બ્રહ્મ અને ઉત્તરનો દોષ ભેગો થાય ત્યારે કાલ્પનિક ભય ઉદ્ભવે

સમયની સાથે ઘણુબધું બદલાય છે. એક જમાનામાં ગુપ્તી લઈને ફરવું એ સભ્યતા ગણાતી હતી. હવે ગુપ્તી રાખવી એ ગુનો ગણાય છે. ગમે તેવો હાઈ ટેસ્ટ હોય તો પણ સો નાળી વાળી બંધુક તો કોઈ ન જ રાખે. કઈ નાળી ક્યારે ફૂટે એનો કંટ્રોલ ન રહે. માણસનું મન એને ઘણું ખોટું કરવા પ્રેરે પણ નિયમોને આધીન જીવવું ખુબ જરૂરી છે. જરા વિચારો કે જે વ્યક્તિને જેની ભૂખ હોય એ જ ખાવામાં મળે તો? થાળીમાં રૂપિયાના બંડલ દેખાય કે માત્ર સોનું દેખાય તો માણસની ભૂખ સંતોષાય? એના માટે તો ખોરાકમાં વપરાતી વસ્તુઓ જ જોઈએ. સાચી સમજણ વિના માનસિક વિકાસ શક્ય નથી.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ  નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: આજકાલ બધું જ નકલી પકડાય છે. અને દરેક વખતે નવું નકલી પકડાય ત્યારે નવાઈ લાગે કે લે, આમાં ય નકલી? ક્યારેક વિચાર આવે કે કરોડોની નોટ લેવા ગયેલા માણસોને એટલું પણ નહિ શીખવાડ્યું હોય કે તપાસીને લેજો. ક્યારેક તો બધું ફિલ્મની વાર્તા જેવું લાગે છે. અમે નાના હતા ત્યારે એક વાર્તા આવતી કે રાજાને એક વિદ્વાને પારદર્શક કપડા પહેરાવી દીધેલા. હકીકતમાં એવા કપડા હતા જ નહિ. પણ રાજાના ડરના લીધે કોઈ સાચું બોલવા તૈયાર નહોતું. આજે જયારે વિચારો તો નિવસ્ત્ર થઇ જ રહ્યા છે. ત્યારે કોઈ અદ્રશ્ય કપડાના નામે આવું કરશે તો નવાઈ નહિ લાગે. ગઈકાલે જ એક સમાચાર વાંચ્યા કે એક માણસે 18000 ડોલરમાં એક અદ્રશ્ય ચિત્ર ખરીદ્યું. શરૂઆત તો થઇ જ ગઈ છે. આધુનિક થવાની હોડમાં બધા જેવું મન છે એવા જ થઈને ફરશે તો સમાજનું શું થશે?

જવાબ: આજના યુગમાં બધું જ શક્ય છે. કહે છે ને, જ્યાં લોભીયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. અદ્રશ્ય ચલણ ખરીદીને લોકો અબજોપતિ પણ થયા છે. જે નથી એનો મહિમા વધી રહ્યો છે. બધું જ આભાસી થઇ રહ્યું છે. પણ જીવનનો સંઘર્ષ તો સાચો જ હોય છે. એમાં કોઈ એક પગલું પણ ખોટું ભરાય તો આખો દાખલો ખોટો પડે.

સમાજની દિશા બદલાઈ છે. ભારતીયપણું વિસરાઈ રહ્યું છે. બધા કોઈ એક રેસમાં ભાગી રહ્યા છે. પણ કોઈ ક્યાંય પહોંચતું નથી. સાચો રસ્તો શોધી અને એને અનુસરવું ખુબ જરૂરી છે. જે વ્યક્તિ પ્રલોભનોથી પર રહી શકશે એ જ આ રેસમાંથી બચી શકશે. સવારમાં વહેલા ઉઠી અને સૂર્યને જળ ચડાવવાથી સ્વ માટેની સાચી સમજણ આવશે.

સવાલ: સાહેબ, આજે હું એક જગ્યાએ ખુબ સારી પોસ્ટ પર છુ. હું નાનપણમાં ભણવામાં સારી ન હતી. પિતાજીનો સ્વભાવ ગુસ્સા વાળો. એમને બસ માર્ક જોઈએ. મને પ્રેક્ટીકલ શિખવાડવાના બહાને સાહેબો ભોંયરામાં લઇ જઈને છેડતી કરતા. માર્ક એમના હાથમાં હોવાથી હું વિરોધ ન કરી શકી. અમારા ઘરથી થોડે દુર અમારા એક દુરના સગા રહેતા. એનો દીકરો મારાથી દસ વરસ મોટો. એ ગણિત શિખવાડવાના બહાને મારો લાભ ઉઠાવતો. એક દિવસ ગર્ભ રહી ગયો. એ બાળક કોનું હતું એ તો હું પણ નક્કી કરી શકતી નહોતી. કુલ સાત લોકો મારા સંપર્કમાં હતા. મારા પિતાજીએ મને ખુબ મારી. પણ એમણે બીજું કાઈ પૂછ્યું નહિ એટલે માર્ક માટેની પ્રક્રિયા ચાલુ રહી. હું સ્નાતક થઇ ત્યાં સુધીમાં ચાર વાર ગર્ભ રહ્યો. હું સારા માર્કથી પાસ થઇ. શરીર સ્થૂળ થઇ ગયું હતું. એક દિવસ અમારા જ એક નોકર સાથે મેં લગ્ન કરી લીધા. એક જ સંતાન એટલે ઘરનાએ સ્વીકારી લીધું. મારે બે બાળકો છે. ક્યારેક ડર લાગે છે કે મારો ભૂતકાળ એમના ભવિષ્યમાં તો વચ્ચે નહિ આવે ને? વળી મારો પતિ ખુબ મહત્વકાંક્ષી છે. એને સતત પૈસા જ જોઈએ છે. એ વધારે પૈસા મળે તો મને છોડી નહિ દે ને? થોડા સમયથી એ મને એવું કહે છે કે સોનાના ભાવ વધ્યા છે તો તું તો મારું સોનું જ છે ને? મને ખુબ ડર લાગે છે.

જવાબ: જયારે બ્રહ્મ અને ઉત્તરનો દોષ ભેગો થાય ત્યારે કાલ્પનિક ભય ઉદ્ભવે. વળી તમારા ઘરનું દ્વાર દક્ષિણના નકારાત્મક પદમાં છે. બે મુખ્ય દરવાજા બાજુબાજુમાં છે. જે તમારા પતિને ભૌતિકતા તરફ લઇ જવાની સાથે એની ભૂખ વધારે છે.

બાળકો સાથે એવી રીતે સહેવું જોઈએ કે એ પોતાની સમસ્યા માતાપિતાને કહી શકે. તમારા ઘરમાં એ વાતાવરણ નહોતું. પણ હવે એ બધું ભૂતકાળ બની ગયું છે. તમે તમારા બાળકોને એ રીતે તૈયાર કરો કે એ હમેશા તમારી સાથે ઉભા રહે. તમારા પતિ એ માત્ર પૈસા માટે તમારી સાથે લગ્ન કર્યા છે. અત્યારે પણ એ તમારા પદનો લાભ લઇ અને બધાને છેતરે છે. તમારે એમને સ્પષ્ટ શબ્દોમાં કહી દેવું જોઈએ કે મને આ નથી ગમતું. જો કોઈ તપાસ થશે તો તમે ફસાશો. એમને કોઈ એવી સત્તા ન આપો કે જે તમારું જીવન બગાડે. તમે લગ્ન માટે ઉતાવળીઓ નિર્ણય લીધો. જો તમારા માબાપ ન માન્યા હોત તો તમે એની સાથે ફૂટપાથ પર રહેવા ગયા હોત. એ તમને ફાવે? લગ્ન એ શરૂઆત છે. કોઈ જરાક સારી રીતે બોલે એટલે લગ્ન ન કરી લેવાય. હજુ પણ સમય છે. વિરોધ કરો. તમે સફળ છો. પણ તમારા પતિના લીધે તમે માનસન્માન તો ખોશો જ પણ કોઈ સજા થશે તો એ તમારે જ ભોગવવી પડશે. યોગ્ય રીતે ગાયત્રી મંત્ર કરો.

સુચન: બાજુબાજુમાં બે મુખ્ય દ્વાર આવતા હોય એ ઘર નકારાત્મક ગણાય.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)