તમે ક્યારેય રાક્ષસોને જોયા છે? શું માથા પર સિંગડા હોય, બે દાંત આગળ હોય અને કદાવર કાયા હોય તો જ એમને રાક્ષસ કહેવાય? બની શકે, સાચા રાક્ષસો એવા ન પણ હોય. માથા પર સિંગડા કોને હોય? બસ એવી વિચારધારા ધરાવતા હોય. મનથી વિકરાળ હોય અને લોભ, સ્વાર્થ જેવી ભાવનાઓ ઠાંસી ઠાંસીને ભરી હોય. આવા માણસોને પણ રાક્ષસ કહી શકાય? પોતાના સ્વાર્થ માટે જે અન્યનું નુકશાન કરે છે એ બધાને રાક્ષસ ગણી શકાય. હવે આપણી આસપાસ નજર કરો. તમે જે જવાબ વિચાર્યો હતો એ કદાચ બદલાઈ જશે. માણસનો પહેલો ગુણધર્મ માણસાઈ છે. તમારી આસપાસ માણસો કેટલા નજરે ચડે છે?
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: હું એક સોસાયટીમાં રહું છું. છેલ્લા ઘણા સમયથી અહીં પ્રોપર્ટીના ભાવ વધતા નથી. એનું કારણ એ છે કે જેટલી પણ કમિટી આવી એ આગળની કમિટીના આર્થિક ગોટાળા પકડીને આવી. અને પોતે નવા ગોટાળા કર્યા. જેના કારણે મેઇન્ટેનન્સ પણ ખુબ વધી ગયું છે. એ ઉપરાંત ડેવલપમેન્ટ ચાર્જ પણ ઉઘરાવવામાં આવે છે. અને ગુંડાઓ જેમ ખંડણી ઉઘરાવે એ જ રીતે ચેરમેનના સગાઓ મંડી પડે છે. કોઈ વિરોધ કરે તો રંજાડે છે. સરકાર અને ધનવાન વ્યક્તિઓ એમના મિત્રો છે એવી ધમકીઓ આપી અને બધાને દબાવી દીધા છે. જેમ ખુંટ આખા ધણનો ચારો ચરી જાય એમ એક ઉત્તર ભારતીય વ્યક્તિ સતત પૈસા માંગીને ધમકીઓ આપે છે. અમે રાજકીય જગ્યાએ રજૂઆત કરી પણ કોઈ પ્રતિભાવ નથી. શું બધે આવી અરાજકતા જ રહેવાની? શું આત્મહત્યા સિવાય કોઈ રસ્તો જ નથી? અમે તો એક સ્ત્રીને મત આપેલો. અમને શું ખબર કે એનો પતિ અમારા માથે ત્રાસ ગુજારશે?
જવાબ: સર્વ પ્રથમ તો કોઈ પણ સમસ્યામાં મન શાંત રાખીને જ વિચાર કરાય. આપનો પત્ર ખુબ લાંબો છે એટલે જરૂરી મુદ્દા જ લીધા છે. પણ એનો સારાંશ છે કે છેલ્લા પંદર વરસથી આખી સોસાયટીએ જેમણે પૈસા ખાધા એમની પાસેથી પૈસા પાછા માંગ્યા જ નથી. એટલે હવે એ પરંપરા બની ગઈ છે કે રાજ કરો અને પૈસા ખાવ. સંસ્કાર એટલે ચુપ બેસી અને અત્યાચાર સહન કરવા એવું ક્યાંય લખ્યું નથી. તમારી સોસાયટીમાં બધાને સારા દેખાવું છે. એટલે વિરોધ પણ ખાનગીમાં થાય છે. હવે નવી કમિટી આવી છે એમનો ઉદ્દેશ્ય જ પૈસા બનાવવાનો હોય એવું પણ શક્ય છે. કારણકે એમને વિશ્વાસ છે કે કોઈ કશું જ નહિ કરે. એવું પણ બને કે થોડા સમય પછી એ લોકો ધકીઓ આપીને લુંટફાટ કરે. માનસિક નપુંસકતા એ પણ એક રોગ છે. જ્યાં માણસો માનવતા ભૂલી ગયા હોય એવી જગ્યાએ ન જ રહેવાય. તમે રજૂઆત કરી પણ પરિણામો ન મળ્યા કારણકે તમે માત્ર ખાનગીમાં રજુઆતો કરી. હિંમત કરીને બધાને કહેવાનું શરુ કરો. નવી જગ્યાએ આવા લોકો નહિ હોય એની કોઈ ગેરન્ટી નથી જ. પણ જ્યાં ભૂખ્યા વરુઓ રહેતા હોય ત્યાં ન જ રહેવાય. આત્મહત્યા એ ઉપાય નથી. તમારા મરવાથી આવા રીઢા લોકોને કોઈ જ ફર્ક નહિ પડે. એ રાજી થાય એવું પણ બને. તમે પોતેજ કહ્યું છે કે સોસાયટીમાં બધા દબાઈ ગયા છે. એટલે એ લોકો પણ તમારા જવાથી દુખી નહિ થાય.
તમારી સોસાયટીના ભાવ નથી વધતા. એટલે પણ આવી જગ્યાએ ઇન્વેસ્ત્મેન્ટ ન રખાય. તમે જેને ધણ ખુંટ કહો છો એ સુધરશે? એ જે માણસોના નામ આપે છે એમને કદાચ આના કરતૂતો ન પણ ખબર હોય. આજ કાલ સાથે ખાતા પિતા લોકો પણ મિત્રો બની જાય છે. પછી કોઈ કાંડ થાય એટલે સાબિત કરવાની ધમાલ ઉભી થાય કે અમે એને નથી ઓળખતા. વળી કર્મનો સિદ્ધાંત કામ કરે જ છે. ભલે તમારી કમિટી વાળા એમાં વિશ્વાસ ન રાખતા હોય. ઈશ્વરના દરબારમાં ન્યાય થાય જ છે. જે માણસ જેટલો ઉપર ચડે છે એટલો જ પડવાનો ભય વધે છે. મહામૃત્યુંન્જયના મંત્ર કરો.
સવાલ: અમારી ઉપર એક બહેન રહે છે. એમના પતિ નથી. એ લોકો ડુંગળી લસણ પણ નથી ખાતા. પણ ખુબ હેરાન કરે છે. ઉપરથી એમના એસીની પાઈપો અમારી બાલ્કની સુધી ટીંગાડી છે. અમારી બર્ડનેટ કાપી નાખે છે. સિગરેટના ઠુંઠા, દારૂની બોટલો, હાડકા આવું બધું જ કોમન ડકટમાં નાખે છે. અમારી સોસાયટીમાં મોટા ભાગના લોકો એમની ધાર્મિક વિચારધારા વાળા છે. અમને પીછડે હુએ લોગ કહીને હેરાન કરે છે. ક્યારેક તો થાય છે કે સામુહિક આત્મહત્યા કરી લઈએ. થાકી ગયા છીએ આવા ઢોંગી લોકોથી. કોઈ ઉપાય સૂચવો તો સારું.
જવાબ: ધર્મ એટલે શું? માનવતા વાદી વિચારધારા. પણ હવે વાડાઓ બનતા જાય છે. માણસને મોજશોખ કરવા છે, પણ સજ્જન હોવાનું નાટક કરી ને. જીભના ચટાકાને નિયમો નડે ત્યારે આવી વ્યવસ્થા સર્જાય. વળી એમનો ઢોંગ તમે પકડી પાડો તો તોફાન આવી જાય. ભૂલ તમારી નથી. એમના વિચારો ખોટા છે. સોસાયટી એટલે ભાઈચારા સાથે જીવતો સમુદાય. તમારી સોસાયટી તો પોલીટીકલ અખાડો બની ગઈ છે. જ્યાં એક જ ધર્મના લોકો અલગ અલગ વિચારધારાના કારણે એક બીજાને રંજાડી રહ્યા છે. કોઈ પણ ધર્મ આવી બાબતોને સમર્થન નથી આપતો. કોઈનું મન પણ દુભાવવામાં આવે તો એ નકારાત્મક જ ગણાય છે. જો કે તમારા પાડોસી એ નહિ સમજે. એ તો પોતાના જ ધર્મના સિદ્ધાંતોને નથી સમજ્યા. તમારી સોસાયટીનું દ્વાર નકારાત્મક છે. જેના માટે તમે કશુજ નહિ કરી શકો. શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, સરસો, કેવડાના અત્તરથી અભિષેક કરો.
સુચન: ધાર્મિક નહિ આધ્યાત્મિક બનો, ઈશ્વર ચોક્કસ આપની સાથે રહેશે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)