જેમ જેમ જમાનો આધુનિક થતો જાય છે તેમ તેમ લોકોની અપેક્ષાઓ અને ઉપેક્ષાઓ પણ વધતી જાય છે. લગ્ન બાબતે સમાજનો અભિપ્રાય ખૂબ ઉપર જઈ રહ્યો છે, મોટેભાગે જાતકો પોતાની આવડત કે પ્રતિભાને ધ્યાનમાં લીધાં વગર જ સપનાનાં પાત્રને પરણવાની મોટી ઇચ્છાઓમાં વ્યસ્ત રહે છે અને છેલ્લે લગ્ન લંબાયા કરે છે, લગ્ન થતાં નથી અથવા છેલ્લે સમાધાન થાય છે. બેય પાત્રો જીવનની શરૂઆતે જ મતભેદ અને મનભેદમાં પડે છે અને પરિણામે પૈસા અને આબરૂ બંનેનું નુકસાન થાય છે.
મંગળએ કન્યાની કુંડળીમાં સૌભાગ્ય છે. કન્યાની કુંડળીમાં મંગળ ને ગુરુ, ચંદ્રદ્રષ્ટિ કરતાં હોય, તો લગ્ન જીવન ઉત્તમ ગણવામાં આવે છે. મંગળને શનિ, રાહુ કે કેતુ સાથે દ્રષ્ટિ-યુતિ સંબંધ હોય તો લગ્ન બાબતે ધીરજ રાખવી પડે છે. મંગળથી કેન્દ્રયોગે કે પ્રતિયુતિમાં શનિ, રાહુ કે કેતુ હોય તો પણ લગ્ન બાબતે ઉતાર ચઢાવ રહે છે. પુરુષ જાતકની કુંડળીમાં શુક્ર એ તેની પત્નીને રજૂ કરે છે, શુક્રને શનિ જુએ તો ઉત્તમ, પરંતુ સૂર્ય કે કેતુ સાથે શુક્રને તકલીફ રહે છે. શુક્રને કોઈ ગ્રહ કેન્દ્રયોગે કે પ્રતિયુતિથી જોતો હોય તો વિવાહ માટે શુભ રહેતું નથી.
ઘણાં સમય પહેલાં એક વિદ્વાન જ્યોતિષીનો સંગ થઇ ગયો હતો, તેમણે મારા મતે સેંકડો કુંડળીઓ જોઈ હશે. તેઓ કુંડળી જોતાં જ પાત્રના લગ્નજીવન વિષે આસાનીથી કહી દેતાં.જ્યોતિષની દ્રષ્ટિએ લગ્નએ મન, આત્મા અને શરીરનું મિલન છે. તેમના મતે બે કુંડળીઓનું મિલન કરવું હોય તો એક ગુરુચાવી છે,પરણનાર બેય પાત્રોના ગુણદોષ સમાન હોવા જોઈએ.
મેં જોયું છે કે લગ્ન મેળાપકમાં મોટા મોટા જ્યોતિષી થાપ ખાઈ જાય છે. કારણ કે, લગ્ન માટે નક્ષત્ર મિલન સિવાય કોઈ સુગમ પદ્ધતિ હજુ સુધી પ્રાચીન ગ્રંથોમાં મળતી નથી. લગ્ન બાબતે આ વિદ્વાન જ્યોતિષીની એક ગુરુચાવી હતી કે ગુણદોષ સમાન હોવા જોઈએ. મતલબ કે એક પાત્રની કુંડળીમાં જે ભાવ દોષયુક્ત હોય, ત્યારે તેની સાથે લગ્ન કરનાર બીજા પાત્રની કુંડળીમાં એ જ ભાવ દોષયુક્ત હોય તો દોષનું સમાધાન થયું કહેવાય.
ઘણીવાર કન્યા કે વરની કુંડળીમાં ખૂબ ખરાબ યોગ થયો હોય, જેમ કે કોઈ ક્ષ પાત્રને મંગળ-કેતુની યુતિ કે શનિ-સૂર્યની યુતિ હોય, તે સમયે તેમના લગ્ન બાબતે હંમેશા પ્રશ્નાર્થ રહે છે. આ સમયે જો સામેના પાત્ર ને મંગળ-કેતુની યુતિ કે શનિ-સૂર્યની યુતિ વાળા ભાવમાં જ જો શનિ, રાહુ કે કેતુ જેવા ગ્રહ હોય તો તેમનું મિલન આ દોષનું કુદરતી રીતે નિવારણ કરે છે.
તે જ રીતે બંને કુંડળીમાં ભાવથી ભાવનું મિલન વધુ જરૂરી છે, તેઓ રાશિને ઓછું મહત્વ આપતાં. તેમના મતે રાશિઓ ૩૦% અને ભાવ ૭૦% મહત્વના ગણવાં, તેવું તેમનું સૂચન હતું. તેમના મતે એક જાતકના જે ભાવમાં ચંદ્ર હશે તે જ ભાવમાં જો બીજા જાતકનો ગુરુ હશે તો આ ભાવજનિત બાબતોમાં એકબીજાના મિલનથી તેઓને અક્ષય સુખ મળે છે. જેમ કે, એક પાત્રને ચોથે ગુરુ છે બીજા પાત્રને ચોથે ચંદ્ર છે, તેઓ જો લગ્ન કરે છે તો કુંડળી મિલન અનુસાર તેઓને ચતુર્થભાવની બાબતો જેમ કે ઘર, વાહન વગેરેનું ખૂબ સુખ મળે છે.
લગ્ન ઈચ્છુક બંને પાત્રોના કુંડળી મિલન સમયે આ બાબત ખાસ ધ્યાને લેવી જોઈએ કે એક પાત્રના દોષયુક્ત ભાવને લીધે બીજા પાત્રની કુંડળીમાં કોઈ શુભ ભાવ તો ખરાબ નથી થઇ રહ્યો ને? જો આમ હશે તો બંને કુંડળીઓ વિરુદ્ધ મતની કહેવાશે, બંનેના જીવનની દિશા અલગ જ હશે. શક્ય છે કે વિરુદ્ધ દોષ અને ગુણ બતાવતી કુંડળીનું મિલન કરવાથી સફળતા ન પણ મળે.