… એ માણસ પોતાના સ્વાર્થ માટે મદદગારને પણ નુકશાન કરી નાંખે

ક ભાઈ એવું કહેતાં,“અમારા વકીલ બહુ ખરાબ. પૈસા લઇ લીધાં પણ ફોન જ ન ઉપાડે. અમે રહ્યાં ગરીબ માણસ એટલે કરીએ પણ શું?” આવું સાંભળ્યા પછી એ માણસની દયા જ આવે. પણ હકીકત એ હતી કે એ ભાઈએ ખૂબ જ રડીકકળીને એક તો ફી ઓછી કરાવી હતી. પછી અધૂરી અને ખોટી માહિતી આપીને વકીલને ગૂંચવવા પ્રયત્ન કર્યો હતો. અને વકીલ બિચારા એરપોર્ટ પર હતાં ત્યારે વારંવાર મિસ્ડ કોલ આપીને બિચારાની બેટરી ખાલી કરી નાખી હતી. વકીલને ઉતર્યા પછી ફોન કરવા માટે ચાર્જિંગની રાહ જોવી પડી અને હેરાન પણ થયાં.

કેટલાક માણસો પોતાનું ધાર્યું ન થાય ત્યારે સામેવાળાનો સદ્વ્યવહાર ભૂલી જાય છે. વકીલે બે હાથ જોડીને કામ માંથી મુક્ત થવા વિનવ્યાં તો ફરી રડારોળ કરી. જો કામ કરે તો તકલીફ. ન કરે તો પેલા ધમકીઓ આપે. અંતે કેસ લાંબો ચાલ્યો. કેટલાક લોકોને હાથે કરીને સમસ્યાઓ વધારવાની ટેવ હોય. જયારે ઘરમાં અગ્નિનો મોટો દોષ હોય અને ત્યાંથી બ્રહ્મમાંથી પસાર થતો ત્રિકોણ નકારાત્મક હોય ત્યારે માણસ પોતાના સ્વાર્થ માટે પોતાને મદદ કરનારનું નુકશાન પણ કરી શકે છે.

એમાં પણ જો પશ્ચિમનો અક્ષ નકારાત્મક હોય તો તે ધમકીઓ પણ આપે. જો આ બંને અક્ષ હકારાત્મક હોય તો માણસ સજ્જનતાપૂર્ણ વ્યવહાર કરે. તેનો અભિગમ પ્રોફેશનલ હોય. વળી તેઓ વ્યવહાર કુશળ હોવાના કારણે સામે વાળી વ્યક્તિને પૂરતો આદર આપશે. જયારે કોઈ પણ વ્યક્તિનું મન દુખાવીને ઘર બને છે ત્યારે તેમાં રહેવાવાળી વ્યક્તિને કોઈ ને કોઈ બાધા આવ્યાં કરે છે.

દક્ષિણમાં એક મકાન માટે આર્કિટેકટે ના પાડી. એમની જ પાસે મકાન બનાવવાની ઈચ્છા હોવાથી વ્યક્તિએ તેમને મનાવ્યાં. એક મિત્રના કહેવાથી પછી મજાક શરુ થઇ. વારંવાર બહાનાં કાઢીને પોતાની મેળે ફેરફાર કરાવી નવા નકશા મંગાવે. ફી કરતાં વધારે પૈસા તો સ્ટાફના પગારમાં જતાં નક્કી કર્યા મુજબ ફી માગતાં હવે ત્રાગાં શરુ થયાં. બીજી બાજુ અન્યને પણ એવું કહેવામાં આવતું કે આકિટેકટ ફી માગે છે એટલે રાહ જુઓ. માણસો બદલાતાં ગયાં. ધીરે ધીરે ઘર પૂરું થયું. ઘરમાં રહેવાં જતાં પહેલાં એક એવી ઘટના બની કે ઘર કાયમ માટે બંધ થઇ ગયું. મોટા ભાગે માણસ પોતાની હાલની સ્થિતિ જૂએ છે. તેથી અન્ય સાથેનો તેમનો વ્યવહાર સ્વાર્થી બને છે. તેઓ જે મકાનમાં રહેતા હતાં ત્યાં નૈરુત્યના બંને અક્ષથી બનતો ત્રિકોણ નકારાત્મક હતો. અગ્નિમાં દેવસ્થાન હતું અને તે પણ વાસ્તુ આધારિત ન હતું. તેથી ઘરની નારી પણ આ પ્રક્રિયાનો ભાગ બની. પુષ્કળ ખર્ચ કર્યા પછી પણ અનેકનું મન દુભાવીને તેઓ નવા મકાનને માણી ન શક્યાં.

જયારે નવું મકાન બનતું હોય ત્યારે સર્વ પ્રથમ તો જમીનને હકારાત્મક બનાવવી જરૂરી છે. કારણ કે જમીન આપણી પાસે હમણાં આવી છે પણ તે તેની જગ્યાએ તો લાખો વરસથી છે. તેની ઉપર થયેલી ક્રિયાપ્રક્રિયાઓથી આપણે અજાણ હોઈએ. વાસ્તુના નિયમો માત્ર પ્લાન સુધી સીમિત નથી. દરેક જમીનને સંપૂર્ણ રીતે સમજ્યા બાદ જ તેની ઉપર મકાનની ડિઝાઇન બની શકે. જેમકે દક્ષિણમાં દીવાલ જાડી હોવી જોઈએ પણ જો દક્ષિણમાં સૂર્યનો નકારાત્મક પ્રકાશ આવતો હોય તો. તેથી જ દરેક નિયમો જડતાપૂર્વક દરેક જગ્યાએ લાગુ પડે જ તેવી ગેરમાન્યતા ન રાખવી જોઈએ.

દરેક માણસ ઘર સુખી થવા માટે બનાવે છે નહીં કે દુઃખી થવા માટે. તેથી પોતાની પાસે જે આથિક વ્યવસ્થા છે તેને સમજીને ઘર બનાવવું જોઈએ. બાકી જેમણે કામ કર્યું છે તેમને પૂરતા પૈસા ન મળતાં અસંતોષ થશે. અને તેની નકારાત્મક ઊર્જા ઘરમાં આવી શકે છે. ઘરના દરેક હોરિઝોન્ટલ લેવલ પર ઘરને હકારાત્મક બનાવવાની પ્રક્રિયા જરૂરી છે.સામાન્ય લાગતી કેટલીક વાતો પણ ખૂબ જ અગત્યની હોય છે તે સમજવું જરૂરી હોય છે. કચવાતાં મને આપેલા પૈસાથી બનેલ ઘર સુખ આપી શકે? જે આનંદ ઘરમાં જોઈએ છે તેજ ભાવ સાથે સમગ્ર મકાન ન બની શકે?

ઘર બનાવવું તેને માત્ર એક પ્રક્રિયા ન સમજતાં તેને એક ઉત્સવ બનાવવો જોઈએ. મધ્ય ગુજરાતમાં એક મકાન બનતું હતું ત્યારે પરિવાર ત્યાં બેસતો. દરેક કારીગર જાણે ઘરનો વ્યક્તિ હોય તેવું માન આપતો અને નાનીનાની બાબતમાં સહુનો રાજીપો જોતો. માત્ર પૈસાથી જ રાજીપો આવે છે તે વાત પણ ખોટી છે. નાનકડું મકાન બન્યું. પણ તેની હકારાત્મક ઉર્જાથી પરિવારનો ખૂબ ઝડપથી વિકાસ થયો. ઘરમાં વાસ્તુના નિયમો ઉપરાંત તેને બનાવવામાં મદદરૂપ થનાર દરેકના રાજીપાની ઊર્જા પણ ચોક્કસ જોવા મળે છે. જો આપણું મકાનનું કામ ધીમે ચાલતું હોય તો આ બાબત પણ તપાસવી જરૂરી બને છે.