ગુરુને જ્યારે પોતાના શિષ્યમાં જ પ્રતિસ્પર્ધી દેખાવા લાગે ત્યારે…

જયારે શિક્ષકને પોતાના વિદ્યાર્થીમાં પોતાનો પ્રતિસ્પર્ધી દેખાવા લાગે ત્યારે એ શિક્ષકનું પતન શરુ થાય છે. ગુરુ કરતા શિષ્ય સવાયો જ હોવો જોઈએ. અને એ પ્રક્રિયા જ આપણા સમાજને ઉર્ધ્વ ગતિ આપી શકશે. પણ જ્યાં માત્ર પગારને જ શિક્ષણનો આધાર સ્તંભ ગણવામાં આવતો હોય એવા સમાજમાં વિદ્યા શબ્દની પરિભાષા બદલાઈ જાય એવું બને. ક્યાંક પોતાના ટ્યુશન મેનેજ કરવા ઝઝુમતા શિક્ષકો શાળામાં પણ એમની કોઈ જવાબદારી છે એ ભૂલી જાય છે. તો ક્યાંક સતત પોતાની નોકરી સાચવવાની મથામણમાં શિક્ષણ માટે ઉદાસીન શિક્ષકો આ સમાજને શું આપશે? માત્ર ડીગ્રીઓ સારા શિક્ષકોનું નિર્માણ કરી શકશે?

જીવનમાં મુલ્યો વિશે અજાણ વ્યક્તિઓ મુલ્ય આધારિત શિક્ષણના પાયા બની શકશે? એટલે જ આપણે ત્યાં ગુરુ શબ્દ વપરાતો હતો. જેનામાં ગુરુત્વ છે તે વ્યક્તિ. જે જ્ઞાની તો છે પણ સૌજન્યશીલ, સમજુ, સાલસ, સરળ સહિષ્ણ, સંવેદનશીલ હોય અને પોતાના શિષ્યના ઉત્થાન માટે પ્રયત્નશીલ હોય. અપેક્ષાની મૂર્તિ જેવા ગુરુ પોતે જ પોતાની જાતને સમજી નથી શકતા તો તે અન્યના જીવનમાં સકારાત્મક પરિવર્તન ક્યાંથી લાવશે?

આજે પણ કેટલાક વાચકોના વિવિધ સવાલોની આપણે ચર્ચા કરીએ. જો આપના મનમાં પણ કોઈ સંશય, દ્વિધા કે સવાલ હોય જે વાસ્તુનીયમો સાથે જોડાયેલા હોય તો આપ પણ અંતમાં જણાવેલા ઈ મેઈલ પર પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.

સવાલ:  મારી દીકરી ઉમરમાં ખુબ મોટી થઇ ગઈ છે. એના લગ્ન નથી થતા. અમારા સમાજમાં વધુમાં વધુ બાવીસ ત્રેવીસમાં વરસે લગ્ન થઇ જાય છે, એને પચીસમું ચાલે છે. કોઈએ એવું કહ્યું કે વાયવ્યમાં પશ્ચિમ તરફ માથું રાખીને સુવરાવો તો જલ્દી લગ્ન થઇ જશે. પણ મને તમારામાં વિશ્વાસ છે. તેથી તમારી સલાહ પ્રમાણે જવાનું વિચાર્યું. સાચી સલાહ આપવા વિનંતી.

જવાબ: બહેનશ્રી. લગ્ન એ સામાજિક જરૂરિયાત છે. પણ એના માટે દીકરીને કોઈની પણ સાથે વળાવી દેવી એ યોગ્ય નથી. દરેક વ્યક્તિ એક સમાન નથી હોતી. તમારા સમાજમાં દીકરીઓ ઓછુ ભણે છે. તમારી દીકરી રીસર્ચ કરે છે. જો એના વહેલા લગ્ન થઇ ગયા હોત તો આવું શક્ય હતું? એ સારામાં સારી પત્ની અને માતા હોય એ ગર્વની વાત છે પણ એને પણ સપના જોવાનો અધિકાર છે. યોગ્ય સમયે લગ્ન થઇ જ જશે. તમારી પાસે જે માહિતી છે એ પ્રમાણે વ્યક્તિ ઉતાવળે નિર્ણય લે. લગ્ન માટે આ બાબત યોગ્ય ન ગણાય. અંતે તો આ ઘર દીકરીનું પણ છે. એ આખી જિંદગી દુખી રહે કે પાછી આવે એના કરતા થોડું મોડુ થાય એ ચાલે. આપણે દીકરીને સુખી કરવા સાસરે મોકલીએ છીએ. એ યોગ્ય જગ્યાએ જ રહે છે અને એટલે જ એનો આટલો વિકાસ થયો છે. એને યોગ્ય રીતે ગાયત્રી મંત્ર કરવા કહો. ચોક્કસ વધારે સકારાત્મકતા મળશે.

સવાલ:  હું, એવા વિષયો ભણાવું છું જેમાં મારા વિદ્યાર્થીઓ મારા કરતા મોટી ઉમરના હોય છે. એમાં એક બે તો ખુબ પ્રભાવશાળી છે. મને સતત એમનો ડર લાગે છે. વળી જો હું એમને તૈયાર કરી દઉં તો એ મારી ખુરસી પણ પચાવી પાડે. કોઈ એવી રીત બતાવો ને કે જેના કારણે એ પોતેજ જતા રહે. આમ તો મેં વિદ્યાર્થીઓમાં ફાટફૂટ કરાવી જ છે. પણ તો પણ ધાર્યા પરિણામો મળતા નથી.

જવાબ: ગુરુર્ત્વ વિનાના ગુરુ એ આપણા સમાજની નિષ્ફળતા છે. આવા પવિત્ર વ્યવસાય પણ જો આપના જેવી વિચારધારા વાળી વ્યક્તિઓ બેઠી હોય તો પછી સમાજનું ભવિષ્ય શું? તમને તમારા શિષ્યોથી ડર લાગે છે? તમે તમારા જ શિષ્યોમાં ફૂટ પડાવી? આવું તો કોઈ ન કરે. મારી સલાહ છે કે આપ શિક્ષણની પ્રક્રિયામાંથી બહાર આવી જાવ અથવાતો સકારાત્મક બનો. ઘરમાં મહામૃત્યુંન્જય મંત્રના જાપ કરો, ગુગલનો ધૂપ કરો, પ્રાણાયામ કરો અને પાણી વધારે પીવો.

આજનું સુચન:  ચંપાના છોડ પોતાના ઘરના બગીચામાં ન રખાય.

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]