યુદ્ધ એટલે શું? એક રોમાંચક કથા? ઇતિહાસમાં લખાયેલા વર્ણન અને સાહીત્યકારોની રચનાઓમાં તો ઉદ્ધનું વર્ણન ભવ્ય જ લાગે. પણ જે લોકો યુદ્ધનો ભાગ બન્યા હોય એમને જ યુદ્ધનો અનુભવ હોય. નાનીનાની વાતમાં વ્યક્તિ ઉશ્કેરાઈ જતી હોય ત્યારે વિચાર આવે કે આનું કારણ શું? માણસની જીજીવીશાઓ એને મારે છે. જયારે ઈચ્છાઓ પૂરી નથી થતી ત્યારે માણસ અધીરો બને છે. કોઈ પણ રીતે પોતાની ઈચ્છા પુરી કરવા એ ઝઝૂમે છે. અને અંતે? વિનાશ? કોનો? એ યુદ્ધ પહેલા નક્કી નથી હોતું. પણ ઈચ્છાઓ જે તે વ્યક્તિનો તો વિનાશ કરે જ છે. શું ઈચ્છાઓ અને જરૂરિયાતોનો ભેદ સમજી અને જીવી ન શકાય? અબજો રૂપિયાની સંપતિ મુકીને વ્યક્તિ ક્યારે જતી રહેશે એ ખબર નથી પણ વ્યક્તિ અસ્તિત્વ માટે લડતી રહે છે.
મિત્રો આ વિભાગ આપનો જ છે. આપને કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: સાહેબ, આ અસ્તિત્વની લડાઈ ક્યાં સુધી ચાલતી રહેશે? સોસાયટીનો મેનેજર માને છે કે સતાધીશો એને જ સર્વસ્વ મને છે. એ આંખો મીચીને સહીઓ કરે છે. અને પછી જયારે કોર્ટમાં જવાનું થાય ત્યારે કોઈ એના પાપમાં ભાગીદાર નથી થતું. સંસ્થાઓમાં પણ કોઈને મોટા બનાવીને કામ કરાવી લેવાય છે. ખાસ તો પૈસાની લેવડ દેવડમાં એનો ઉપયોગ થાય છે. અને પછી એને જ છાપરે ચડાવાય છે. પરિવારમાં જેને સમજણ નથી એની પાસે કોઈને કોઈ અપેક્ષા જ નથી. એ જરાક કૈક લખી પણ દે તો વાહ વાહ થઇ જાય છે. અને જે માણસ ઢસડાય છે એ એકાદ જગ્યાએ ન પહોંચી વળે તો એનો દેકારો થઇ જાય. આ તો કેવી વ્યવસ્થામાં આપણે જીવીએ છીએ.
મારો ભાઈ જવાબદારી શબ્દ સમજ્યો જ નથી. એને ખાલી સારી સારી વાતો કરતા આવડે. હું બધા માટે તન મન ધનથી ખેંચાઉં. બધા સારા માઠા પ્રસંગોમાં વ્યવહાર પણ મેં એકલાએ કર્યા. એ ન પણ આવે. પણ ફોન કરીને એવી સરસ વાત કરે કે સામે વાળા પલળી જાય. એ બધાને વોટ્સેપ પર સમયસર મેસેજ કરી દે. સમજાવે કે મારે તો આવવું જ હતું પણ રજા નથી. મારી તબિયત ખરાબ હતી અને હું દવાખાનામાં હતો. એક જગ્યાએ ન જઈ શક્યો. બધાએ સંબંધ કાપી નાખ્યો. મારા મમ્મીએ પણ એમનો પક્ષ લઈને સમજાવ્યું કે જો તારો ભાઈ કેવો સંબંધ રાખે છે. તે કર્યું છે શું? મને કશુજ સમજાતું નથી. પ્લીઝ મદદ કરો.
જવાબ: ભાઈ શ્રી. માણસ હવે ભૌતિક્તાવાદી બની ગયો છે. તમારો આખો પત્ર સમાવી નથી શક્યા. દુખદ સ્થિતિ છે. પણ એ જ હકીકત છે. સત્ય ન સમજાય અને દેખાડો જ ચાલે એવો સમાજ ઉભો થઇ ચુક્યો છે. સમાજને નહિ બદલી શકાય. બસ તમારા ભાઈ જેવા થઇ જાવ. એમની રીતે જ સંબંધ રાખો. વોટ્સેપ ગ્રુપમાં સહુથી પહેલા બધાને જન્મદિવસની શુભેચ્છાઓ આપો. ભેટના ફોટા પણ મુકો. અવનવી વાનગીના ફોટા મુકીને લખો કે તમારા માટે જ બનાવી હતી. પણ હવે તમને યાદ કરીને હું ખાઈ લઉં છું. એમને સતત દેખાડો ગમે છે. તમે એ કરો. તમારા મમ્મી પણ કદાચ આવું જ કૈક સમજાવવા માંગતા હોય. જ્યાં સન્માન ન હોય ત્યાં ન જ જવાય એ નિયમ બનાવી દો. જે તમારા નથી એમનું દુખ શાનું? વળી એમણે સંબંધ કાપ્યો છે. તમે નહિ. ગમે તેટલા પૈસા હોય સાચા ટાણે તો અંગત લોકો જ ઉભા રહે છે. માણસને આભાસી સન્માન ગમે છે. અને એના માટે એ કશું પણ કરવા તૈયાર થઇ જાય છે. સોસાયટીનો મેનેજર માલિકની ખુરસી પર બેસે ત્યારે એ સાતમાં આસમાનમાં હોય એટલે એને સત્ય ન જ સમજાય. એને સમજાવવા પણ ન જવાય. કોઈ ગમે તેટલું ચડાવે હકીકતોને સમજીને જ જવાબદારી લેવાય. માણસને વસ્તુ સમજવાવાળા લોકો વધી રહ્યા છે. મૃત્યુ સમયે ચાર ખભા પામવા માણસ આખી જિંદગી એવા સંબંધોનો બોજ સહન કરે છે જે એના છે જ નહિ. ચિંતામુક્ત થઇ જાવ.
તમે બુધવારે શિવલિંગ પર દહીંમાં કાળા તલથી અભિષેક કરો. સવારે વહેલા ઉઠીને સૂર્યને જળ ચડાવો. પરિસ્થિતિમાં ચોક્કસ ફર્ક પડશે.
સવાલ: તમારા ફિલોસોફીના શો જોયા. તમે આટલા બધા ક્ષેત્રમાં માહેર છો. એનું રહસ્ય પણ સમજાયું. તમે કહ્યું કે તમે ખુબ નસીબદાર છો. તો શું તમારા જીવનમાં કોઈ તકલીફ આવી જ નથી? અને જો આવી છે તો તમે એમાંથી બહાર કેવી રીતે આવ્યા?
જવાબ: સામાન્ય રીતે અંગત સવાલના જવાબ હું નથી આપતો. પણ આનો જવાબ કદાચ અન્ય લોકોને પણ કામ લાગી શકે એ આશયથી હું આનો જવાબ આપું છું.
જેનો જન્મ થયો છે એને કોઈને કોઈ તકલીફ તો પડે જ છે. મને વધારે લોકો મળ્યા છે તો એમાં સારા અને ખરાબ બંને પ્રકારના લોકો મળ્યા જ હોય. વળી આજે ભૌતિકતાના પુજારીઓ વધી રહ્યા છે. ત્યારે છેતરાવાનું પણ બને જ. માણસોના મન આળા થઇ રહ્યા છે એટલે નાનીનાની વાતમાં અલગ અર્થ લેવા વાળા પણ મળે જ. પણ જે થયું એને છોડીને આગળ વધતા રહો. જો કોઈ જગ્યાએ ઉભા રહી ગયા તો નકારાત્મકતા તમારા પર સવાર થઇ જશે. બીજું ઈશ્વરમાં શ્રદ્ધા રાખો. એ જરૂર મદદ કરશે.
સુચન: ઘર બનાવતી વખતે અને રીનોવેશન કરતી વખતે કોઈનું મન દુભાવવામાં આવે તો ગમે તેટલા સુંદર ઘરમાં પણ સુખની ઓછપ રહે એવું બની શકે.
(આપના સવાલો મોકલી આપો vastunirmaan@gmail.com)