અમદાવાદઃ રાજ્યમાં રખડતાં ઢોરનો મુદ્દે મામલે હાઇકોર્ટે સરકારને ફટકાર લગાવી છે. હાઈકોર્ટે રખડતા ઢોરની સમસ્યા ઉકેલવા ગંભીરતાથી કામ કરવા સરકાર સામે લાલ આંખ કરી હતી. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) રખડતા ઢોર મુદ્દે નવી નીતિ જાહેર કરી છે, જેમાં ત્રણ વર્ષ માટે લાઇસન્સ ફ્રી રૂપિયા 500 નક્કી કરવામાં આવી છે. એ પછી રિન્યુ માટે રૂપિયા 250 ફી નક્કી કરવામાં આવી છે.
હાઇકોર્ટના દિશાનિર્દેશ પ્રમાણે કોર્પોરેશન દ્વારા શહેરમાં રોડ ઉપર પશુઓ રખડતા જોવા ના મળે, રોડ પર પશુઓને કારણે થતા અકસ્માત ટાળી શકાય તેમ જ ઢોરને પકડવાની કામગીરીનો ચુસ્તપણે અમલ કરવા માટે ઢોર ત્રાસ અંકુશ માટેના નિયમોનો સમાવેશ કરતી નવી નીતિ બનાવવામાં આવી છે.
નવી નીતિના મુખ્ય મુદ્દાઓ…
જે પશુમાલિક વ્યક્તિગત રીતે પોતાના ઉપયોગ માટે ઘરે પશુ રાખે તેણે પરમિટ લેવાની રહેશે.
જે પશુમાલિકો પશુઓ રાખી પશુના દૂધના વેચાણમાં અથવા પશુનો અન્ય રીતે વ્યાસાયિક ઉપયોગ કરતા હશે તેમણે લાઇસન્સ લેવાનું રહેશે.
આ લાઇસન્સનો સમયગાળો નીતિ અમલમાં આવેથી ત્રણ વર્ષ માટેનો રહેશે.
ત્રણ વર્ષ માટેની લાઇસન્સ ફી ની રકમ રૂા. ૫૦૦ તથા પરમિટ ફીની રકમ રૂા. ૨૫૦ ભરવાની રહેશે.
જેતે લાઇસન્સ મુદત પૂર્ણ થવાની હોય તેના એક માસ પહેલાં લાઇસન્સ રિન્યુ કરાવવાનું રહેશે.
પાંજરાપોળ ગૌશાળા જેવી સંસ્થાઓ કે જે પબ્લિક ચેરિટેબેલ ટ્રસ્ટ એકટ હેઠળ રજિસ્ટર થયેલી સંસ્થાઓએ લાઇસન્સ મેળવવાનું રહેશે.
પશુપાલકે શહેરમાં રહેલા દરેક પશુને RFID ચીપ અને ટેગ લગાડવાનાં રહેશે.
પશુમાલિકો દ્વારા નહીં છોડાવેલાં પશુઓને શહેર બહાર પાંજરાપોળમાં મોકલવામાં આવશે.