બફારો, ગરમી, અતિવૃષ્ટિ, જેવી અનેક સમસ્યાઓ અનુભવ્યા પછી પણ માણસ માત્ર ફરિયાદો જ કર્યા કરે છે. એના કારણો સમજી અને એમાંથી બહાર આવવાનો કોઈ ઈરાદો દેખાતો હોય એવું લાગતું નથી. વૃક્ષ બચાવોનો સંદેશ લખવા એ કાગળ વાપરે છે એ એનું ઉદાહરણ છે. અમેરિકામાં વૃક્ષો કપાયા એટલે આપણે પણ કાપવા જ જોઈએ? અમેરિકામાં કેટલીક જગ્યાએ ક્રાઈમ રેટ ઉંચો છે તો શું આપણે પણ વધારીશું? આંધળું અનુકરણ શા માટે કરવું જોઈએ? પુર આવ્યું હોય અને મગર ફરતા હોય ત્યારે ગરબા ન કરીએ તો ન ચાલે? કોઈ દેવતા ફરજીયાત પૂજા કરવાનું નથી કહેતા. શ્રદ્ધા વિના માત્ર મનોરંજન માટે થતા ઝુમ્બા, સાલસા ગરબા કયા દેવી દેવતા માટે થાય છે? જો આરાધના કરવી જ છે તો પરંપરાગત રીતે કરવી જોઈએ. પ્રસાદમાં પીઝા, મોકટેઈલ વિગેરે લઈને માત્ર ધંધો શોધતા આયોજકો શ્રદ્ધા શબ્દને સમજે છે ખરા? આપણી સંસ્કૃતિનો ધ્વંશ થાય એ પહેલા જાગી જઈએ તો સારું જ છે. બાકી વિશ્વ યુદ્ધ સમયે કઈ સંસ્કૃતિના થઇ જઈશું એ ખબર નહિ પડે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેલ પર પૂછી શકો છો.
સવાલ: શું ઘોંઘાટ ન થાય તો ભગવાન રિસાઈ જાય. શું બીમાર માણસોએ પણ મંદિરની લાઈનોમાં ઉભા રહેવું જોઈએ? શું પાપ ધોવાય ખરા? મારા ખ્યાલથી આવા વિચારો ભારતીય ન હોઈ શકે. પણ શું સાચા વિચારો સમજાવે એવે કોઈ ગુરુ ન હોઈ શકે? કયા ધર્મના લોકો આધુનિકતાના નામે ધર્મના આધારને જ ભૂલી ગયા છે? ચંદ્રના પ્રકાશનું મહત્વ સમજ્યા વિના આખી રાત શરીર હલાવવાથી ગરબા થઇ જશે? શું વાસ્તુમાં આનું કોઈ નિરાકરણ છે?
જવાબ: આપની વાત સાચી છે. વિદેશી વિચારોને સમજ્યા વિના આપણે એમના જેવા થવા મથીએ છીએ. ડિસ્કો દાંડિયા થી શરુ થઇ અને આજની સ્થિતિમાં પહોંચવામાં સમય લાગ્યો પણ ધીમે ધીમે આપણે આપણી સંસ્કૃતિથી વિમુખ થતા ગયા. આપણા બાળકોને માતૃભાષા ન આવડે એનો આપણે ગર્વ લેતા હોઈએ એ પણ શરમજનક નથી? માત્ર ધર્મ જ નહિ આપણે આપણા મુલ્યો પણ ભૂલી ગયા છીએ. વળી કોઈ આવશે અને ઉગારશે એ વિચાર જ ખોટો છે. દરેક વ્યક્તિ સભાનતા પૂર્વક જીવવા લાગે તો સરકાર અને કોર્ટ બંનેનો સમય બચે. સતત સારા દેખાવું જરૂરી નથી. સારા હોવું જરૂરી છે. એ વાત આપણે સમજીએ તો સારું. વળી દરેક નકારાત્મક બદલાવનો દોષ માત્ર વાસ્તુશાસ્ત્રને આપવો પણ યોગ્ય નથી. આવા બદલાવ માટે માનસિકતા પણ જવાબદાર હોય છે.
મૂર્તિ ખરીદીને માણસ એવું સમજે કે મારા માટે ભગવાન વેચાવા બેસી ગયા ત્યારે માણસ ક્યાં ઉભો છે એ સમજાય છે. વિશ્વની સહુથી વધારે વસ્તી ધરાવતા દેશમાં કોને કોને સમજાવીએ. વળી સમાનતાના કાયદાના નિયમોમાં પણ કેટલી બધી જગ્યાએ કામ કરવાનું બાકી છે. એક ધર્મમાં પણ દરેકના દેવતા અલગ હોય. વિવિધ વિચારધારા હોય. અને સાચી સમજણ ન હોય ત્યારે આવું થઇ શકે. આપને એક સવાલ પુછુ છુ. શું તમે સમાજને સાચી વાત કરવાની જવાબદારી લઇ શકશો? જો જવાબ હા છે તો પરિણામ ચોક્કસ મળશે. જો ના છે તો માત્ર ચર્ચાઓ કરવાથી કોઈ ફાયદો નહિ થાય. પહેલ કરવાની હિંમત કરો. પરિણામ મળશે.
સુચન: પ્રદુષિત વાતાવરણથી પણ નકારાત્મક વિચારો આવે છે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)