ભાઈ શ્રી. તમારા વાસ્તુશાસ્ત્રમાં મારી સમસ્યાનો કોઈ ઉપાય હોય તો જણાવશો. આમતો મેં બધે પ્રયત્ન કરી લીધા છે પણ કોઈ શાસ્ત્ર કારગત નીકળ્યું નથી. મારા ઘરમાં હું મોટી. વિધિવત લગ્ન થયા. મારો પતિ રૂપાળો, ભણેલો પણ કઈ સુજ નહીં. કામવાળી ન આવી હોય તો ઘરકામ કરી નાંખે. અડધી રસોઈ કરી નાંખે. અને બહાનું એવું કાઢે કે સાથે રહેવાય ને? મરદ માણસ ઘરમાં કામ થોડું કરે? લગ્ન પછી મને અંગ્રેજી અને સંગીતના ક્લાસ કરાવ્યા. લગ્ન પછી કોઈ થોડું જ ભણે? એને પાછુ એના માબાપ માટેય પ્રેમ. મેં કર્યુ જ એવું ને કે અમારે જુદા રહેવાનું થયું. જોકે મારા માબાપનો બહુ સપોર્ટ. નવા ઘરે આવ્યા પછી મારા માબાપને મારી ફરિયાદ કરે. પણ એ લોકોએ તો બરાબર સંભળાવી દીધું. મારા પપ્પાના કહેવાથી હવે મેં પણ બધાને એના વિષે ઉંધી ચત્તી વાતો કહીને એનું સન્માન ઓછુ કરવા પ્રયત્ન કર્યો. પણ આ તો અલગ જ માટીનો છે. એને કોઈ ફેર નથી પડતો. એની ઘણી બધી સ્ત્રી મિત્રો હતી. પણ મેં બધાને ફોન કરીને સંબંધ કપાવી નાખ્યો. હવે અમારી વચ્ચે પણ કાંઈજ નથી. એ મને મદદ કરવાનો દેખાડો કરે છે. મારું ધાર્યું કરવા દેતો નથી. મેં એક મહારાજના કહેવાથી એને મેલું પીવરાવ્યું પણ એને ખબર પડી ગઈ. હવે તમારું શાસ્ત્ર કઈ મદદ કરી શકે તો જણાવો. એક દુખિયારી બેનના આશીર્વાદ મળશે.
બહેન શ્રી. તમારી સમસ્યા વાંચીને દુખ થયું. એનું કારણ છે કે આજકાલ ઘણા લોકોને આવી સમસ્યા હોય છે અને એ લોકો પોતે જ સાચા છે એવી ભ્રમણામાં રાચ્યા કરે છે. એક વાર તમે જ તમારું લખાણ શાંતિથી કોઈ પણ ભેદ રાખ્યા વિના વાંચી જાઓ. જો કે અહી તો મેં માત્ર સારાંશ જ લખ્યો છે. જયારે પિયરના ઘરમાં વાયવ્યનો દોષ હોય ત્યારે માબાપ દીકરીના ઘરમાં માથું મારવા પ્રયત્ન કરે. જે તમારા પિયરના ઘરમાં છે. તમારી સમસ્યા એ છે કે તમે એક સારા માણસના જીવનમાં અંધકાર લાવવા પ્રયત્ન કરો છો અને એ એવું નથી થવા દેતો. જો તમારે માત્ર તમારું ધાર્યું જ કરવું હતું તો લગ્ન શા માટે કર્યા? તમારો પતી તમારા કરતા સારું ભણેલો છે, દેખાવડો છે, સમૃદ્ધ છે, સમજદાર છે અને તમને ચાહે છે. તમે એમને એમના માબાપથી અલગ કર્યા, મિત્રોથી અલગ કર્યા, સંબંધીઓથી અલગ કર્યા, અપમાનિત કર્યા અને એમનું આત્મસન્માન પણ ઘટાડ્યું તો પણ તમે એમની સાથે રહો છો એ કૈક વિચિત્ર નથી લાગતું? કોણ સહન કરે આટલું?
તમારી ફરિયાદ છે કે એ તમને નવી વસ્તુ શીખવાડવા મોકલે છે. તો એનાથી વિકાસ તમારો જ થશે ને? મને તમારા માબાપની દયા આવે છે કે જે પોતાની દીકરીના જીવનમાં અંધકાર લાવવા સતત પ્રયત્નશીલ છે. તમને જેમ તમારા માબાપ વહાલા છે એમ તમારા પતિને પણ હશે જ ને? તમારા માટે એમને કેટલું બધું છોડવું પડ્યું? જો તમને એ ગમતા નથી તો છોડી કેમ નથી દેતા? તમે નહીં છોડો કારણકે તમે પોતે પણ જાણો છો કે આ માણસ ભલો છે. બાકી ઘરમાં મદદ કોણ કરાવે અને એ પણ ગણાવ્યા વિના? તમારા પતિને સમજો, એને ચાહો, એને બદનામ કરવાનું બંધ કરો. કોઈને ગંદુ પાણી પીવરાવીને જીતી શકાય? તમને એવું પીવું ગમશે? તમે માત્ર એવા પુરુષો જોયા છે જે સ્ત્રીઓ પર હુકમ ચલાવતા હોય એટલે તમને આ માણસ જુદો લાગે છે. જે ગયું તે ભૂલી જાવ, જો તમારા પતિ ભૂલી શકે તો. આપના કહેવા મુજબ દસ વર્ષના લગ્ન જીવનમાં તમને ક્યારેય એવું નથી લાગ્યું કે એ તમને ચાહે છે. જો એમને એવું લાગ્યું હશે તો? આટલી બધી સ્ત્રી મિત્રો હોવા છતાં એણે તમારી સાથે લગ્ન કર્યા એ તમારી સિદ્ધિ છે. એનો ઉત્સવ મનાવો. એની સાચી મિત્ર બની જાવ. જીવવાની મજા આવશે. અને જગતના બધાજ શાસ્ત્રો આ જ કહે છે.
હવે વાત વાસ્તુની. તમે લગ્ન કરીને આવ્યા ત્યારે તમારો રૂમ અગ્નિમાં હતો અને પલંગ ગોળ. તમને વિચારો વધારે આવે. શંકાઓ કરવાનું મન થાય. તમારા પિયરના મકાનમાં વાયવ્યથી અગ્નિનો અક્ષ નકારાત્મક હતો. તેથી જ તમારી ફોઈઓ પણ દુખી હતી. પૂર્વ પશ્ચિમનો નકારાત્મક અક્ષ તમારા પિતાજીને વ્યસન ભણી દોરી ગયો. તમે જે પુરુષને જોયો એનો વ્યવહાર માત્ર નકારાત્મક હતો. પણ બધા પુરુષો એવા ન હોય. તમારું બીજું ઘર વધારે સારું હતું જ્યાં તમે વાયવ્યમાં સુતા. પતિ રોમાન્ટિક હતો પણ તમે એ સ્વીકારી ન શક્યા. નિયમોથી પ્રેમ થોડો જ થાય? હવે તમે જે ઘરમાં રહો છો ત્યાં ઈશાનમાં રહો છો. અહી રહેતી વ્યક્તિની જીદ પરીવાર માટે ઘાતક હોય, જે છે. સુખી થવું હોય તો સર્વ પ્રથમતો તમારા પતિને બદનામ કરવાનું બંધ કરો. માબાપની ખોટી વાતોમાં ન આવો. પતિને ગમતું કરો. શંકાઓ ન કરો પણ ચાહો. દરરોજ સવારે સાથે બેસીને શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ચોખા, ગુલાબજળ, પાણી થી અભિષેક કરી ચંદનથી ત્રિપુંડ કરી દો.સવારે વહેલા ઉઠો. ગુરુવારે પીળી રાંધેલી વસ્તુનું દાન કરો. તમને ચોક્કસ સારું રહેશે.