ઘરમાં ઘરઘંટી ક્યાં મૂકી શકાય?

આત્મસન્માન શબ્દ જ જેમના શબ્દકોશમાં ન હોય એવી વ્યક્તિઓ સાથે કામ કરવું લગભગ અશક્ય હોય છે. જે લોકો પોતાને નથી સમજી શકતા એ જયારે અન્યનો ન્યાય કરવા બેસે ત્યારે એમના નિર્ણયો શંકાસ્પદ બની શકે છે. દરેક વ્યક્તિએ પહેલા તો પોતાની જાતને વફાદાર રહેવું જરૂરી છે. નવરા બેસવા કરતા કોઈ જગ્યાએ બેસવાની ભાવના સારી છે પણ એ જગ્યાએ બેઠા પછી પોતાના કાર્યને ન્યાય આપવો પણ જરૂરી છે. જીવન એ માત્ર સમય પસાર કરવાની પ્રક્રિયા નથી. જો એવું જ હોત તો પાષાણ અને માનવ અલગ ન હોત. ઈશ્વરે માનવ જીવન આપ્યું છે તો તેને સાર્થક કરવું એ આપણી ફરજ છે. આજે કેટલાક વાચકોના વાસ્તુ અંગેના પ્રશ્નો જોઈએ. આપના મનમાં પણ કોઈ સવાલ ઉદ્ભવે તો આપ પૂછી શકો છો.

સવાલ: મારા લગ્ન થઇ ગયા છે. મને સ્ત્રી અને પુરુષ બંને પ્રત્યે સમાન લાગણી થાય છે. મારી સાથે એક વ્યક્તિ ભણે છે. એ મને ગમતી હતી. ખબર નહિ કેમ એણે બધાને કહી દીધું કે મારા લગ્ન થઇ ગયા છે. મને ખુબ ગુસ્સો આવે છે. એને મારી નાખવાનું મન થાય છે. વળી મારા પત્ની ગર્ભવતી છે. એમને ખબર પડે કે બધા આ વાત જાણે છે તો એની કેવી હાલત થઇ જાય? મારે શું કરવું? મેં મારું ગ્રુપ બનાવવાનું તો શરુ કરી દીધું છે. અત્યાર સુધી કોઈની આવી હિંમત થઇ નથી કે મને ના પાડે.

જવાબ: ભાઈ શ્રી. લાગણી પ્રેમ, ગમો અણગમો, જેવી બાબતો વ્યક્તિગત હોય છે. સર્વ પ્રથમ તો તમે મન શાંત રાખો. લગ્ન કરવા એ કોઈ ખરાબ બાબત નથી અને બાળકનું આગમન તો ઉત્સવ ગણાય. જો તમને આવી બાબતો ન ગમતી હોય તો આત્મપરીક્ષણ કરવાની જરૂર છે. તમે પરિણીત છો એ વાત ક્યારેક તો બધાને ખબર પડવાની જ હતી. વળી તમને એવું નથી લાગતું કે આ વાત છુપાવીને તમે તમારાથી જ ભાગી રહ્યા છો? કોઈ વ્યક્તિ તમને પસંદ નથી કરતી એ એનો વ્યક્તિગત વિષય છે. બે નકારાત્મક બાબતો ક્યારેય એક સકારાત્મક પરિણામ નહિ આપે. જો તમે નહતા ઈચ્છતા કે તમારી આ વાત કોઈ જાણે તો તમે કોઈ એક વ્યક્તિને પણ શું કામ કહી? વળી જે બાળક આ જગતમાં તમારા થકી આવવાનું છે એનો તો વિચાર કરો. એનું અસ્તિત્વ ક્યાં સુધી છુપાવી રાખશો? તમારા આવા વિચારો ક્યાંક એના વ્યક્તિત્વને અન્ય દિશામાં ન લઇ જાય.

 

આપના ઘરમાં બે દરવાજા છે. ઉત્તરમાં ટોઇલેટ છે અને બ્રહ્મનો દોષ છે. આપનો આત્મવિશ્વાસ ઓછો છે. વાયવ્યથી અગ્નિનો અક્ષ નકારાત્મક છે તેથી તમને અન્ય સંબંધોમાં રસ છે. રોજ સવારે શિવ પૂજા કરો, શમળાના વૃક્ષ પર દૂધ ચડાવો. ગુરુવારે મુખ્ય દ્વાર પર આસોપલનું તોરણ બાંધો. અને પેલા માણસનો આભાર માનો કે જે વાત આપ કહી નહોતા શકતા એ કહેવામાં એણે મદદ કરી છે. સહજ બનો. જીવન ખુબ સુંદર છે.

સવાલ: ઘરમાં ઘરઘંટી ક્યાં મૂકી શકાય?

જવાબ: ભાઈ શ્રી. આપના જેવો સવાલ ઘણા બધાના મનમાં હશે. ઘરમાં મુકેલી દરેક વસ્તુની ઉર્જા આપણા જીવનને અસર કરતી હોય છે. તેથીજ દરેક વસ્તુ અને વ્યક્તિનું યોગ્ય સ્થાન ક્યાં હોવું જોઈએ એની સરસ સમજણ આપણા વાસ્તુ શાસ્ત્રમાં આપેલી છે. ઘરઘંટી એ વાયુનું પ્રતિક છે. તેથી તે વાયવ્ય પશ્ચિમના યોગ્ય પદમાં રાખવી યોગ્ય ગણાશે.

આજનું સુચન:  કોઈનું ખરાબ વિચારવાથી કે વૈમનસ્ય રાખવાથી આવનારી પેઢીને અસર પડે છે.

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરોઃ vastunirmaan@gmail.com)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]