મૃત્યુ પછી જીવ નું શું થાય? આ વિષય પર જાત જાત ની ચર્ચાઓ સંભાળવા મળે છે. અને અનેકવિધ વિચારધારાઓ પણ જોવા મળે છે. પિતૃ તર્પણ કરવા માટેનો સમય એટલે શ્રાદ્ધ પક્ષ. પિતૃ જે યોનિમાં હોય ત્યાં તેમને શાંતિ મળે તેવી ભાવના માટેનો સમય. પણ ક્યારેક એવું પણ બને કે કામમાં રુકાવટ આવે એટલે ડર લાગે કે ક્યાંક પિતૃને તકલીફ તો નહીં પડી હોય ને? મારી દ્રષ્ટીએ જયારે અમુક પ્રકારની નકારાત્મક ઉર્જા ઘરમાં આવે ત્યારે કામમાં રુકાવટ આવે છે. જયારે નૈરુત્યમાં જમીનની અંદર પાણી આવતું હોય તો તન, મન, ધનની વ્યાધી આવે. એવું લાગે કે કોઈ વાતે સુખ મળતું જ નથી. તો નૈરુત્યમાં ખૂણો નેવું અંશનો ન હોયતો અકસ્માતની સંભાવના વધે. વારંવાર અકસ્માત થતાં હોય એટલે કંટાળો આવે અને વાહન ચલાવવા માટેનો આત્મવિશ્વાસ ઓછો થતો જાય. એક બાજુ જરૂરીયાત અને બીજી બાજુ ડર. આવા સંજોગોમાં એવું લાગે કે કોઈ ખાસ કારણો સર પોતાનું નુકશાન કરી રહ્યું છે.
નૈરુત્યમાં ટોઇલેટ આવતું હોય તો લાંબી વ્યાધી આવે. દવાખાનાના ખર્ચ વધે અને આવક પણ ઘટે. શરીર સાથ ન આપે અને મનને ભાગવાનું મન થાય કારણકે જરૂરિયાત પૂરી કરવાની ચિંતા અને મહત્વકાંક્ષા વચ્ચેની મુંજવણ. જીવનમાં વેદનાઓ વધે અને તેના કારણો દેખીતી રીતે ન મળે. વળી નૈરુત્યમાં ખાડો હોય તો તકલીફ આવે. પ્લોટ ઇશાનમાં ઉંચો હોય અને નૈરુત્ય તરફ નીચો હોય ત્યારે નકારાત્મકતાની અનુભૂતિ થયા કરે. એક સાંધતા તેર તૂટતા હોય તેવી લાગણી થાય. કર્મો યાદ આવે. અને અંતે દોષ બધો પિતૃઓ પર આવી શકે. વડવાઓ પોતાના બાળકોનું અહિત થોડું જ ઈચ્છે?
નૈરુત્યમાં પ્લોટ બહાર આવતો હોયતો શારીરિક તકલીફ આવે. શરીર અને મન એક બીજાથી જોડાયેલા છે. તેથી કોઈ કામમાં મન લાગે નહીં અને વિચારો વધારે આવે. સ્વભાવ ચીડીઓ થઇ જાય. વાતે વાતે ગુસ્સો આવે. જો નૈરુત્યમાં પ્લોટ અંદર તરફ ખૂણો બનાવતો હોય તો રુકાવટો આવે. અથાગ પ્રયત્નો છતાં ધાર્યા પરિણામો ન મળે. જીવનની ચક્કીમાં પીસાતા હોય તેવી લાગણી થાય અને કારણ વિનાનો ગુસ્સો આવે. આસપાસ વાળાથી લઇ ને સગા વ્હાલા કે પછી પિતૃ સુધીના વિચારો આવે કે કોના લીધે મારા ધર્યા કામ નથી થતાં? એમાં પણ જો નૈરુત્યમાં ઘરનો ભાગ નીચો હોય તો નકારાત્મકતા આવે. એટલે કોઈ પણ કામ શરુ થતાં પહેલા જ તેના માટેની હકારાત્મકતા ઓછી થવાં લાગે. અને જે કામ જે માનસિકતા સાથે થાય તેવી દિશામાં પરિણામ આપે. જો નૈરુત્યથી ઇશાન અને ઇશાનથી વાયવ્યનો અક્ષ યોગ્ય ન હોય તો નવી પેઢીની સમસ્યા રહે. ઘરમાં નવી પેઢીના આવવામાં કે પછી નવી પેઢીના વિકાસમાં બાધા આવે એટલે તો બસ પછી પૂછવાનું શું? પણ આખી વાતને ઉર્જાની રીતે સમજવામાં આવે તો તેનું નિરાકરણ ચોક્કસ આવે. વળી નૈરુત્યના બંને અક્ષ નકારાત્મક હોય તો બધાજ પ્રકારની સમસ્યાઓ આવતી લાગે. અને કોઈ ના ઉપર વિશ્વાસ ન આવે. એટલે જે માણસ સાચી વાત કરવા આવે તે જ ખોટો લાગે અને પછી ખોટા લોકો ફાવી જાય.
ભારતીય વાસ્તુમાં દરેક સમસ્યાઓ નું નિરાકરણ છે. દરેક સમસ્યાને સમજવાથી તેનું સમાધાન આવી શકે છે. પણ અંધશ્રદ્ધાનું કોઈ નિવારણ નથી.