ઢોંગી, ધુતારા, જેવા અનેક શબ્દો આપણા મનમાં થોડો સમય આવે. દુખ પણ થાય, સ્મશાન વૈરાગ્ય જેવું લાગવાનું શરુ થાય અને પછી અચાનક એક વંટોળ આવે જેમાં લોકો કોઈ સાવ શુલ્લક વિષય પર જોરદાર ચર્ચાઓ કરતા હોય. બસ પછી એવું જનુન ચડે કે પેલી બધીજ વાતો વિસરાઈ જાય અને જાણે પોતાના વિચારોથી જ દુનિયા ચાલવાની હોય એ રીતે જોરદાર અને ધારદાર રીતે વિચારો રજુ થવા લાગે. રસ્તાની ધારે ઉભા હોય કે સોસાયટીના નાકે એ પોતાનો મત પકડી રાખે. બસ આ પ્રક્રિયામાં અગત્યના મુદ્દાઓ વિસરાઈ જાય. સમાજને વિસ્મૃતિની બીમારી હોય એમ બધું જ થાળે પડી જાય. અને તોય માણસ વિચારે કે અન્ય લોકો કરતા પોતે અત્યંત સુખી છે. આને કહેવાય જીવન જીવવાની કળા. ઘરમાં ભલે હાંડલા કુસ્તી કરતા હોય તોય દેવું કરીને ઘી ખાવાના વિચારો આવે એ પણ એક અલગ જ વિચારધારા છે. ટૂંકમાં દિશા શોધવા માટે રીલ્સનો પણ સહારો લઇ લેવાય છે. આવા સમયે મીરાના શબ્દો યાદ આવે કે “કરમ કી ગતિ ન્યારી. “
મિત્રો આ વિભાગ આપના માટે જ છે. આપને પણ કોઈ સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.
સવાલ: આપના દરેક લેખમાં જીવનની સુક્ષ્મ ફિલોસોફી હોય છે. આપના વ્યક્તિત્વમાં પારદર્શકતાની ઝલક દેખાય છે. એટલે જ આપને એક સવાલ પૂછવો છે. આજકાલ રીલ્સ જોઇને લોકો જીવન જીવે છે અને એના આધારિત નિર્ણય પણ લે છે. એક રીલમાં મેં એવું જોયું હતું કે ડાયનીંગ રૂમમાં અરીસો લગાવવાથી સમૃદ્ધિ આવે છે. મેં આવું ક્યાંય વાંચ્યું નથી. વળી જે વ્યક્તિએ આવું કહ્યું છે એણે કારણ એવું આપ્યું છે કે જમતી વખતે બધા ખુશ હોય. એટલે અરીસામાં જોઇને ખાવાથી જીવનમાં સુખ આવે. સાચું કહું? મને આવી રીલ્સ જોઇને ચિંતા થાય છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વાતને આટલા અધિકાર સાથે કેવી રીતે કહી શકે? એ પહેલા એક બહેને રીલમાં ભૂંડને કેસર ખવરાવવાની વાત કરી હતી. એનું કારણ એવું આપ્યું હતું કે ભૂંડે જીવનમાં કેસર ન ખાધું હોય એટલે એને કેસર ખવરાવો તો એ રાજી થાય. કુતરાને બિસ્કીટ આપાય ખરા? ગળ્યું ખાવાથી એમને ચામડીના રોગ થાય, એવું મેં ક્યાંક વાંચ્યું છે. આવી અસંખ્ય વાતો જોયા પછી ક્યારેક અકળામણ તો ક્યારેક દુખ થાય છે. અંધશ્રદ્ધા વિનાનો ભારતીય સમાજ ન બની શકે? વળી મેં આવું પણ જોયું છે કે કેટલાક લોકો ભારતીય વિષયોનું નામ આવતા જ નાકનું ટીચકું ચડાવી દે છે. જો ભારતીય હોવામાં આટલી બધી શરમ આવતી હોય તો અહી રહે છે શું કામ? શું આવા લોકો ભારતને વિશ્વ ગુરુ બનાવશે?
જવાબ: આપનો સવાલ ખુબ લાંબો છે. અને એનો મર્મ તો એનાથી પણ વિશાળ છે. વિશ્વગુરુ બનવા માટે ગુરુત્વ જોઈએ. જે દેશમાં એસટી બસની સીટ માંથી સ્પંજ ચોરાઈ જતું હોય કે પરબ પર પાણીના ગ્લાસ સાંકળથી બાંધીને રાખવા પડતા હોય એના વિષે શું વિચારી શકાય? રીલ પોપ્યુલર થાય એના માટે કોઈ પણ પાયરી સુધી જવા મથતો સમાજ ક્યાં પહોંચશે? જે જીવને જેની જરૂરીયાત છે એની વ્યવસ્થા કુદરત જ કરી આપે છે. એના માટે માણસે મથવાની જરૂર નથી. ખેડૂત અન્ન નહિ ઉગાડે તો? એવી ચિંતા કરવા કરતા કૃષિમાં રસ લેવો જરૂરી છે. જે દેશ ખેતી પ્રધાન હતો એ જ દેશમાં કૃષિકાર સરકારને આધીન જીવન જીવવા લાગે. અને વાતવાતમાં પોતાના જ અનાજને રસ્તા પર ફેંકી દે એવી માનસિકતા આ દેશની ક્યારેય ન હતી. દેશનો દરેક નાગરિક દેશ માટે જરૂરી છે. પણ દરેક વ્યક્તિ પોતે જ ખાસ છે એવું માનવા લાગે ત્યારે વિસમતા આવે. માનવ વસવાટ પહેલા પણ પૃથ્વી હતી અને એના પછી પણ રહેશે. સ્વાર્થ શબ્દ આ આખી પ્રક્રિયામાં વિલન છે.
અરીસો આભાસી છે. એટલે એનો જેટલો ઓછો વપરાસ થાય એ જરૂરી છે. વળી ભોજન સમયે મન શાંત રાખીને ભોજનમાં ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. એના માટે અરીસામાં જોવાની ક્યાં જરૂર છે? રીલ જોઇને જીવનના અગત્યના નિર્ણયો ન જ લેવાય. વળી મફતમાં મળેલી વસ્તુ નો દોષ કોને આપશો? સુખ પ્રાપ્ત કરવા માટે સુખને સમજવું પડે. કેટલીક રીલમાં તો એ લોકો વાંચી ને બોલે છે. જ્ઞાની માણસને આવી જરૂર પડે? જ્યાં માત્ર દેખાડો છે ત્યાં કશુક ખૂટતું હોય છે. વળી વિશ્વગુરુ જેવા ભારેખમ શબ્દોને સમજતા પહેલા ગુરુ શબ્દ સમજવો પડશે. કોઈ રંગના વસ્ત્રો પહેરવાથી ગુરુ ન થઇ જવાય. જેના ચેલાઓ વધારે એ સાચા ગુરુ એવું પણ ન વિચારાય. ગુરુત્વ સાદગીથી આવે, વૈભવથી નહિ. જેમ માત્ર ડીગ્રીઓ ધારણ કરવાથી જ્ઞાની નથી બની જવાતું એ જ રીતે. ભારતીય વિચારધારા માટે ભારતીય વિચારો વાળા શિક્ષકો અને ભારતીય વિચારો વાળું શિક્ષણ જરૂરી છે. એના થકી જ સાચો રાષ્ટ્ર પ્રેમ જાગૃત થઇ શકે. આપના વિચારો સારા છે. સૂર્યને જળ ચડાવો અને બુધવારે શિવ મંદિરમાં દહીંમાં કાળા તલથી અભિષેક કરો.
સુચન: કાચ અને અરીસાનો વધારે પડતો ઉપયોગ હાનીકારક છે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com )