જન્મકુંડળી જુઓ ત્યારે સૌ પહેલાં સૂર્ય, ચંદ્રઅને લગ્ન પર દ્રષ્ટિ કરો પછી તત્વો પર વિચાર કરો. કયા તત્વ? અગ્નિ, પૃથ્વી, વાયુ અને જળ તત્વો પર વિચાર કરો. આજે જ્યોતિષમાં બધાં ખૂબ આગળ વધી ગયાં છે, પણ મૂળ સિદ્ધાંતો પર કોઈ વિચાર કરતું નથી, આમ બોલતાં અજ્ઞાત બાવો આવીને ખુરશીમાં બેસી ગયો. તમને ખબર છે, બધાં પુસ્તકો ગ્રહો અને રાશિઓ પર જુદો જુદો અભિપ્રાય આપે છે, પણ મૂળ વાત આજે કહું છું, તમારી ડાયરીમાં લખી લેજો, પછી ફરીવાર નહીં કહું, આમ કહી તેઓ યાદ કરવા લાગ્યાં, થોડું વિચારીને મારી સામે જોઈ બોલ્યાં, જ્યોતિષીએ હમેશા શીખતાં રહેવું પડે છે, અહમ આડે ન આવવો જોઈએ. હવે લખો.
મેષ રાશિમાં અગ્નિતત્વ છે પણ કેટલું ખબર છે? દીવા જેટલું. સિંહ રાશિમાં અગ્નિતત્વ વધુ છે, મશાલ જેટલું અથવા ચૂલાની અગ્નિ જેટલું. ધનરાશિએ ગુરુ ગ્રહની રાશિ છે, તેમાં પવિત્ર અગ્નિનો વાસ છે. ધન રાશિમાં અગ્નિ યજ્ઞ સમાન છે, પાવક અગ્નિ છે. એટલે કોઈ અગ્નિતત્વનો ગ્રહ, મેષ રાશિમાં હોય તો તેને માત્ર દીવા જેટલું અગ્નિતત્વ મળે છે, ધન કે સિંહ રાશિ જેટલું અગ્નિતત્વ મળતું નથી, તેઓ બોલ્યાં.
જમીન તરફ જોઇને બોલ્યાં, વૃષભ રાશિનું પૃથ્વી તત્વ ખૂબ ફળદ્રુપ હોય છે, વૃષભરાશિ ચતુર્થ ભાવે આવે તો બનાવેલ મકાનમાં ખૂબ ધન, વૈભવ હોય છે.વૃષભ રાશિમાં ખેતીની જમીન જેટલું તેનું માપ કહેવાય. કન્યા રાશિની જમીન કોલાહલવાળી અને ગીચ હશે. કન્યા રાશિમાં પૃથ્વી તત્વ મોટું પણ ફળદ્રુપ નથી. બેહાથ વિસ્તારીને બોલ્યાં,મકર રાશિમાં પૃથ્વી તત્વ ખૂબ વિશાળ દરિયા કિનારા કે જંગલ જેટલું હોય છે. મોટા લાંબા કોતરો જેટલું તેનું માપ કહેવાય. એટલે કે પૃથ્વી તત્વવાળો ગ્રહ શનિ જો મકરમાં આવે તો મનુષ્ય અત્યંત જળ શરીર અને પ્રકૃતિનો બની જશે, તેનું કાર્ય પણ પૃથ્વી તત્વ જેવું એટલે કે મકાન બનાવવું, ઓજાર બનાવવું વગેરે હશે. હવે તમે આ રહસ્ય જાણી ગયાં છો કે કઈ રાશિમાં કેટલું પ્રમાણ છે? તેઓ હસવા લાગ્યાં.
ઊંડો શ્વાસ લઈને તેઓ બોલ્યાં, વાયુ તત્વ વિશે જોઈએ? મિથુનનો વાયુ ચક્રવાત જેવો, વંટોળ ઉડે તેવો અસ્થાયી. તુલાનો વાયુ મંદ સમીર અને સ્ફૂર્તિ આપે એવો, તાજગી આપે તેવો વાયુ વાય એ તુલા રાશિના વાયુનું માપ. કુંભનો વાયુ શ્વાસ જેટલો! મેં કહ્યું, શું વાત કરો છો? માત્ર શ્વાસ જેટલો! “હા”, તેઓ બોલ્યાં ખાલી શ્વાસ ચાલે એટલો જ વાયુ કુંભ રાશિમાં છે, આ તેનું માપ છે. કદાચ તે આ ક્યાંય વાંચ્યું નહીં હોય, બોલ? મેં હા પાડી.
ટેબલ પર પડેલાં પાણીના પ્યાલાને હાથમાં લઈને બોલ્યાં,કર્કનું જળ તત્વ કેટલું હશે? આંખો મોટી કરીને બોલ્યાં, દરિયા જેટલું. કર્ક એટલે શાંત, ગંભીર, અફાટ સમુદ્ર જેનો કોઈ કિનારો ના દેખાય. એટલું તો જળ તત્વ તેમાં ભર્યું છે. વૃશ્ચિકનું જળતત્વ નાની નદી કે સરોવર જેટલું છે, તેમાં જલતત્વ પ્રચૂર નથી જેટલું કર્કમાં છે. મીનમાં જલતત્વ નિર્મળ ઝરણાં જેવું છે. તેમાં સૌમ્યતા ભરપુર છે, નિત્ય સ્પંદન અને ખેલદિલી છે, નિરંતર ગતિ અને મિલાપ છે. તેમના મુજબ કર્કનું જળ તત્વ સૌથી વધુ, પછી વૃશ્ચિક અને છેલ્લે મીનનું સૌથી ઓછું પણ સૌમ્ય જળતત્વ છે.
ગ્રહોની પ્રકૃતિ વિષે લગભગ બધા પુસ્તકો એક મત નથી થતાં, પરંતુ અગ્નિતત્વમાં સૂર્ય મંગળ અને ગુરુ અગ્નિતત્વ ધરાવે (ઉતરતા ક્રમમાં) છે. તેમાં સૌથી વધુ અગ્નિતત્વ સૂર્યમાં છે. શનિ અને શુક્ર પૃથ્વી તત્વ ધરાવે છે, તેમાં શનિનું પૃથ્વી તત્વ સ્થિર છે અને શુક્રનું પૃથ્વી તત્વ અસ્થાયી છે, જેમ કે મોટરકાર અને પર્વતો પર શિલાઓ. જળતત્વ માત્ર ચંદ્ર પાસે જ છે, અને તે ખૂબ વિશાળ માત્રામાં છે. આ વાત તમે અનુભવમાં લેજો સાચી જ પડશે તેઓએ કહ્યું. બુધ વાયુ તત્વનો અધિપતિ ગણવો, વિચાર એટલે વાયુ અને બુધ તેનો માલિક ગ્રહ છે. વાયુ તત્વ માત્ર બુધ પાસે જ છે. આ બધું જ્ઞાન અવલોકન અને મંથન કરવાથી જ મળે, બધું પુસ્તકોમાં ન હોય, કહેતાં તેઓ ઉભાં થયાં.
મંગળ જો ધનમાં હોય અથવા સૂર્ય જો ધન રાશિમાં હોય તો તમે સમજી શકો છો કે તેનામાં અગ્નિતત્વ ખૂબ વધુ હશે, માટે ઉત્સાહ, લડાયક મિજાજ અને સાહસ, સૂર્ય કે મંગળ ધનમાં હોય ત્યારે આપે જ છે. પણ તેઓ જો મેષમાં હોય તો આ બાબત અલ્પથી મધ્યમ રહે છે.
તત્વો અને તેના પ્રભાવ વિષે વધુ આવતા અંકે…