ભારતદેશના યુદ્ધ અને ગ્રહોના સંજોગ એકનજરે

ભારત જયારે સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું, ત્યારે ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭એ આઝાદીની પળે વૃષભ લગ્ન હતું. આ વૃષભ લગ્નમાં અનેક યોગો થાય છે. જ્યોતિષની ભાષામાં વૃષભ લગ્નને ખુબ જ નસીબવંતુ કહેવાય છે, ગુરુ-ચંદ્રને છોડીને બાકીના બધા ગ્રહો યોગ આપે છે. ભારત દેશ આઝાદ થયો ત્યારે મોટા ભાગના ગ્રહો જળ તત્વમાં બિરાજમાન હતા, મોટા ભાગના ગ્રહો ચર રાશિઓમાં હતા. માટે આ દેશમાં લાગણી, શ્રદ્ધા અને અન્યને આશ્રય આપવાની વાત હંમેશા રહી છે. આ દેશ ભાવનાત્મક અને લાગણીશીલ દેશ રહ્યો છે.

અત્યાર સુધીમાં મોટા યુદ્ધ ગણીએ તો ૧૯૬૨માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું હતું, ૧૯૬૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું. ૧૯૭૧માં બાંગ્લાદેશનું સર્જન થયું, ભારત આ સમયે પણ યુદ્ધમાં ઉતર્યું. ૧૯૯૯માં કારગીલનું યુદ્ધ થયું.

૧૯૬૨ના યુદ્ધમાં ભારતની કુંડળી મુજબ (બધે પુષ્યપક્ષ અયનાંશ અને વિશોત્તરી દશા), શનિમહા દશામાં ગુરુની અંતરદશા હતી. ગુરુ અગાઉ જણાવ્યું તેમ ભારતની કુંડળી માટે શુભ નથી રહેતો. ૧૯૬૨ના યુદ્ધમાં પડોશી ભાવ કે તૃતિય ભાવમાં મંગળ અને રાહુની યુતિ થવાની હતી. તૃતિય ભાવમાં શુક્ર, બુધ, સૂર્ય, શનિ અને ચંદ્ર બિરાજમાન છે. આ જ ભાવમાં મંગળ અને રાહુની યુતિ થઇ, જેણે દેશને પડોશીથી સંકટ આપ્યું.

૧૯૬૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું ત્યારે બુધની મહાદશામાં બુધની અંતરદશા હતી. બુધ પડોશી ભાવ કે તૃતિય ભાવમાં બિરાજમાન છે. બુધને લીધે ફરીવાર પડોશી દેશનું સંકટ ઉભું થયું હતું. ઓક્ટોબર ૧૯૬૫ની આસપાસ મંગળ અને કેતુ સપ્તમ ભાવમાં યુત થયાં હતાં. દેશની કુંડળીમાં લગ્નભાવે રાહુ પસાર થઇ રહ્યો હતો. બુધ કર્ક રાશિમાં ફળદાયી રહેતો નથી. ૧૯૭૧ના યુદ્ધમાં બુધ મહાદશામાં ચંદ્રની અંતરદશા આવી હતી. એપ્રિલ ૧૯૭૧ની આસપાસ સપ્તમ ભાવમાં ગુરુ અને મંગળ હતા. સપ્તમ ભાવમાં ગુરુ આ કુંડળીમાં જે શુભ નથી તેના લીધે યુદ્ધની શક્યતાઓ બની ચુકી હતી, દસમે રાહુનું ભ્રમણ ચાલી રહ્યું હતું. જે મંગળની દ્રષ્ટિમાં આવી રહ્યો હતો. આમ ૧૯૭૧ના યુદ્ધ સમયે દશા પ્રમાણે ચંદ્ર અને બુધનો મોટો ભાગ રહ્યો.ચંદ્ર દેશની કુંડળી મુજબ શુભ રહેતો નથી.

શુક્રની મહાદશા ૧૯૮૮ની શરૂઆતે આવી, ૨૦૦૮સુધી આ દશા લગ્નેશની દશા હતી. લગ્નેશની દશા હંમેશા શુભ હોય છે. શુક્રની મહાદશામાં દેશમાં નોંધનીય પ્રગતિ થઇ છે. દેશ અને દેશના બજારો આર્થિક હરણફાળ ભરવા લાગ્યા હતા. શુક્રમાં શનિની અંતરદશામાં ૨૦૦૦થી ૨૦૦૪સુધીમાં દેશમાં મોટા આર્થિક નિર્ણયો લેવાયા, સમય અને સંજોગ પણ બળવાન હતા. તેના પહેલા મે-જુલાઈ ૧૯૯૯માં બે મહિના સુધી કારગીલમાં યુદ્ધ ચાલ્યું, આ સમયે ફરી ગુરુની અંતરદશા આવી હતી. શુક્રની મહાદશામાં ગુરુની અંતરદશાએ દેશમાં થોડો સમય મુશ્કેલ વધારી હતી. શુક્ર મહાદશાનાથ બળવાન રહેતા, કારગીલનું યુદ્ધ ભારતે જીત્યું. કારગીલના યુદ્ધસમયે પણ રાહુ ત્રીજે પસાર થઇ રહ્યો હતો. મંગળ છઠે અને સામે શનિ અને સૂર્યની યુતિ બારમાં ભાવે દેશની કુંડળીમાં થયા હતા. પણ આ સમયે શુક્ર લગ્નમાં હતો બળવાન હતો, દેશને આ યુદ્ધમાં સફળતા મળી હતી.

અત્યારે ચંદ્રની મહાદશામાં શનિની અંતરદશા ચાલે છે, શનિ ત્રીજા ભાવ સાથે ખુબ બળવાન બનીને જોડાયેલ છે. શનિ પોતે પોતાના નવાંશમાં છે,ત્રીજે ચંદ્ર શનિના નક્ષત્રમાં છે, ત્રીજે બુધ શનિના નક્ષત્રમાં છે, ત્રીજે શુક્ર શનિના નવાંશમાં છે. શનિ પોતે પણ આ કુંડળીમાં યોગકર્તા છે. શનિની અંતરદશા નવેમ્બર ૧૯ સુધી રહેશે. ગુરુ સપ્તમ ભાવે છે, તે શનિ સાથે અષ્ટમ ભાવે જશે, પછીવક્રી થશે. કશ્મકશભર્યા આ માહોલમાં શનિદેવની કૃપા જરૂરથી થશે. શનિએ ધીમે પણ મક્કમતાથી લડતો ગ્રહ છે, કુટનીતિ અને દાવપેચનો ગ્રહ છે. શનિમાં દુશ્મનને કર્મજનિત તકલીફ અને પ્રપંચ સાથે નષ્ટ કરવાની તાકાત છે. પડદા પાછળ દુશ્મનને યુદ્ધ વગર સમાપ્ત કરવાની શક્તિ શનિદેવમાં છે. શનિ અષ્ટમ ભાવે છે, માટે દેશ ભારે હ્રદયે આ ટકરાવને અંજામ આપી શકશે. મે ૧૯માં જયારે મંગળ અને રાહુ દ્વિતીય ભાવે યુત થશે, ત્યારે દેશના રાજકારણ અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં નોંધપાત્ર ઘટનાઓ થઇ શકે. અંતે આ બધુ શનિદેવની સદકૃપા જ હશે. દેશ અખંડઅજેય છે અને રહેશે.

નીરવ રંજન