શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના બાંદીપોરા જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) નજીક આવેલા નીરુ ગામમાં એક શાળાનું મકાન બાંધવા માટે બોલીવુડ સુપરસ્ટાર અક્ષયકુમારે આજે રૂ. એક કરોડનું દાન કર્યું છે. અક્ષયકુમાર આજે બપોરે એક હેલિકોપ્ટર દ્વારા નીરુ ગામ ખાતે પહોંચ્યો હતો અને ત્યારબાદ ત્યાં ફરજ બજાવી રહેલા સુરક્ષા જવાનો તથા સ્થાનિક લોકોને મળ્યો હતો.
ગામવાસીઓ સાથે એણે ડાન્સ પણ કર્યો હતો અને સુરક્ષા જવાનો સાથે વોલીબોલની રમતનો આનંદ પણ માણ્યો હતો. આ સમારંભનું આયોજન નીરુ ગામમાં LoC ચોકી પર ફરજ બજાવતા સીમા સુરક્ષા દળ (BSF)ના જવાનોએ કર્યું હતું. અક્ષયે કાતિલ હિમવર્ષા અને જ્યાં પહોંચવું અત્યંત કપરું છે એવા આ વિસ્તારમાં કઠિન પરિસ્થિતિઓ વચ્ચે પણ રહેતા ભારતીય સેના અને બીએસએફના જવાનો તથા સ્થાનિક લોકોની પોતાના સંબોધનમાં પ્રશંસા કરી હતી.