કાળઝાળ ગરમી અને કારમી મોંઘવારી વચ્ચે પણ જીવન એક આશામાં ચાલી રહ્યું છે કે એક નવી ઝળહળતી સવાર આવશે અને સર્વ સુખ લાવશે. દરરોજ રાત્રે એક આશામાં સુતો માણસ બીજી રાત્રે પણ એ જ આશા સાથે સુવે છે એ ને જ જીવન કહે છે? કે પછી કોઈક જગ્યાએ સાચે જ ઝળહળતો સુરજ ઉગે છે? સકારાત્મક વિચારધારા જ વ્યક્તિને જીવંત રાખે છે. સર્વ દુખોથી પર.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.
સવાલ: અમારા એક સગાને અમે ખુબ મદદ કરી. સાવ નિસ્વાર્થ મદદ. એમને આર્થિક, માનસિક, શારીરિક મદદ કરવામાં અમે થોડા પાછળ રહી ગયા. હવે એમનો સમય સુધર્યો છે. અમને મદદ કરવાના બદલે એ અમારા કામમાં બચ્ચે આવે છે. સતત અમને નીચા દેખાડવા પ્રયત્ન કરે છે. મદદ કરવાનું બાજુએ રહ્યું પણ કોઈ કામ આપતું હોય તો એને રોકે છે. લોકોને મારારા વિરુદ્ધ ઉશ્કેરે છે. અમારા ઘરની નાની નાની વાતો જાણવા પૈસા આપીને માણસો રોકે છે. અમે સુખેથી રહીએ એ એમને નથી ગમતું. એ લોકો કહે છે કે ઈશ્વર પણ પૈસાદારની જ સામે જુએ છે. ભગવાનની દયાથી અમે સાવ અટકી પણ નથી ગયા. પણ એ લોકો આટલું ખરાબ કરે છે તો પણ એ સુખી કેમ છે? શું વાસ્તુના નિયમો આવા લોકોને પણ સુખી કરી દે? આપને શાસ્ત્રોનું જ્ઞાન છે. તો સમજાવવા વિનંતી.
જવાબ: આપના જેવો સવાલ ઘણા લોકોને હશે. કંસ જયારે દેવકીને વળાવતો હતો ત્યારે આકાશવાણી થઇ હતી કે દેવકીનો આઠમો પુત્ર તારો વધ કરશે. એટલે કંસે દેવકીને કારાવાસમાં પૂરી દીધી. એ કંસની લાડકી બહેન હતી. તેથી તે સજ્જનતા પૂર્વક રહેતો. વળી આકાશવાણીથી એ ચેતી ગયો અને એનો વ્યવહાર પણ સુધરી ગયો. એનો વધ નિશ્ચિત હતો. તેથી નારદજીને એની પાસે કમળનું ફૂલ લઈને મોકલવામાં આવ્યા.
નારદજીએ કંસને પૂછ્યું કે આ કમળની આઠમી પાંદડી કઈ? કંસ પાસે જવાબ ન હતો. નારદજીએ કહ્યું સંસારનું ચક્ર પણ આવું જ છે. તું કેવી રીતે જાણીશ કે કયા જન્મનું આઠમું બાળક તારો વધ કરશે? ક્રોધિત કસે બધાજ બાળકોને મારવાનો નિર્ણય લીધો. એના પાપ વધ્યા અને એનો વધ થયો. કુદરત પણ માણસને આવા ચાન્સ આપે છે. જે તે વ્યક્તિ પોતાના કર્મો ભેગા કર્યા કરે છે. અને એક દિવસ એનો કરુણ અંત આવે છે. આજના સમાજમાં કેટલાક લોકો કર્મ એટલે માત્ર કામ સમજે છે. અને કુદરત ને ગણતા જ નથી. તેથી આવા અનુભવ શક્ય છે. પણ કર્મ એનું કામ કરે જ છે. તમે જ કહ્યું કે એ લોકોએ ઘણા પ્રયત્ન કર્યા પણ તમે અટક્યા નથી. બસ કુદરત અને સ્વ માં વિશ્વાસ રાખો. ઘરમાં દરરોજ ઘીનો દીવો કરીને મહામૃત્યુંન્જય મંત્ર જાપ કરો.
સુચન: ઘીનો દીવો કોઈ પણ જીવિત વ્યક્તિ કરી શકે છે. એ પ્રકાશનો સ્ત્રોત છે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)