખેતી સારી રહેતી. ભાગીયો મહેનત કરે. એને આવું જ્ઞાન ન જ હોય. વળી પાક નિષ્ફળ જાય એના માટે વાસ્તુ કેવી રીતે જવાબદાર ગણાય?
ખેતી માટે વસ્તુના નિયમો હોય છે. એ સમજવા માટે એનો અભ્યાસ કરશો.

સવાલ: રસ્તા પર કે ચાર રસ્તા પાસે ભગવાનની સ્થાપના કરવામાં આવે તેના માટે વસ્તુમાં કોઈ નિયમો છે?

જવાબ: જી, નહીં. આવા કોઈ નિયમો નથી. ઈશ્વરને સન્માન આપી શકાય એ રીતે જ સ્થાપના કરી શકાય. ઘણા રિવાજનો કોઈ આધાર મળતો નથી. માણસની ઈચ્છાઓ એને નિયમો સાથે બાંધછોડ કરાવે છે.

સૂચન : ઘોંઘાટએ ભારતીય સંસ્કૃતિનો ભાગ નથી.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)