પાણી વિના વલખા મારતા લોકોને જોયા પછી પણ પાણીનો બગાડ કરવાની ઈચ્છા થાય એને પણ માનવ મન કહેવાય. “ મારે શું?” ની ભાવના પ્રબળ હોય ત્યારે માત્ર પોતાનો જ વિચાર આવે. ગુલામી આ રીતે જ આવી હતી ને? દરેકને કોઈ સમસ્યા પોતાના સુધી ન આવે ત્યાં સુધી એની ચિંતા ન થાય એ ભાવના સાચે જ ઘાતક ગણાય. પણ માણસ અન્યની ભૂલ માંથી ક્યાં શીખે છે? અરે, ક્યારેક તો એ પોતાની ભૂલ માંથી પણ નથી શીખતો. હોળી રમવી એ આનંદનો વિષય છે. પણ રેઇન ડાન્સ કરીને લાખો લીટર પાણી રસ્તા પર ઢોળી દેવું એ મનોરંજન માત્ર છે. જેની સામે આપણા શાસ્ત્રો લખાયા ત્યારે અઢળક પાણી હોવા છતા એમાં પાણીનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. જો કે શાસ્ત્રોને સમજવામાં રસ કેટલા ને છે?
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ આપના ઘરના વાસ્તુને લઈને કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ ચોક્કસ પૂછી શકો છો.
સવાલ: શું બે ખોટા થી એક સાચું થાય? કોઈ એક વ્યક્તિ પાણીનો વેડફાટ કરે તો એ કરવાનો અધિકાર અન્યને મળે એવું કહેવાય? ભારતમાં ઘણી જગ્યાએ પાણીનો બગાડ થઇ રહ્યો છે. એની સામે મોજશોખના નામે પાણીનો વેડફાટ થાય છે. શું આ અંગે સજાગતા જરૂરી નથી? વાસ્તુશાસ્ત્રના નિયમો આ અંગે શું કહે છે?
જવાબ: બહેન શ્રી. પશ્ચિમના વિચારોની ગુલામી માણસને ક્યાં લઇ જશે એ સમજવું અઘરું છે. કોઈ રસ્તા પણ તરફડતું હોય તો પણ અન્ય લોકોને વિડીયો વાયરલ કરવાની ઈચ્છા થાય ત્યારે એ વિચારધારા માટે ચોક્કસ ચિંતા થાય. પણ આ સડો મૂળને અડવા જઈ રહ્યો છે. જે દયનીય સ્થિતિ છે. ટોળું જે તરફ જાય એ જ સત્ય. અને ભૌતિકતાના આવરણો હેઠળ દબાયેલા લોકો વધતા જાય એ પણ સારી નિશાની નથી. મને આનંદ છે કે આપને શાસ્ત્રોમાં રસ છે. વાસ્તુશાસ્ત્રમાં પાણીના બગાડને લક્ષ્મી સાથે જોડવામાં આવ્યો છે. જો ઘરમાં પાણી લીક થતું હોય તો જાવકનું પ્રમાણ વધે. પાણીનો વેડફાટ દરિદ્ર બનાવી શકે. પાણી જો ખોટી જગ્યાએ અને ખોટી સ્થિતિમાં હોય તો તે આર્થિક, શારીરિક કે માનસિક નુકશાન પહોંચાડી શકે.
સવાલ: મારી સોસાયટીમાં નવી કમિટી આવ્યા પછી અમે ખુબ તકલીફમાં છીએ. મારી ઉમર ૭૪ વરસ છે. ક્યારેક નીચે બગીચામાં જાઉં. એક વાર બગીચાની ખુરસી કોઈ ઓફિસમાં લઇ ગયું હતું. મેં ગાર્ડ પાસે માંગી તો એણે પંદર ફૂટ સુધી ખુરસી લાવવાના 300 રૂપિયા માંગ્યા. એક કમિટી મેમ્બરના રીલેટીવ આવું કરાવે છે. જયારે હોય ત્યારે એ પૈસા જ માંગતો હોય. હવે તો ચાર રસ્તા પર પેલા લોકો પાછળ પડી જાય એવું એને જોઇને લાગે છે. આખો દિવસ એના ઘરના લોકો સોસાયટી ઓફિસમાં એસી ચાલુ કરીને પડ્યા રહે. એના મમ્મી તો ત્યાં સોફા પર સુઈ પણ જાય. મારી ઉમર થઇ. એકલા કેટલું સાચવીએ? અને બાકીના લોકો એના ત્રાસથી દબાઈ ગયા છે. એ સતત પોલીટીકલ માણસોના નામ આપે છે અને કમિશ્નરની ધમકી આપે છે. મેં ઓફિસનો દુરુપયોગ ન કરવા કહ્યું તો મને તો જેલમાં પુરાવી દેવાનું પણ કહ્યું. અમારી સોસાયટીની એન્ટ્રી ત્રાંસી છે. શું એના લીધે આવું થાય?
જવાબ: એન્ટ્રી ઉપરાંત અન્ય બાબતો નકારાત્મક હોય તો આવું ચોક્કસ થાય. માત્ર એન્ટ્રીને દોષ ન આપી શકાય. તમે જેટલા ડરશો એટલું એ વધારે રંજાડશે. હિંમત રાખો. કારણ વિના પૈસા ન જ આપો. જરૂર પડે તો ફરિયાદ પણ કરો. સોસાયટી કમિશ્નર કોઈના ઈશારા પણ કામ ન કરે. કોઈ પોલીટીકલ માણસ આવા લોકો માટે પોતાની આબરૂ ઓછી ન કરે. કોઈ સાથ આપે કે ન આપે, તમે ગભરાવ નહિ. ઘરમાં મહામૃત્યુંન્જય મંત્રના જાપ કરો. એ શક્તિ પ્રદાન કરશે.
સુચન: પૂર્વ મધ્યમાં સ્વીમીંગપુલ ક્યારેય ન રખાય.
(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com)