ઈશાનમાં દ્વાર વાળું મકાન લીધું અને હેરાન થઈ ગયા…

તમે કોઈ વસ્તુને જોઇને નક્કી કરી શકો કે એનો સ્વાદ કેવો છે? ગોળનો રંગ જોઇને કહી ન શકાય કે એ ગળ્યો હશે. એમ મીઠાનો રંગ તો બુરું ખાંડ જેવો જ હોય છે. પણ સ્વાદ અલગ હોય છે. આ નિર્ણય માટે ચાખવું જરૂરી છે. એ જ રીતે જયારે કોઈ માણસ વાસ્તુ માટે એલફેલ બોલે છે ત્યારે એમને વાસ્તુ માટે કેટલું સાચું જ્ઞાન છે એ સમજવું જરૂરી છે. ભારતીય વાસ્તુશાસ્ત્રની રચનામાં હજારો વરસ લાગ્યા. અને એના માટેની ગેરસમજ ઉભી કરવામાં માત્ર કોઈક અજાણ્યા માણસોની કોઈક અવનવી પોસ્ટ કામ કરી જાય છે. વળી કેટલાક લોકો જાણે પોતે કહે એમજ દુનિયા ચાલવી જોઈએ એવા સ્વભાવ સાથે વાસ્તુશાસ્ત્ર વિષે પોતાની ગેરસમજમાં કોઈ સાથ ન આપે તો તે બધાજ મુર્ખ છે એવું ખપાવવા મથે ત્યારે આવનારી પેઢી વિષે ચિંતા જરૂર થાય કે જે માણસો અજાણ્યા પર આટલી દાદાગીરી કરી શકે એ પોતાના બાળકોને તો કેવી રીતે પોતાની વાત માનવા મજબુર કરતા હશે?

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ જરૂરથી નીચે આપેલ ઈમેલ પર પૂછી શકો છો.

સવાલ: અમે દક્ષિણના દરવાજા વાળા મકાનમાં રહીને સુખી થયા. પછી ઈશાનમાં દરવાજા વાળું વાસ્તુ આધારિત મકાન બનાવ્યું. 1000 માણસોને વાસ્તુ પૂજન કરીને જમાડ્યા. પણ ઘરના મલીકને ઘર ખાલી કરવું પડ્યું. હેરાન થઇ ગયા. વાસ્તુશાસ્ત્ર છેતરપીંડી છે. અમેરિકાના ટાવર વાસ્તુ પ્રમાણે બનેલા તોએ એ તૂટી પડ્યા ને? તાકાત હોય તો જવાબ આપજો…

જવાબ: આપનો સવાલ ભાવાર્થ સાથે લીધો છે. આપના લખાણમાં ગુસ્સો દેખાય છે. એ વ્યાજબી પણ છે. કોઈ દુખ સાથે આવું લખી શકે પણ શું તમે સાચા નિયમો જાણો છો? કોણ કહે છે કે દક્ષિણના બધાજ દ્વાર ખરાબ હોય છે? મેં પોતે દક્ષિણમાં દ્વાર બનાવરાવ્યા છે અને મારા ક્લાયન્ટ સુખી છે. મેં વારંવાર કહ્યું છે કે બરાબર ઈશાનમાં દ્વાર હોય એ સકારાત્મક નથી મનાતું. એનો અર્થ કે તમે જેને સારું દ્વાર માનતા હતા એ દ્વાર સારું હતું જ નહિ.

વાસ્તુ પૂજન એ વાસ્તુશાસ્ત્રનો ભાગ છે જ નહિ. વળી કયા શાસ્ત્રમાં લખ્યું છે કે 1000 માણસોને જમાડવાથી ઘર વાસ્તુદોષ વિનાનું થઇ જાય છે? સાચે જ આપને આ વિષય વિષે કોઈ સાચી માહિતી નથી. તમે તમારા અજ્ઞાનના લીધે ભારતની ધરોહર એવા શાસ્ત્ર વિષે છેતરપીંડી જેવો શબ્દ વાપર્યો એ યોગ્ય ન ગણાય. અમેરિકાના ટાવર વાસ્તુ પ્રમાણે બન્યા હતા એ મારા માટે સમાચાર છે. શું અમેરિકામાં કોઈને આ વાત ખબર છે? જો સાચેજ એવું હોય તો ભારત માટે ગર્વ લેવા જેવી બાબત ગણાય. પણ એ વાત પણ અન્ય વાતોની માફક ખોટી છે. એક વિનંતી છે કે તમે સાચી સલાહ લો. માણસ મોટાભાગે જીવનમાં એક જ વાર ઘર બનાવે છે. અને તમારા અનુભવથી સમજાય છે કે ખોટી માહિતી જીવનને બરબાદ કરી શકે છે. જો તમે સાચી સલાહ લીધી હોત તો તમે પણ સુખી હોત. વળી જવાબ આપવામાં થોડી તાકાત જોઈએ? એના માટે મને ઈશ્વરે આપેલું જ્ઞાન પુરતું છે. જીવન એ સંગ્રામ નથી એ જીવવા માટે છે. અને સુખમય જીવન માટેના નિયમો એટલે વાસ્તુશાસ્ત્ર.

સવાલ: હું એક ઓફિસર છું. મારા પતિ પણ ઓફિસર છે. મારે ઘરનું કામ અને ઓફીસ બંને સાચવવાના થાય છે. ઘરમાં આવ્યાબાદ ઘણી વાર એવું લાગે છે કે મારું અહીં કોઈ અસ્તિત્વ જ નથી. મને ગુસ્સો પણ બહુ આવે છે. ક્યારેક ઓફિસમાં પણ મારા પતિનો ફોન આવે તો મારે વિકટ સ્થિતિ ઉભી થાય છે. મારો સ્ટાફ કહે છે કે મને મુડસ્વીંગનો પ્રોબ્લેમ છે. હું મારા પતિ સાથે વાત કર્યા બાદ બદલાઈ જાઉં છું. મને ગુજરાતમાં ગમતું પણ નથી. શું કરું?

જવાબ:  સહુથી પહેલા તો આપને આ રાજ્યમાં નથી ગમતું એનું કોઈ ખાસ કારણ આપે કહ્યું નથી. મોટા ભાગે ઘરની સમસ્યાનો દોષ અન્યના માથે જ જાય છે. બધાને ગુજરાતમાં નોકરી કરવી છે. અહીં રોકાણ પણ કરવું છે. અહીંની સુવિધાઓ પણ ભોગવવી છે પણ અહીં ગમતું નથી. લગ્ન બાદ આપ આપના પતિની નજરમાં સારા દેખાવા જે જે કાર્યો કરતા હતા એ બધા જ હવે તમે કરો છો. તમે સારા દેખાવા એ બધું જ કર્યું જે તમે ખરેખર કરતા ન હતા. હવે તમે એમને એની આદત પાડી દીધી છે. વળી ઘરનો ગુસ્સો ઓફિસમાં થોડો જ લઇ જવાય? એ જ રીતે ઓફિસનો ગુસ્સો ઘરે પણ ન લઇ જવાય. તમને જે સુવિધાઓ મળે છે એના માટે કેટલાય લોકો પ્રાર્થના કરતા હશે. માન, સંપત્તિ, હોદ્દો, વૈભવ આ બધું જ છે. એને ભોગવવાની જવાબદારી તમારી છે. જે દુઃખને જુએ છે એને માત્ર દુખ જ દેખાય છે. જે સુખને જુએ છે એને બધે સુખ જ દેખાય છે. એક વાર શાંતિથી તમારા પતિને કહો કે મને કોઈ હેલ્પરની જરૂર છે. બંને સારું કમાવ છો એ ના નહિ જ પાડે. હા, પછી તમારી રસોઈના વખાણ નહિ થાય પણ તમે શાંતિથી જીવી શકશો. તમારા પતિને સમય આપી શકશો. ગુજરાતમાં ન ગમતું હોય તો ટ્રાન્સફર માટે અરજી પણ કરાય જ ને?

આજનું સુચન: એક કાબર દેખાય તો અપશુકન થાય એ માન્યતા ભારતીય નથી.

(આપના સવાલ મોકલી આપો- Email: vastunirmaan@gmail.com)