કુદરત સાથે સંતુલિત જીવનના નિયમોને ધર્મ કહેવાય? ધર્મ વિષે ઘણા બધા વિચારો પ્રવર્તે છે. જે જીવનને સાચી દિશા આપે તે ધર્મ. જીવનને સાચી દિશા મળે તેની હકારાત્મક ઊર્જાના નિયમો મળે છે વાસ્તુ શાસ્ત્ર થકી.
આજે આપણે ચારુબેનના ઘરનો અભ્યાસ કરીએ. લગભગ ચોરસ પ્લોટમાં અંદર જવા માટે ત્રણ દ્વાર છે. એક ઉત્તર વાયવ્યમાંથી, એક પૂર્વ અગ્નિમાંથી અને એક પૂર્વી ઈશાનમાંથી. ઘણા બધા દ્વાર હોય તો તે ઉર્જા ઓછી કરવાનું કાર્ય કરે છે. એ ઉપરાંત આ જગ્યાએ આવકની સમશ્યા, નારીને લગતી સમસ્યા અને બાળકોની ચિંતા પણ રહે. વળી કારણ વિનાની ચિંતા પણ રહે. ઘરના વ્યક્તિઓ લાગણી પ્રધાન રહે. પશ્ચિમ કરતા પૂર્વ અને દક્ષિણ કરતા ઉત્તરમાં માર્જિન વધારે છે, જે સારી સ્થિતિ ગણાય. મકાનના આકારમાં દક્ષિણ અગ્નિ અને પશ્ચિમ વાયવ્યનો ભાગ ઓછો છે અને તેને જોડતા અક્સની સમસ્યા પણ ગણાય. જેના કારણે, નારીને લગતા રોગ અથવા સમસ્યા, માતૃસુખમાં ઓછપ, વિરહ કે પછી પડવા આખડવાની સમસ્યા આવી શકે. વાયવ્યમાં પાર્કિંગ યોગ્ય ગણાય, પરંતુ અગ્નિમાં ચોકડી હોય તો પાણીની ટાંકી ત્યાં ન રખાય. ઓસરી પૂર્વી ઈશાનમાં સારી ગણાય. ઘરને પણ વિવિધ જગ્યાએ દ્વાર છે. તેથી ઘરમાં અજંપો રહે. અંગત વ્યક્તિ ખરેખર પોતાની ન પણ હોય તેવું બને અને પરિવાર સાથે બેસી ને જમે તેવા સંજોગો ઓછા ઉભા થાય.લિવિંગ રૂમ ઈશાનથી વાયવ્ય સુધી છે અને બેસવાની વ્યવસ્થા ઉત્તરી વાયવ્યમાં દક્ષિણ તરફ મુખ રાખીને બેસાય તેવી છે. આના કારણે યોગ્ય વાત અયોગ્ય સમયે કહેવાતા ઉગ્રતા આવી શકે. જેનાથી વાતાવરણ બગડે. પૂજા રૂમ યોગ્ય જગ્યાએ છે. જેના લીધે નાની નાની તણાવની સ્થિતિમાં રાહત રહે. ડાયનિંગ રૂમ પૂર્વમાં યોગ્ય ગણાય. માનસિક સમન્વય રહે અને પૂર્વ તથા ઉત્તરમાં આવેલા વધારે ઓપનિંગ હકારાત્મક ઉર્જામાં વધારો કરે. ઘરમાં રહેવાનું ગમે. રસોડું પણ યોગ્ય જગ્યાએ છે. રસોઈની દિશા પણ યોગ્ય છે. તેથી અહીં રસોઈ સ્વાદિષ્ટ બને અને નારીને તેનો ગર્વ પણ થાય. વૉશ બેસીનની જગ્યા બરાબર નથી તે આત્મવિશ્વાસ ઘટાડે. ટોયલેટ યોગ્ય જગ્યાએ છે તેનો લાભ ઘરની ઉર્જાને મળે. દાદરો પણ યોગ્ય જગ્યાએ છે. બેડરૂમનું સ્થાન અને સુવાની સ્થિતિ બંને યોગ્ય છે. જેના કારણે ઘરની અહીં સુવા વાળી વ્યક્તિનો ઘર પર પ્રભાવ રહે. આમ પ્રથમ નજરે વાસ્તુ પરફેક્ટ લાગતું મકાન છે પણ તેમાં પણ સુક્ષમ રીતે જોવા જઈએ તો સમસ્યા દેખાય છે.ભારતીય નિયમો પ્રમાણે વાસ્તુને માત્ર પ્લાન અને પ્રાથમિક નજરે જોવાના બદલે ડિટેઇલમાં સ્ટડી કરવો જરૂરી છે. તો જ સાચી માહિતી મળી શકે. આજ ઘરમાં સુખી થવા માટે સર્વપ્રથમ તો સૂચન પછીના નકશા પ્રમાણેની રચના કરી દેવી. ત્યાર બાદ ઈશાનમાં પાંચ તુલસી અને સાત હજારી, ઉત્તરમાં કમળ, વાયવ્યમાં બે બીલી, પશ્ચિમ નૈઋત્યમાં સેવન, પૂર્વ અગ્નિમાં ચંદન વાવી દેવા જોઈએ. ઘરમાં ગુગળ ચંદન, મટ્ટીપલનો ધૂપ કરવો. શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ચોખા, બીલીપત્રથી અભિષેક કરવો. મહામૃત્યુંજયના મંત્રો બોલવા. સૂર્ય ને જળ ચડાવવું. વડીલોને સન્માન આપવું. જ્યાં સાચી સમજ છે ત્યાંજ સારી ઉર્જા છે અને સારી ઉર્જાના નિયમો વાસ્તુમાંથી મળે છે.