આગામી તારીખ ૦૫ નવેમ્બર ૨૦૧૯, ૦૨:૩૧ કલાકે ગુરુનો ધન રાશિમાં પ્રવેશ થશે, ગુરુ ધન રાશિમાં ૩૦ માર્ચ ૨૦૨૦ સુધી રહેશે. ગુરુના ધન રાશિમાં પ્રવેશ સાથે, અત્યારે ધન રાશિમાં રહેલા શનિ, કેતુ સાથે ગુરુ પણ જોડાશે. દેશની કુંડળીમાં આ યોગ આઠમાં સ્થાને થઇ રહ્યો છે. ધન રાશિમાં શનિ, કેતુ અને ગુરુનો યોગ થઇ રહ્યો છે, તેની સાથે આ રાશિ પર મંગળની દ્રષ્ટિ પણ છે. મંગળ, શનિ અને કેતુના યોગે દેશમાં મોટેપાયે બદલાવ અને સુરક્ષા વિષયક બાબતો વધુ ઉજાગર થાય તેવા યોગ નિર્માણ પામી રહ્યાં છે.
આઠમો ભાવ બદલાવ આપે છે અને સર્જન પણ કરી શકે છે, જે લાંબા સમય માટે હોય છે. આવનાર લગભગ ત્રણેક મહિનાનો સમય બદલાવથી ભરેલો છે, તેવું જાણકાર જ્યોતિષીઓ માની રહ્યાં છે. ૨૪ જાન્યુઆરી ૨૦૨૦ પછી શનિ મકર રાશિમાં પ્રવેશ કરશે, શનિના મકર રાશિમાં પ્રવેશ સાથે સૂર્ય સાથે યુતિ પણ આ સમયમાં જ થશે, માટે ૨૪ જાન્યુઆરી ૨૦૨૦ પછીનો સમય પણ દેશમાં સકારાત્મક બદલાવ લાવનાર સાબિત થશે. જાણકારોના મતે ગુરુના ધન રાશિમાં પ્રવેશ સાથે દેશમાં મોટાપાયે પરિવર્તન અને બદલાવ જોવા મળશે.
શનિના ધન રાશિમાં ભ્રમણને લઈને ધન રાશિના જાતકો છેલ્લાં લાંબા સમયથી જીવનમાં સ્થિરતા અને સફળતાની રાહ જોઈ રહ્યાં હોઈ શકે. ગુરુના ધન રાશિમાં પ્રવેશ સાથે, ધન રાશિના જાતકોને પનોતી અને શનિગ્રહ જનિત તકલીફોમાં રાહત જણાશે. ધન રાશિના જાતકો માટે નોકરી અને વ્યવસાયમાં પ્રગતિની રાહ આસાન બનશે.
ગુરુગ્રહના ધનરાશિમાં પ્રવેશથી સમગ્ર રાશિચક્રમાં ઊર્જાનો બદલાવ અનુભવાશે, ગુરુના ગોચરને ધ્યાને લઈને બારેય રાશિઓ માટે ફળાદેશ નીચે મુજબ છે:
મેષ: મેષ રાશિના જાતકોને વિદેશ બાબતે પ્રશ્ન હોય તો તેનો ઉકેલ આવી શકે, ઉચ્ચ અભ્યાસમાં સફળતાના યોગ, આર્થિક લાભ થઇ શકે.
વૃષભ: વૃષભ રાશિના જાતકો આર્થિક અને સામાજિક બાબતોમાં મધ્યમ પરિણામ મળી શકે, આર્થિક બાબતોમાં વધુ ધ્યાન આપવું પડે, સ્વાસ્થ્ય બાબતે પ્રશ્ન ઉકેલાય.
મિથુન: મિથુન રાશિના જાતકોને જીવનસાથી વિષયક પ્રશ્ન, ભાગીદારી, નોકરી બાબતે પ્રશ્ન આવી શકે, જાણકારની સલાહ લેવી પડી શકે, નોકરીમાં બદલાવ આવી શકે.
કર્ક: કર્ક રાશિના જાતકોને ઉચ્ચ અભ્યાસમાં રુકાવટ, ચિંતા આવી શકે, પિતા પક્ષે વધુ ધ્યાન આપવું પડી શકે, નોકરીમાં પ્રગતિ થઇ શકે, કોર્ટકચેરીના કાર્યમાં લાભ થાય.
સિંહ: સિંહ રાશિના જાતકોને અભ્યાસમાં પ્રગતિ થઇ શકે, વ્યવસાયમાં આકસ્મિક લાભ થઇ શકે, સંતાન બાબતે પ્રશ્ન ઉકેલાય, સ્વાસ્થ્ય ઉત્તમ રહે.
કન્યા: કન્યા રાશિના જાતકોને વાહન અને મકાનમાં ખર્ચ આવી શકે, મકાનના નવા સોદામાં ધીરજ રાખવી પડે, અભ્યાસ બાબતે પ્રશ્નમાં સફળતા મળે.
તુલા: તુલા રાશિના જાતકોને ટૂંકા પ્રવાસ, વ્યવસાયિક વાટાઘાટમાં સફળતા મળી શકે, નવા વ્યવસાયમાં ઝડપથી પ્રગતિ થઇ શકે, સ્વાસ્થ્ય મધ્યમ રહે.
વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના જાતકોને આર્થિક બાબતોમાં લાભ થાય તેવું બને, કુટુંબમાં વિખવાદ તકલીફનો અંત આવે, સ્વાસ્થ્ય બાબતે પ્રશ્ન ઉકેલાય.
ધન: ધન રાશિના જાતકોને નોકરી કે વ્યવસાય બાબતે પ્રશ્ન ઉકેલાય, નોકરીમાં રાહત જણાય, આર્થિક બાબતોમાં સ્થિરતાના યોગ આવી શકે.
મકર: મકર રાશિના જાતકો આ સમય દરમ્યાન નોકરી અને અંગત જીવનમાં બદલાવનો અનુભવ કરશે, વિદેશને લગતા પ્રશ્ન ઉકેલાઈ શકે, આર્થિક બાબતોમાં લાભ થશે.
કુંભ: કુંભ રાશિના જાતકો માટે આ સમય દરમ્યાન સામાજિક અને આર્થિક લાભના ઉત્તમ યોગ છે, કાર્ય બાબતે પ્રશ્નો ઉકેલાશે, અંગત જીવનમાં અને કુટુંબમાં શુભ પ્રસંગ આવી શકે.
મીન: મીન રાશિના જાતકોને નોકરીમાં પ્રગતિ થઇ શકે, નોકરીમાં બદલાવ આવે તે ખૂબ સકારાત્મક હોઈ શકે, પિતા પક્ષે લાભ થાય, ઉપરી વર્ગ સાથે સંબંધમાં ફાયદો અને લાભ.