પંચાંગ એટલે પાંચ તત્વોનો મેળાપ, આ પાંચ તત્વ એટલે અગ્નિ, પૃથ્વી, આકાશ, વાયુ અને જળ. પંચાંગને સામાન્ય રીતે હિન્દુ કેલેન્ડર સમજીને જોવાય છે. પરંતુ આ પંચાંગ તો સૃષ્ટિના સર્જન વિસર્જનની ઘડિયાળ છે. અજ્ઞાત બાવાએ મને જયારે આ પાંચ તત્વ અને પંચાંગનો સંબંધ સમજાવ્યો ત્યારે મને પંચાંગના મૂળ રહસ્યની ખબર પડી.
પંચાંગના પાંચ ભાગ એ પાંચ તત્વોના નિર્દેશક છે:
સંસારએ પાંચ તત્વોનો બનેલો છે, પાંચ તત્વોના બળાબળથી જ દરેક ઋતુ સૃષ્ટિમાં બદલાવ લાવે છે. સંવત્સર બદલાતા જાણે સમગ્ર દુનિયા બદલાઈ હોય તેવો અનુભવ બધાને થાય છે. આ બધું પાંચ તત્વોના બળને આભારી છે. મનુષ્યનો દેહ પણ આ પાંચ તત્વોથી જ બનેલો છે.
વાર, તિથિ, નક્ષત્ર, યોગ અને કરણ આ પાંચ ભાગનું શુભ અશુભ આપણે જોઈએ છીએ. પરંતુ આ પાંચ ભાગએ અનુક્રમે અગ્નિ, જળ, વાયુ, આકાશ અને પુથ્વી તત્વને જ રજુ કરે છે. એક દિવસમાં એક સમયે આ પાંચેય ભાગને જાણીને એ સમયે કયું તત્વ બળવાન છે? અથવા કયું તત્વ તકલીફ કરે છે તે જાણી શકાય છે.
વાર, તિથિ અને નક્ષત્રનું મહત્વ, તિથિના માલિક ગ્રહ!:
સાત વારના સ્વામિ સાત ગ્રહો છે તે આપણે જાણીએ છીએ. નક્ષત્રના સ્વામીગ્રહ પણ જ્યોતિષમાં જણાવ્યા છે. 27 નક્ષત્રોને 9-9-9 એમ વહેંચીને નવેગ્રહોને ત્રણ નક્ષત્રનું આધિપત્ય આપ્યું છે. આમ વાર અને નક્ષત્રના માલિક ગ્રહ બધા જાણે છે. પરંતુ, તિથિ, યોગ અને કરણના પણ માલિક ગ્રહોનો જ્યોતિષમાં ઉલ્લેખ છે. એકમથી આઠમ સુધીની તિથિઓના માલિક ગ્રહ અનુક્રમે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રાહુ છે.નોમથી ફરી તિથિઓના માલિક ગ્રહ અનુક્રમે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ બને છે. જેમાં પૂનમ અને અમાસના માલિક ગ્રહો શનિ અને રાહુ અનુક્રમે છે.
તિથિઓના શુભ અશુભનું રહસ્ય:
તિથfનું મહત્વ જ્યોતિષમાં ખુબ વધુ છે, તિથિએ ચંદ્રપ્રકાશનું માપ છે, સાથે સાથે જળતત્વનું પ્રતિનિધિત્વ કરે છે. જો તિથિ ક્ષીણ હોય તો પૃથ્વીનું પોષણ થતું નથી. ચંદ્ર જયારે વદ પક્ષમાં ક્ષીણ થતો જતો હોય એટલે કે અમાસ તરફ આગળ વધતો હોય ત્યારે પૃથ્વી પર જળતત્વ, મનુષ્યના મન અને પોષણનો અભાવ જણાય છે. અમાસ પહેલાની ચૌદશ અને અમાસ પછીની એકમ અને અમાસ ત્રણેયમાં ‘સર્જન’ થતું નથી. આ ત્રણ તિથિએ ‘નવા જન્મતા’ જીવોને કોઈ ‘ઈચ્છા કે આંકાક્ષા’ રહેતી નથી.
તિથિએ જન્મ કરાવનાર ‘તત્વ’ છે:
તિથિ જળતત્વનું પ્રતિનિધિત્વ કરે છે, માટે તિથિએ ઈચ્છાની પોષક છે. જો જાટકી કુંડળીમાં ચંદ્ર ક્ષીણ કે નિર્બળ હોય અમાસે જન્મ હોય તો ઈચ્છાઓનો જીવનમાં ત્યાગ દર્શાવે છે. જન્મતિથિ દ્વારા મનુષ્યના જીવનના સંબંધ જાણી શકાય છે. તિથિના અધિદેવતા ગ્રહનું બળાબળ જાણીને જાતકના જીવનના ઉદ્દેશ અને સંબંધનું સુખદુઃખ જાણી શકાય છે. અમાસ પહેલાની ચૌદશ અને અમાસ પછીની એકમ અને અમાસ આ ત્રણેય તિથિમાં જન્મનારના જીવનમાં ઘરની વ્યક્તિઓ સાથે સંબંધો શૂન્ય જેવા થઇ જાય છે. તેનું કારણ તેમના જન્મનો ઉદ્દેશ માત્ર મોક્ષ છે તેમ કહી શકાય। જાણે અજાણ્યે પણ અમાસ અને પૂનમે જન્મનાર જાતકો જીવનમાં મોક્ષ તરફ પ્રયાણ કરે છે જ. આ જાતકો જીવનના અંતિમ પડાવે ઈચ્છાઓ શૂન્ય કરીને દેહનો ત્યાગ કરે છે અને ફરીવાર જન્મતા નથી.
તિથિઓના ઉપતત્વ અને તેમના આધારે શુભ અશુભ:
તિથિઓના પાંચ પ્રકાર છે: નંદા, ભદ્રા, જયા, રિકતા અને પૂર્ણા। 1,6,11 (એકમ, છઠ, અગિયારસ એમ સમજવું) એ નંદા તિથિ। 2,7,12એ ભદ્રા તિથિ, 3,8,13એ જયા તિથિ। 4,9,14 એ રિક્તા તિથિ। પૂનમ, અમાસ, 5, 10 એ પૂર્ણા તિથિઓ છે. ભદ્રા અને જયા શુભ તિથિઓ કહેવાય છે. રિકતા તિથિઓ શુભ કાર્યમાં નિવારવામાં આવે છે. તિથિઓના શુભાશુભ તેમના ઉપતત્વના આધારે છે, નંદા, ભદ્રા, જયા, રિકતા અને પૂર્ણા એ અનુક્રમે અગ્નિ, પૃથ્વી, આકાશ, જળ અને વાયુ તત્વ ધરાવે છે. તિથિનું મુખ્ય તત્વ જળ છે, માટે તિથિને પૃથ્વી તત્વ ઉત્તમ, અગ્નિ અને જળ તત્વ ઉદાસીન રહે છે. 4,9,14 રિક્તા તિથિઓ જળ તત્વ પ્રચુર હોવાથી તેમાં શુભ કાર્ય કરાતું નથી.
તિથિઓના ઇષ્ટ દેવતા:
ત્રીજએ માતા ગૌરીની ઉપાસના માટે, ચોથએ ભગવાન ગણેશજી માટે, પાંચમએ માં સરસ્વતીની ઉપાસના માટે, આઠમ, તેરસ અને ચૌદશ ભગવાન શંકરની ઉપાસના માટે, નોમ માં અંબાજીની આરાધના માટે, અગિયારસ અને બારસ એ ભગવાન હરિવિષ્ણુની ઉપાસના માટે। અમાસ માતા કાલિકા અને પૂનમ ભગવાન વિષ્ણુની ઉપાસના માટે ઉત્તમ છે.