વાસ્તુ: પેલા છોકરાની એક બેદરકારી આખા પરિવારને ભારે પડી

સાહેબ. એક ખાનગી વાત કરવી છે. તમને નવાઈ લાગશે કે કોઈ પોતાની ખાનગી વાત જાહેરમાં થોડી કરે? તમે વાંચશો તો એનું કારણ સમજાઈ જશે. હું ભારતીય છુ પણ ભારતમાં નથી રહેતી. હું એક ભારતીયને ત્યાં નોકરી કરું છુ. એ લોકો મને ભારત થી લઈને આવ્યા. મારા પતિ પાસે કામ ન હતું એટલે મારે અહી આવવાનું થયું. હું જેમના ઘરે આવી એમના બાળકો યુવાન હતા. દરરોજ રાત્રે મિત્રોને મળવા જવાનું, પાર્ટી કરવાની આવી આદતો. મને ન ગમે પણ મારાથી બોલાય થોડું? એક દિવસ અચાનક એમના દીકરાને બહુજ ઉધરસ આવવા લાગી. મને ચિંતા થઇ એટલે હું મારી રૂમમાંથી જરૂર પુરતી બહાર નીકળતી. આમ પણ એ છોકરો મોડેથી આવતો. એની રૂમમાં મોટા ભાગે રહેતો અને મને એની રૂમમાં સફાઈ માટે પણ જવાની છુટ ન હતી. એક દિવસ અચાનક એ ગાયબ થઇ ગયો. ઘરમાં સોપો પડી ગયો. થોડા સમય પછી મારા બેન એટલેકે માલિક પણ ગાયબ થઇ ગયા. મેં પૂછ્યું તો એમની નાની દીકરીએ જણાવ્યું કે બંને ને દવાખાને લઇ ગયા છે. કોરોના નામની કોઈ બીમારી થઇ છે. હું બહુ ભણી નથી. મેં ઘરે ફોન કરીને વાત કરી તો ઘરે પણ કોઈને બહુ ખબર ન હતી. મારા બેન ગુજરી ગયા. અમને બધાને ઘરમાં અલગ અલગ રૂમમાં પૂરી દીધા અને બેનનું મો પણ જોવા ના દીધું. બાપ, આપણે આવા દેશમાં ન રહેવાય. પણ શું થાય? થોડા દિવસમાં એમનો દીકરો ગુજરી ગયાના સમાચાર આવ્યા. ધીમે ધીમે ઘરના લોકો ખાલી થઇ રહ્યા છે. હવે એક સોળ વરસની છોકરી અને હું બંને ઘરમાં છીએ. મને હજુ આ દેશ વિષે કાંઈજ ખબર નથી.

કાલે ઘરે ફોન કર્યો તો એમને પણ ચિંતા થાય છે. એમણે તપાસ કરી અને જેમના દ્વારા મને આ કુટુંબ સાથે ઓળખાણ કરાવી છે એમને પણ વાત કરી તો મારે ભારત આવવાના દરવાજા બંધ થઇ ગયા છે. હું જેમના ઘરમાં છુ એમાંથી મોટા ભાગના દવાખાને છે. મારો અને બેબીબેનનો રીપોર્ટ નોર્મલ આવ્યો છે. શું આ મકાન બધાનો ભોગ લે છે? મારે શું કરવું જોઈએ? મને ખુબ ડર લાગે છે. કોઈ વિધિ કરવાથી આ શ્રાપમાંથી મુકતી મળે ખરી?

બહેનશ્રી, તમારી વાત ખરેખર આઘાત જનક છે. અને અહી ભારતમાં ઘણાબધા લોકો માટે એ મદદગાર પણ થશે. સહુથી પહેલા તો તમે અંધશ્રદ્ધામાંથી બહાર આવી જાવ. કોરોના વાયરસ માત્ર એ એક પરિવારને અસર નથી કરી રહ્યો. એ વિશ્વના ઘણા બધા દેશમાં ફેલાયેલો છે. જ્યાં જ્યાં લોકો પોતાની જાતને અન્યથી અલગ કરી રહ્યા છે ત્યાં એ લોકો પોતાને બચાવી રહ્યા છે. આ વાયરસ વિષે સંપૂર્ણ માહિતી હજુ સુધી કોઈની પાસે નથી. તેથીજ સાવચેતી રાખવી ખુબજ જરૂરી છે. તમે અજાણતા એ સાવચેતી રાખી છે. તમારા માટે એક સારા સમાચાર એ છે કે તમારા રીપોર્ટ નોર્મલ આવ્યા છે અને તમને ચેપ નથી લાગ્યો. બીજી સારી વાત એ છે કે તમે એ દેશમાં નવા છો. તેથી તમે અન્ય કોઈના સંપર્કમાં આવ્યા નથી. તમે ઘરની બહાર ન નીકળશો. બની શકે ઘરના બાકીના લોકો સજા થઈને પાછા આવી જાય. પેલા છોકરાની એક બેદરકારી આખા પરિવારને ભારે પડી. એવું માની શકાય. સમય એનું કામ કરે જ છે. તમારા ભારતમાં રહેતા સંબંધીને પણ ઘરમાં રહેવા જણાવશો, કારણકે એ વાયરસ હવે ભારતમાં પણ આવી ગયો છે. તમે જે છોકરી સાથે ઘરમાં છો એને ત્યાંની સિસ્ટમ ખબર હશે. ચિંતા ન કરશો.


તમારા પોતાના ઘરમાં અગ્નિ અને ઉત્તરનો દોષ છે તેથી તમારા પતિને જોઈએ તેવું કામ ન મળ્યું. તમારા ઘરનું દ્વાર દક્ષીણ અગ્નિનું છે તેથી ઘર ચલાવવાની જવાબદારી તમારા માથે આવી. વળી એ જ દિશાની અસરના કારણે તમે વિદેશ પણ ગયા અને તમને ધાર્યા પરિણામો ન મળ્યા. શું તમે કોરોનાનું પ્લાનિંગ કર્યું હતું? માણસ પ્લાનીંગની વાતો કરી શકે છે. કુદરત આગળ એ નિસહાય છે. હવે વાત કરીએ તમારા વિદેશના ઘરની. એ ઘરમાં વાયવ્યનો દોષ છે અને પશ્ચિમનો અક્ષ નકારાત્મક છે. નૈઋત્ય દક્ષિણમાં જમીનમાં પાણી છે અને વાયવ્યમાં સ્વીમીંગ પુલ. આ બધાની અસર એમના જીવન પર આવી. તમારા કહેવા પ્રમાણે થોડા સમય પહેલાજ એ લોકો અહી આવ્યા. તમે નવરાત્રીનું ગાયત્રી અનુષ્ઠાન વિચારો છો તો એ કરવું જોઈએ. મહામૃત્યુંન્જયના મંત્ર તમારું આત્મબળ વધારશે. હિંમત રાખો. ઘરમાં રહો. સમય લાગશે, પણ ચોક્કસ બધું બરાબર થઇ જશે.