જ્યારે ઘણીવાર જન્મકુંડળી જોઈને પણ ભવિષ્ય કે ભૂતકાળનો કોયડો નથી ઉકેલાતો ત્યારે જન્મલગ્ન અને લગ્નેશ ગ્રહ ખુબ મહત્વનો બની જાય છે. એમ સમજી લો કે આ એક જ ગ્રહ તમને રજુ કરે છે. જેમ મનુષ્યની મુખાકૃતિએ તેની સાચી ઓળખ છે.
જાતકના જીવનમાં મહત્વના ત્રણ ગ્રહો:
મુખ જોઈને જ મનુષ્ય સાથે સંવાદ થઇ શકે છે, તેમ જન્મકુંડળીમાં પહેલો ભાવ અને તેનો સ્વામી ખુબ મહત્વના છે. આજ પ્રમાણે ચંદ્ર અને સૂર્ય જે રાશિમાં હોય તે રાશિના સ્વામીગ્રહો પણ લગ્નેશની જેમ જ મહત્વના ગ્રહો બને છે, પરંતુ લગ્નેશ તો અનન્ય મહત્વ ધરાવે છે. અનુભવે કહી શકાય કે લગ્ન, ચંદ્ર અને સૂર્યની રાશિના સ્વામીના ગ્રહો જીવનમાં મહત્વના બની રહે છે. આયુષ્ય અને માન- સમ્માન આ ગ્રહોને આભારી છે.
લગ્નભાવએ જન્મકુંડળીનો આધારસ્તંભ છે:
જન્મકુંડળીમાં પ્રથમ ભાવમાં રહેલ ગ્રહ અને પ્રથમ ભાવને દ્રષ્ટિ કરતા ગ્રહો જીવનના ચડાવ ઉતારમાં મહત્વના છે. લગ્ન સ્થાનને ગુરુ, શુક્ર જોતા હોય તો સમૃદ્ધિ ગમે ત્યારે આવીને તમારા જીવનને હર્યુંભર્યું કરી દે છે. તકલીફ કે રોગોમાં પણ દૈવી સહાય મળે છે. લગ્ને દ્રષ્ટિ કરતા શુભ ગ્રહોની દશામાં પણ શુભ ફળ મળે છે.
જન્મકુંડળીમાં જો પ્રથમભાવે શનિ, રાહુ કે મંગળ સ્વરાશિ સિવાય બિરાજમાન હોય અથવા લગ્ન આ ગ્રહોથી દ્રષ્ટ હોય ત્યારે લગ્ન સ્થાન પાપ દ્રષ્ટ થવાથી જાતકને શનિ યોગે કર્મનો બોજ, રાહુ યોગે સંબંધ વિચ્છેદ, મંગળ યોગે દૈહિક પીડા ભોગવવી પડે છે. લગ્ને દ્રષ્ટિ કરતા અશુભ ગ્રહોની દશાઓમાં આ તકલીફ ભોગવાય છે.
લગ્નેશ ગ્રહનો જીવન પર પ્રભાવ અને ફળ:
જન્મકુંડળીમાં પ્રથમ સ્થાનનો સ્વામી તે લગ્નેશ ગ્રહ। પ્રથમ ભાવે કર્ક રાશિ હોય તો લગ્નેશ ચંદ્ર, સિંહ રાશિ હોય તો લગ્નેશ થશે સૂર્ય। આમ પ્રથમ ભાવે જે રાશિ હોય તેનો માલિક લગ્નેશ ગ્રહ કહેવાશે। લગ્નેશ ગ્રહએ જન્મકુંડળીના પાયા સમાન છે. જો લગ્નેશ શુભ થયો બળવાન થયો તો જીવન સફળ.
જો લગ્નેશ કેન્દ્રમાં, ત્રિકોણ સ્થાનોમાં, સ્વરાશિમાં, શુભગ્રહો સાથે કે શુભગ્રહોથી દ્રષ્ટ હોય તો જાતક આયુષ્યયુક્ત, ધનવાન, ગુણવાન, વિદ્વાનોમાં શોભાયમાન, પ્રશંસનીય, લોકોમાં કીર્તિ ધરાવતો, સમૃદ્ધ, સુંદર શરીર યુક્ત, સાહસી અને ધર્મ કર્મ રત બને છે. લગ્નેશ ગ્રહની દશા કે શુભ ગ્રહ મહાદશામાં લગ્નેશની અંતર્દશામાં જાતકની નિશ્ચિત રીતે પ્રગતિ થાય છે, તે તકલીફોમાંથી તુરંત રાહત મેળવે છે. જો લગ્નેશ બળવાન હોય તો ફળ બમણું ભોગવાય છે અને જાતકની એકાએક પ્રગતિ થાય છે.
લગ્નેશ શુભ ગ્રહો સાથે બિરાજેલ હોય તો જાતકને ઉત્તમ આવાસ પ્રાપ્ત થાય છે, તેને સદા રક્ષણ મળે છે. લગ્નેશ બળવાન શુભ ગ્રહ સાથે હોય તો જાતકના જીવનમાં રાજા સમાન વ્યક્તિનો સાથ મળે છે. લગ્નેશ પોતે પોતાની રાશિમાં હોય અથવા બળવાન બનીને કેન્દ્ર કે કોણમાં બિરાજેલ હોય તો જાતકની કીર્તિ ખુબ વધે છે અને પોતાના કુળમાં નામાંકિત વ્યક્તિ બને છે. લગ્નેશ જો ચર રાશિમાં બિરાજેલ હોય તો જાતક જન્મસ્થાનથી દૂર વસે છે. લગ્નેશ જો સ્થિર રાશિમાં બિરાજેલ હોય તો જાતકને પોતાના જન્મસ્થળ પર જ સુખ પ્રાપ્ત થાય છે અને આજીવન વસવાટ થાય છે.
લગ્નેશ ગ્રહ કુંડળીના ભેદ ઉકેલે છે:
હવે જયારે જન્મકુંડળી કર્મેશ, ભાગ્યેશ જેવા ગ્રહો શુભ બનીને બળવાન બનીને કેન્દ્ર કે કોણમાં હોય પરંતુ તેમ છતાં જાતકના જીવનમાં કોઈ નોંધનીય ઘટના ના બને. તે સામાન્ય જીવન ગુજારતો હોય ત્યારે લગ્નેશની સ્થિતિનો વિચાર કરવો પડે છે. આ પ્રકારના ફળમાં લગ્નેશ નબળો થઈને, 6,8 કે 12માં સ્થાનમાં હોય છે. લગ્નેશ અશુભ ભાવસ્થ, અશુભ ગ્રહોના અંશમાં, અશુભ ગ્રહો વડે દ્રષ્ટ, અશુભ ગ્રહો સાથે યુત હોય છે. મંગળ, શનિ અને રાહુના પ્રભાવમાં આવેલ લગ્નેશ ગ્રહ પણ બળહીન બનીને ફળદાયી રહેતો નથી. મંગળ, શનિ અને રાહુથી દ્રષ્ટ કે યુત લગ્નેશને લીધે જાતકના જીવનમાં અન્ય વ્યક્તિઓથી ખુબ નુકસાન થાય છે. જીવન દરમ્યાન વિશ્વાસુ વ્યક્તિઓ સાથે મેળાપ થતો નથી. રોગ અને દેવાનો ભય રહે છે.
લગ્નેશ ગ્રહની ઉપાસના અને સુખપ્રાપ્તિ:
લગ્નેશ ગ્રહ, લગ્ન સ્થાન અને ચંદ્ર લગ્ન ત્રણેયનો અભ્યાસ જન્મકુંડળીની શુભતાનું માપ કહી શકાય। લગ્નેશ ગ્રહના જાપ, ચંદ્ર રાશિના સ્વામીના જાપ મનુષ્યને જીવનમાં શાંતિ અને સુખ આપે છે. રોગ અને વ્યાધિઓમાં પણ લગ્નેશ ગ્રહના જાપ, ચંદ્ર રાશિના સ્વામીના જાપ જાતકને તકલીફોથી બચાવે છે. લગ્નેશ ગ્રહ દરેક જાતકને શુભ ફળદાયી છે, માટે લગ્નેશ ગ્રહનો રત્ન ધારણ કરીને પણ જાતક સુખી અને સમૃદ્ધ થઇ શકે છે.