સમય એનું કામ કરે જ છે. માત્ર ધર્મગ્રંથોને વાંચવાથી જો સાત્વિક થઇ જવાતું હોત તો સમાચાર પત્રોમાં ઘણા સમાચારો સારા સ્વરૂપે આવતા હોત. સાચો ધર્મ એ છે કે જે વ્યવહાર અન્ય કોઈ આપણી સાથે કરે અને આપણને ન ગમે એવો વ્યવહાર અન્ય સાથે ન કરવો. સાત્વિક દેખાવું અને સાત્વિક હોવું એ બંનેમાં ફર્ક છે. જેમ સ્પ્રિંગને દબાવવાથી એ વધારે છટકે છે એવું જ રીતે જીજીવીશાઓને દબાવી રાખવાથી એ વિકૃત સ્વરૂપે બહાર આવે છે. અને આવા સમયે બધીજ મર્યાદાઓને નેવે મૂકી દેવાય એવું બને. વળી પોતાની ભૂલો છાવરવા માણસ અન્યને હેરાન કરતા જોવા મળે છે. જેને એ લોકો પોતાની ભાષામાં જાણ્યાનું ઝેર કહે છે. કોઈને રંજાડીને કે વેદના આપીને આગળ વધવાનું કોઈ ધર્મ સમર્થન નથી આપતો.
આપને પણ કોઈ સમસ્યા હોય તો આ વિભાગ આપનો જ છે. આપ નીચે જણાવેલા ઈમેલ પર ચોક્કસ પૂછી શકો છો.
સવાલ: હું એક સારા ઘરની વ્યક્તિ છુ. બાળકોથી પરવારી રહ્યા પછી કોઈક જગ્યાએ બીઝી રહેવા મેં એક કોલેજમાં અભ્યાસ શરુ કર્યો. શરૂઆતમાં બધું સારું લાગ્યું. પ્રિન્સીપાલ મને પોતાની ઓફિસમાં બેસાડીને નાસ્તો કરાવતા. મારા વખાણ કરતા. ત્યાં સુધી કે અન્ય લોકોને મને જોવા લઇ આવતા અને કહેતા કે મેં જાતે અહીં આવવાનો નિર્ણય લીધો છે. પહેલી પરીક્ષામાં મારો પહેલો નંબર આવ્યો. પ્રિન્સિપાલે એ પરીક્ષા કેન્સલ કરી અને બીજી પરીક્ષા લીધી. એમાં પણ મારા શ્રેષ્ઠ માર્ક આવ્યા. એમણે મને થોડા દિવસ ઘરે રહેવા જણાવી એ દરમિયાનમાં ત્રીજી પરીક્ષા લીધી અને મારા માર્ક કાપી લીધા. મેં પેપર ખોલાવવા માંગણી કરી તો મને જણાવ્યું કે માર્ક તો સાહેબની રહેમ નજરથી જ મળે.
મારી આર્થિક સ્થિતિ સારી હોવાથી મેં એક ભૂલ વધારે કરી અને સાહેબને મોંઘીદાટ ભેટ આપવાનું શરુ કર્યું. ધીમે ધીમે એ સાહેબ નજીક આવવા પ્રયત્ન કરવા લાગ્યા. મારા દીકરાની ઉંમરનો માણસ કોઈ ખરાબ ભાવના ધરાવે એવું તો મનમાં થોડું આવે? એક દિવસ એમણે મને એમના મિત્રોને મળવાનું કહ્યું. જે મેં ટાળી દીધું. હવે મારા પ્રિન્સીપાલ જ મારી પાસે વિવિધ માંગણીઓ કરે છે. એમની વાત સ્પીકર ફોન પર મારા પરિવારે સાંભળ્યા બાદ અમે કોલેજ છોડી દેવાનું નક્કી કર્યું. મને ભણવાનું છોડવાની ઈચ્છા નથી. અને સામે આવા વાતાવરણમાં રહેવાની પણ ઈચ્છા નથી. શું કરવું?
જવાબ: તમારી વેદના હું સમજી શકું છું. તમારા પ્રિન્સીપાલ શ્લોક બોલીને પોતે સાત્વિક છે એવો આભાષ ઉભો કરી રહ્યા છે. તમારી સંસ્થામાં એક ચેનલ ચાલી રહી છે જેમાં તમારા જેવાને ફસાવીને પછી વસ્તુઓ પડાવવામાં આવે અથવા તો પોતાની ભૂખ સંતોષવામાં ઉપયોગ કરવામાં આવે. તમારા જણાવ્યા મુજબ આવા શબ્દોનો પ્રયોગ પણ થઇ ચુક્યો છે. ઉંમર અને ચરિત્રને કોઈ સીધો સંબંધ નથી. એમની કોઈ ધમકીને તમે વશ નથી થયા એ સારી બાબત છે. ફરી આવી સંસ્થાના પગથીયા ન જ ચડાય. શિખવા માટે કોઈ ડીગ્રીની જરૂર હોય છે ખરી? તમે યોગ્ય રીતે ગાયત્રી મંત્ર કરો. ઈશાનમાં તુલસી વાવી દો અને શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, પાણી થી અભિષેક કરો. મન શાંત થશે અને સકારાત્મક દિશા દેખાશે. તમારા પ્રિન્સીપાલ હજુ પણ ધમપછાડા કરશે. કોઈ ખોટી લાગણીમાં ન આવશો. કુદરત પોતાનું કાર્ય કરે જ છે. તમારી વેદનાનો પડઘો ચોક્કસ સંભળાશે.
સવાલ: વાસ્તુમાં તો ઘણી બધી દિશાઓની વાત છે તો પછી માત્ર ઈશાનને જ શ્રેષ્ઠ કેમ માનવામાં આવે છે?
જવાબ: આમતો અસંખ્ય દિશાઓ છે. તમે જ્યાં નજર કરો ત્યાં એક નવી દિશા છે. પણ વાસ્તુની સમજણ માટે મુખ્યત્વે દશ દિશાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. એના વધારે ભાગ કરતા સત્યાવીશ દિશાઓ ગણાય. અને ગણિત માટે હજુ વધારે દિશાઓને ધ્યાનમાં લઇ શકાય. બધીજ દિશાઓનું જીવનમાં સરખું મહત્વ છે. આપના શરીરનું શ્રેષ્ઠ અંગ કયું? કોઈ એક કહી શકાય? એવું જ દિશાઓની બાબતમાં છે. બધીજ દિશાઓનું સમાન મહત્વ છે. આપ સાચા છો. કોઈ એક દિશાને વધારે સારી અને અન્યને ખરાબ ન જ ગણી શકાય.
(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)