ભૌતિકતામાં જ સુખ દેખાય છે? આ ચકાસજો…

સામાન્ય રીતે દરેક વ્યક્તિને અન્યના સુખની પાછળ ભાગવાની ટેવ હોય છે. ખૂબ જ ઓછા લોકો એવા હશે કે જેમને ભૌતિકતામાં સુખ નથી દેખાતું. બ્રાન્ડેડ કપડાં પહેરવાથી લોકો તમને સારા માણસ ગણશે અને ખિસ્સામાં પૈસા ભલે ન હોય પણ પાકીટ તો મોટું જ રાખવું જેવા સિદ્ધાંતો શિખવાડવામાં આવે તો પછી આવા વિચારો જ પ્રચલિત થાય ને? પહેલાં મોબાઈલ ફોનનું વળગણ લગાડવામાં આવે અને પછી એના ઈલાજ માટે સેન્ટરો ખુલે.જે વસ્તુનો પ્રચાર થતો હોય તેજ વળગણ બન્યાં બાદ તેનાથી છૂટકારો મેળવવા માટેની વાત પણ એટલાજ અધિકારથી વેચવામાં આવે છે કારણ કે દિશાહીનતા એ ભૌતિકતા સાથે વણાઈ ગઈ છે.વાસ્તુના સંદર્ભથી વિચારીએ તો અગ્નિથી ઉત્તરનો ભાગ નકારાત્મક હોય ત્યારે માણસને ભૌતિકતામાં જ સુખ દેખાય છે અને તે મૃગજળની પાછળ અવિરત ભાગ્યા કરે છે.જો પ્રાપ્ત કરેલું ભોગવી ન શકાય તો તે સુખ કામનું શું? સુખની વ્યાખ્યા વ્યક્તિગત હોઈ શકે છે. પણ જ્યાં સંતોષ છે ત્યાં સુખ પામવાની શક્યતાઓ વધી જાય છે. ઈશાનના બધા જ અક્ષ જો હકારાત્મક હોય તો વ્યક્તિનો સ્વભાવ સંતોષી બને છે. ઘણા વરસો પહેલાં મારા એક ક્લાયન્ટના ઘરે જવાનું થયું હતું. સુંદર મકાન. અદભુત રાચરચીલું. ખાસ પ્રકારની સજાવટ અને મોંઘાદાટ ચિત્રો. જાણે કોઈ રાજમહેલ હોય તેવું લાગતું હતું. ઘર જોતાં જોતાં એ બહેને મને કહ્યું કે મારી તિજોરીમાં પૈસા વધે તેવું કૈક કરોને. તિજોરી જે જગ્યાએ હતી તે પ્રમાણે તો તેમાં પૈસા હોવા જોઈતા હતાં. વળી ઘરની ઊર્જા પણ એવી હતી કે જેના કારણે ઘરમાં આર્થિક ખેંચ ન જ રહે. એ મારી વાત સાથે સહેમત ન થતાં અંતે તિજોરી ખોલવાની થઇ. મારા મત પ્રમાણે એ રકમ ખૂબ જ મોટી હતી અને તેમના મત પ્રમાણે એ ખૂબ જ નાની હતી. જે પ્રકારનો અસંતોષ હતો તે જ સર્વ દુઃખનું કારણ હતું.

જયારે અગ્નિના અક્ષનો ત્રિકોણ અને ઉત્તર દિશાનો દોષ હોય ત્યારે નારીને ખૂબ જ અસંતોષ રહે છે. ક્યારેક તેને ઘરના પુરુષ પર વિશ્વાસ ન આવે તેવું પણ બને. એમાં પણ જો વાયુનું પ્રતીક અગ્નિમાં આવતું હોય તો તે એ અંગેના મહેણાં પણ મારી શકે. નારીને ઘરનો મોભ ગણવામાં આવે છે. જો તે બરાબર સ્થિતિમાં ન હોય તો ઘરનું સંતુલન જોખમમાં આવી શકે છે. જયારે પશ્ચિમનો અક્ષ નકારાત્મક હોય ત્યારે પડવા આખડવાની ઘટનાઓ વધારે બને છે. અને તેના કારણે ઘરમાં સુખની અછત વર્તાય છે. જો શારીરિક સુખ ઓછું હોય તો પણ માણસ અન્ય સુખ ભોગવવા સક્ષમ રહેતો નથી. માત્ર આનંદ ફિલ્મનો નાયક અથવા તો તેના જેવા અન્ય લોકો ગમે તેવી બીમારી હોય તેનો સ્વીકાર કરી અને સુખની દિશા પામી શકે છે. જયારે નૈરુત્યના અક્ષથી બનતો ત્રિકોણ હકારાત્મક હોય અને ઇશાન પણ હકારત્મક હોય ત્યારે માણસમાં આવી શક્તિનો સંચાર થાય છે.

જોકે આ બાબત ખૂબ જ જટિલ અને કઠીન છે.  જે વ્યક્તિ મૃત્યુનું સત્ય સ્વીકારી શકે છે તે જીવનનો મર્મ પણ પામી શકે છે. એક વ્યક્તિને કેન્સર હતું. તેણે પહેલાં તો ઈલાજ શોધવા પ્રયત્ન કર્યા. જયારે તેને લાગ્યું કે ઈલાજ કારગત નહીં નીવડે ત્યારે તેણે સ્વીકારી લીધું કે જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. જેટલા લોકો ખબર જોવા જતાં તે બહાર આવીને કહેતાં કે અમને ખૂબ મજા કરાવી. જોક્સ કીધાં. જીવન પ્રસંગોમાંથી ઉદભવેલી રમૂજની વાતો કરી. અમને તો ખબર જ ન પડી કે પેશન્ટ કોણ છે? અ વ્યક્તિનું મૃત્યુ પણ ભવ્ય રહ્યું. તેમના ઘરમાં ઈશાનના યોગ્ય પદમાં દ્વાર હતું. માસ્ટર બેડરૂમ નૈરુત્યમાં હતો. અને બાકીની રચના પણ ઊર્જાવાળી હતી. આવી જગ્યામાં રહેવા વાળી વ્યક્તિની સુખની પરિભાષા અલગ હોય છે. તેમને ભૌતિક આવરણોની અસર ઓછી થાય છે. મને યાદ છે સૌરાષ્ટ્રમાં એક ભાઈ પોતાના કામ અને ઘરના ખૂબ જ વખાણ કરતાં હતાં. અને તેમના સગાં એવું બોલેલા કે એમનો જીવ સંતોષી છે. બાકી કંઈ બહુ સારું કામ અને ઘર નથી. ભારતીય વાસ્તુની હકારાત્મક ઊર્જા માણસને સુખની પ્રતીતિ કરાવવા સક્ષમ છે. હા, અન્યની નજરમાં એ ઓછુ હોઈ શકે પણ એ વ્યક્તિનો સંતોષ જ તેને સુખની પ્રતીતિ કરાવી શકે. બાકી જે નથી તેનું દુઃખ કરવામાં જિંદગી નીકળી જાય તેવું પણ બને.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]