વાસ્તુ: પૈસા આપતા પહેલાં યોગ્યતા જોવી જરૂરી!

શું તમે ક્યારેય બ્રાન્ડેડ ભીખારીઓ જોયા છે? જેવો કોઈ તહેવાર આવે એટલે આ બધા ભીખારીઓ અલગ અલગ પ્લેટફોર્મ પર પોતાનું બ્રાન્ડીંગ માર્કેટિંગ શરુ કરી દે છે. વિશ્વમાં સહુથી મોટો વેપાર ભયનો છે. ભયભીત માણસને સહુથી વધારે છેતરી શકાય છે. વળી જે માણસ સહુથી વધારે ખોટા કામ કરે છે એને સતત કશુક કરી અને પાપ ધોવા પ્રયાસ કરે છે. શું ધર્મના નામે પૈસા આપવાથી પાપ ધોવાય ખરા? આપણી સંસ્કૃતિમાં કર્મની અને સંચિત કર્મની વાત છે. ત્યારે ‘આમ કરવાથી અમે મોક્ષ અપાવીશું’ કે ‘તેમ કરવાથી તમારા કુકર્મોની સજા ઓછી કરાવીશું’ કહેવાવાળા લોકોથી સાવધાન રહેવું ખુબ જરૂરી છે. પોતાના પૈસા જો યોગ્ય વ્યક્તિને ન આપવામાં આવે તો એ પૈસાથી એણે કરેલા કુકર્મોની સજા આપણને પણ મળી શકે. જેની પાસે રોજગાર નથી અને કશું કરવાની ક્ષમતા નથી એ આવા અનેક ઉપાયો શોધી અને ભીખ માંગતા જોવા મળે છે. એમનાથી કેવી રીતે બચી અને પોતાના કર્મો બચાવવા એ વ્યક્તિગત આવડત પર આધાર રાખે છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ જરૂર નીચે જણાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: છેલ્લા કેટલાક સમયથી મને આપણી સંસ્કૃતિ માટે સવાલ ઉદ્ભવે છે. જાતજાતની વેબસાઈટ બની ગઈ છે. જેમાં વિવિધ વિધિ માટે પૈસા લેવાય છે. ફલાણા ગ્રહનો પ્રકોપ આવે છે અને ફલાણા દેવથી મુક્તિ મેળવવા આટલા પૈસા આપો આવું કહેતા જોવા મળે છે. શું ઈશ્વર અને ગ્રહો માત્ર ડરાવવા માટે જ છે? ગ્રહોની પોતાની ચાલ છે. એનાથી ડરવાનું થોડું જ હોય? વળી આપણી સંસ્કૃતિ વિજ્ઞાન સાથે જોડાયેલી છે. આવા લેભાગુઓ એને ભય અને અંધશ્રદ્ધા સાથે જોડી રહ્યા છે.

ગયા અઠવાડીએ અમે મુસાફરી કરતા હતા. ત્યાં ત્રણ ચાર લોકો હાથમાં થાળી લઈને કોઈક ફોટા મુકીને આવી ગયા. એ અંદર અંદર લડતા હતા કે મારા ભગવાનને પૈસા આપો, મારા ભગવાનને પૈસા આપો. નજીકમાં એક બહેન અમને સમજાવતા હતા કે એમને પૈસા ન આપશો. એ એમાંથી ગાંજો પીવે છે. બીજા એક ભાઈ પણ બોલ્યા કે ભગવાન થોડા પૈસા માંગે છે? આવા ભિખારીઓને પૈસા આપીને આપણે જ બગાડીએ છીએ. એક ભિખારી હોંશિયાર હતો. એ મારી પાસે આવીને કહેવા લાગ્યો કે પેલા બંને તો ધર્મના દુશ્મન છે. આવા લોકોની વાત ન માનશો. તમે તમારે પુણ્ય કમાઈ લો. મારી બાજુમાં ઉભેલા એક બહેને તો પૈસા પણ આપ્યા અને પેલા બે સજ્જન માટે કોમેન્ટ પણ કરી કે આવા લોકો ભગવાનના રસ્તામાં વચ્ચે આવે છે.

શું કોઈને પણ પૈસા આપવાથી એ ભગવાન સુધી પહોંચી જાય? ભારતીય વિચાર મુજબ ભિખારી શબ્દ જ અસ્થાને છે. આવી પ્રથા ક્યાંથી ઘુસી ગઈ છે. શું આ અંધશ્રદ્ધાને નિવારવા માટે કોઈ ઉપાય છે?

જવાબ: પહેલા ભીખારીઓ ભીખ માંગતા હતા. ભીખ માંગવી ગુનો છે એ વાત આવ્યા પછી એ લોકો અવનવા રસ્તા અપનાવી અને ભીખ માંગે છે. જે માણસ વધારે ભીખ આપે છે એને કદાચ પોતાના કર્મનો ભય વધારે છે. બાકી પોતાના મહેનતથી કમાયેલા પૈસા આવા લોકોને કોણ આપે? આપણા દેશમાં અન્નદાન, વિદ્યાદાન, શ્રમદાન વિગેરેને મહત્વ આપવામાં આવ્યું છે. દેવસ્થાનમાં પણ પૈસા મુકવાની વાત પ્રચલિત નથી. પણ લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. જેમને પાપ કરીને મોક્ષનો લોભ છે એમને આવા ધુતારાઓ પહોંચી વળે છે. જે ઈશ્વર સમગ્ર સૃષ્ટીના અધિષ્ઠાતા છે એને પૈસાથી રીઝવવાનો વિચાર જ મુર્ખામી ભર્યો છે. જ્યાં સુધી માણસ ખોટું કરે છે ત્યાં સુધી આવા લોકો મળી રહેવાના.

સવાલ: ભગવાનનું વિસર્જન કરતી વખતે દારૂ પીયને છાકટા થયેલા લોકો ડીજે પર ઘોંઘાટ સાથે નાચે છે. પ્રસાદ વેંચીને પૈસા કમાય છે. પરાણે હપ્તા લેતા હોય એ રીતે ફંડ ફાળો કરે છે. એ કયા શાસ્ત્ર આધારિત છે? શું આને અંધશ્રદ્ધા ન ગણી શકાય?

જવાબ: ગણેશ ઉત્સવનો જાહેરમાં મૂર્તિ પ્રસ્થાપનનો આશય આઝાદીની ચળવળમાં અંગ્રજોને મુર્ખ બનાવી અને આંદોલન માટે વ્યૂહ રચવાનો હતો. હવે જો લોકો સરકાર સામે આંદોલન કરશે તો એ દેશની વ્યવસ્થા માટે યોગ્ય નથી. વળી ઈશ્વર તો સનાતન છે. સત્ય એ જ સનાતન છે. એનું વિસર્જન ન હોય. ધર્મના નામે ધંધો કરવા માટે જે લોકો આવી પ્રવૃત્તિ કરે છે, એમને નિયમોનું જ્ઞાન નથી હોતું. એ આવા પૈસાથી વ્યસન કરી શકે. આપણા દેશની કરુણતા એ છે કે આપણે આવા લોકોને પૈસા આપીને આ પ્રવૃતિને વેગ આપીએ છીએ. સુપાત્રને દાન આપવું એ આપણી સંસ્કૃતિ છે. આપણે નવી પેઢીને આવા વિચારો સાથે જોડી રહ્યા છીએ એ સાચે જ દુખદ બાબત છે. દાન ધર્મ માટે દાદાગીરી ન જ હોય. આવા લોકોથી સમાજને બચાવવા બધાએ મક્કમ થવું જરૂરી છે. આવા લોકોને પૈસા આપવા કરતા પોતાના હાથે કોઈ ભૂખ્યાને ભોજન આપવું એ સારો વિચાર છે.

સુચન: આપણે ત્યાં પૈસાને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી જ જ્યાં જાણ્યા વિના કોઈને પણ પૈસા આપવાથી એની નકારાત્મક અસર આવી શકે છે. યોગ્યતા જોયા વિના કોઈને પૈસા ન આપવા જોઈએ.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com )