“મારા દાદા સૌરાષ્ટ્રમાં ડોક્ટર હતાં. અમે મધ્ય ગુજરાતમાં રહેતાં. જયારે પણ દાદાના ઘરે જવાનું થાય એટલે પાછાં આવ્યાં પછી ક્રીમ લગાડવા પડશે તેવી તૈયારી હોય જ. કારણકે ત્યાં જઈએ એટલે ચામડી સૂકાવા લાગે. હોઠ ફાટી જાય અને ક્યારેક લોહી પણ નીકળે. એકબાજુ દાદાના ઘરે જવાનો મોહ અને બીજીબાજુ ચામડી સૂકાઈ જવાનો ડર પણ અંતે તો દાદાના ઘરે જવાનો મોહ જ જીતતો.” આવું સાંભળ્યા પછી વિચાર આવ્યો કે સાવ સામાન્ય લગતી વાત કે શુષ્ક ત્વચાની સમસ્યા છે. તેને પણ લોકો ધ્યાન પર લેતાં હોય છે. અને પછી તરત જ પેલી હાઈ વે પે ચલાના હે? વાળી એડ પણ યાદ આવી ગઈ. ઇશાનની અમુક નકારાત્મકતા શુષ્ક ત્વચા આપી શકે. હવે પેલા ઘરનો વિચાર કરીએ તો બરાબર ઇશાનમાં જ સંડાસ આવેલું અને અગ્નિનો ભાગ પૂર્વ તરફ લંબાયેલો હતો. પૂર્વના અક્ષ પર ત્રણ નકારાત્મકતા હતી.અને તેથી જ એ ઘરમાં ત્વચાની સમસ્યા હતી. વળી ત્યાં રહેતી બે વ્યક્તિઓને તો શિયાળામાં શુષ્કતા એટલી હદે આવતી કે કોઈ પણ ઈલાજ કારગત ન નીવડતાં.
શુષ્ક ત્વચાના કારણોમાં તજા ગરમીને પણ એક કારણ ગણવામાં આવે છે. એના માટે આયુર્વેદમાં ઘણી વાત કરવામાં આવેલી છે. જો દક્ષિણનો અક્ષ નકારાત્મક હોય તો તજા ગરમીની સમસ્યા આવી શકે. જેના માટે ખેતરાઉ કાળી માટીનો પ્રયોગ હોય કે પછી કાંસાના વાડકાનો પ્રયોગ હોત તે યોગ્ય રીતે ઈલાજ આપતા મેં જોયા છે. અને તેથી જ મારા રીસર્ચમાં ભૂમિ તત્વનું આવી સમસ્યામાં પ્રદાન હોવાની પ્રાથમિક ગણતરી સાથે શરૂઆત કરી અને તેને લગતા પરિણામો મળ્યાં. ત્યાર બાદ તજા ગરમીથી ઉદભવતાં ઘણાં બધાં રોગોના ઈલાજ માટે પણ સંસોધન કરવાનો ઉત્સાહ વધ્યો અને યોગ્ય પરિણામો પણ મળ્યાં.
અમદાવાદમાં એક જગ્યાએ ઘરની મુખ્ય વ્યક્તિને શૌચની જગ્યાએ ચામડી સૂકાઈ જતી જેને લઈને તેમને ખૂબ જ તકલીફ પડતી. આ સમસ્યાના પ્રત્યાઘાત રૂપે તેમનો સ્વભાવ પણ ચીડચીડીઓ થઇ ગયો હતો. દીકરા વહુ થાકી ગયાં હતાં. અને સમસ્યા પણ એવી હતી કે તેમની દયા પણ આવે. પેટ સાફ ન આવે તેનું દુઃખ અને જો આવે તો વધારે દુઃખ. તેમના ઘરમાં અગ્નિના અક્ષથી બનતો ત્રિકોણ નકારાત્મક હતો અને વાયવ્ય પશ્ચિમનું દ્વાર હતું. જેથી શુષ્ક ત્વચા ઉપરાંત પેટની બીમારી પણ આવી હતી. બાકી હતું તો કોઈના કહેવાથી દાદરો ઉત્તરમાં ખસેડ્યો.
એક આખો સંપ્રદાય એવો છે કે જેને અભિમુખની સાચી સમજણ ન હોવાના કારણે ઉત્તરને દક્ષિણ અને દક્ષિણને ઉત્તર સમજે છે. ઉત્તર દિશા પુરુષના આત્મવિશ્વાસ અને નારીના સંતોષ સાથે જોડાયેલી દિશા છે. ઉત્તરના દોષના લીધે ધંધાકીય બાબતો પર પણ અસર પાડવા લાગી. દિવસે દિવસે તકલીફ વધતી જતી હતી. ઘરમાં જેવી હકારાત્મક ઊર્જા વધી કે સમસ્યાનું નિરાકરણ આવવા લાગ્યું. મેં મારા રીસર્ચમાં જોયું છે કે જયારે નકારાત્મક ઊર્જાનું પ્રમાણ વધારે હોય તો ભેજવાળી જગ્યાએ રહેતી વ્યક્તિને પણ ત્વચા સૂકાઈ જવાની તકલીફ આવે છે. મુંબઈમાં એક જગ્યાએ પૂર્વ અને દક્ષિણના અક્ષ નકારાત્મક હતાં અને તેમને ચામડીની તકલીફ હતી.
ત્વચાની સમસ્યા તકલીફ વધારે આપે પણ મોટાભાગે કોઈ તેને રોગ તરીકે ગણાતા નથી તેથી જલદી કોઈની સહાનુભૂતિ પણ ન મળે. એમાં પણ વધારે લાગણીશીલ વ્યક્તિ હોય તો તેને દુઃખ વધારે થાય. કે આટલું હેરાન થાઉં છું. પણ કોઈ ખબર પૂછવા પણ નથી આવતું. બ્રહ્મમાંથી પસાર થતાં બે ત્રાંસા અક્ષ નકારાત્મક હોય ત્યારે આવું બની શકે. ક્યારેક આવા સંજોગોમાં વ્યક્તિને સમસ્યાઓને બિલોરી કાચમાં જોવાની ટેવ પણ હોય. જે છે તેનાથી મોટું દેખાય અને તેના લીધે તકલીફ વધારે લાગે. ઉત્તરના અક્ષનો ત્રિકોણ બનાવતા અક્ષ નકારાત્મક હોય ત્યારે ઘરમાં રહેતી બંને જાતિની વ્યક્તિઓને ત્વચાની સમસ્યા આવે. અને પુરુષનો સ્વભાવ ક્રોધી થઇ જવાથી નારીને એવું લાગે કે તકલીફ તો મને પણ છે તો પછી માત્ર એમને સમસ્યા હોય તેવો વ્યવહાર શા માટે કરે છે? અને મન પર દબાણ આવે તો પણ ત્વચાની સમસ્યા વધી શકે છે. તે સમજવું જરૂરી છે.
વ્યક્તિ લાંબા સમય સુધી પોતાની લાગણીઓ દબાવીને રાખે તો પણ તેને ત્વચાની સમસ્યા આવી શકે છે. લાગણી દબાવવાથી સાંધાના રોગ પણ થયા છે તેથી ક્યારેક આ બંને સમસ્યાઓ હોય તેવું પણ બને છે. બ્રહ્મમાંથી પસાર થતાં બધાં જ અક્ષ નકારાત્મક હોય ત્યારે આવું થવાની સંભાવના વધી જાય છે. શુષ્ક ત્વચા હોય તેમણે પાણી વધારે પીવું જોઈએ. વાસ્તુ નિયમો માત્ર બાંધકામ સુધી સીમિત નથી તે જીવનશૈલી સાથે પણ જોડાયેલા છે. અને તેથી જ ભારતીય વાસ્તુ નિયમો વૈશ્વિકસ્તરે પરિણામો આપવા સક્ષમ છે. જો આ નિયમોની સાચી સમજ હોય તો ખૂબ જ સારા પરિણામો મળી શકે છે.