ક્યારેક માણસ પોતાની સ્વેચ્છાએ પોતાની ફરજ ચૂકી જાય છે અને તેનો તેને રંજ પણ નથી હોતો. તો ત્યાં નકારાત્મક ઊર્જા છે. પોતાની ફરજ પ્રત્યેની સાચી સમજણ મળે છે હકારાત્મક ઊર્જા થકી. જે મળે છે વાસ્તુ નિયમો થકી. આજે આપણે એક ઓફિસનો અભ્યાસ કરીએ છીએ. સમચોરસ જગ્યાનું મુખ્ય દ્વાર ઉત્તરી ઇશાનમાં છે.
આ જગ્યાએ રહેનાર વ્યક્તિ લાગણી પ્રધાન હોય. તેમ જ અંગત વ્યક્તિ નજર સામે અલગ હોય અને પીઠની પાછળ અલગ હોય. આના કારણે ધંધામાં વિઘ્ન આવી શકે. વળી ક્યારેક આત્મ વિશ્વાસ પણ ઓછો થતો લાગે. મંદિરની દિશા અને જગ્યા યોગ્ય છે તેથી હકારાત્મકતા રહે. નાનીનાની સમસ્યાઓ આવે પણ તેનું નિરાકરણ આવી જતાં તકલીફ દેખાય નહીં. માત્ર મંદિરની ઉપરથી વજન ખસેડી લેવું જરૂરી છે. અહી સામાન રાખવાથી માનસિક તણાવ રહે. જે ધંધાના વિકાસમાં બાધક બને. રીપેરીંગનું ટેબલ અગ્નિમાં ઉત્તર તરફ મુખ રાખીને કામ થાય એ રીતે છે. જે યોગ્ય નથી. અહી કામ કરનાર વ્યક્તિનો સ્વભાવ ભૂલો કાઢવા વાળો બની જાય અને તેને અન્ય આગળથી અપેક્ષા પણ વધારે રહે. જેથી કામ ઓછું થાય અને તે માણસને સાચવવામાં સમય વધારે જાય. અન્ય એક વર્કિંગ ટેબલ નૈરુત્યમાં છે. જેથી અહીનો સ્ટાફ પણ માલિકીનો ભાવ દર્શાવે. વળી ટેબલ પર બેસીને કામ કરતી વખતે મુખ પૂર્વ તરફ રહે છે. તેથી અહી પણ કામ ઓછું થાય અને સલાહ સૂચન વધારે મળે.
આર્થિક લાભ થાય તેની સંભાવના ઓછી રહે. મુખ્ય વ્યક્તિને બેસવાની વ્યવસ્થા વાયવ્યમાં છે. અને તેનું પણ મુખ કામ કરતી વખતે પૂર્વ તરફ રહે છે. આથી વિચારો વધે. ખોટી વ્યક્તિ પર વિશ્વાસ આવે અને ક્યારેક ધન હાનિ પણ થાય. ટેબલનો આકાર બહિર્ગોળ છે. જે આ સમસ્યામાં વધારો કરે. સામે બેસનાર વ્યક્તિઓ પશ્ચિમ અને નૈરુત્ય તરફ મુખ રાખીને બેસે છે. તેથી તેમના વિચારોની નકારાત્મકતા પણ ધંધાકીય નિર્ણયમાં ભળે. કોમ્પ્યૂટર વાયવ્યમાં ઉત્તર તરફ છે. જે રીપેરિંગ વધારે માગે. જેનાથી કામમાં બાધા આવી શકે. વળી અહી કામ કરનાર વ્યક્તિને અસંતોષ રહે. તિજોરી પશ્ચિમની દીવાલ પર મધ્યમાં છે અને પૂર્વ તરફ ખુલે છે. જેથી ધન સંચય ઓછો થવાથી તણાવ રહે. તિજોરીની ઉપરથી વજન ખસેડી લેવાની સલાહ છે. આમ તણાવના કારણે તકલીફ વધારે રહે. અહીની ઊર્જા યોગ્ય નથી પરંતુ તેને હકારાત્મક કરવા માટે ભારતીય વાસ્તુમાં સમાધાનના નિયમો છે. અહી સુખી થવા માટે સર્વપ્રથમ તો સૂચન પછીના નકશા પ્રમાણેની રચના કરી દેવી જરૂરી છે.
મંદિરવાળી દીવાલ પર લેમન યલો કલર લગાવી દેવો. રીપેરિંગના ટેબલ પર રોયલ બ્લુ સિરામિકના વાડકામાં સફેદ ફૂલ અને ગુલાબની પાંદડી રાખી દેવી. મુખ્ય વ્યક્તિના ટેબલ પર કાંસાના વાડકામાં ગુલાબની પાંદડી રાખવી. ત્રીજા ટેબલ પર કાચના વાસણમાં આખા ગુલાબ રાખવા. ઓફિસમાં સવાર સાંજ બંને સમયે ગૂગળનો ધૂપ ફેરવવો. પોતું કરતી વખતે પાણીમાં આખું મીઠું નાખવું. બુધવારે સમલાના વૃક્ષ પર દૂધ ચડાવવું. સૂર્યને જળ ચડાવવું. શિવ લિંગ પર પાણી. દૂધ. પંચામૃત. ચોખા, દહીંમાં કાળા તલ, સરસવનું તેલ. શેરડીનો તાજો રસ, પાણીથી અભિષેક કરી અને બીલીપત્ર ચડાવી દેવા. બુધવારે મગ ખાવા. શનિ વારે હનુમાનજીને તેલ ચડાવીને નાના બાળકોને બિસ્કીટ ખવરાવવા.
જીવન પ્રત્યેની ફરજ માટેની હકારાત્મક ઊર્જા મળે છે વાસ્તુ નિયમો થકી.