ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા અષાઢ સુદ બીજના દિવસે 7 જૂલાઇના રોજ નીકળવાની છે. ભગવાન પોતે બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળીને ભક્તોને દર્શન આપવાના છે. ત્યારે સુરક્ષા બંદોબસ્તની દ્રષ્ટિએ રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.રાજ્યમાં રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાય નહીં અને શાંતિ પૂર્વક રથયાત્રા પૂર્ણ થાય તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રથયાત્રાને લઈને 29 જૂનથી 7 જુલાઈ સુધી પોલીસ કર્મીઓને બંદોબસ્તમાં મુકવાના હોવાથી તમામની રજાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
નીરજ બડગુજર: રથયાત્રાને લઈને તૈયારીઓ સંપૂર્ણપણે ચુસ્ત કરવામાં આવી છે. કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે એક મહિના પહેલાથી અમદાવાદ પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. શહેરમાં ઠેર-ઠેર નાકાબંધી તેમજ વાહન ચેકિંગ પોઈન્ટ કાર્યરત કરી સતત વાહન ચેકિંગ કરવામાં આવી રહેલું છે. જો કોઈ બિનવારસી પડેલ વાહન જણાય તો તેનો તાત્કાલિક કબ્જો લઈને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોઈપણ વિસ્તારમાં નવા આગંતુક ઈસમો વિશે માહિતી મળે તો તેમના અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. સીમકાર્ડ વિક્રેતા, મોબાઈલ ફોન વેચાણ કરતી દુકાનો ખાતે નિયમિત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકલન કરીને રથયાત્રાના રૂટ પરની સ્ટ્રીટ લાઈટ જો બંધ હોય તો તેની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત, ભયજનક વૃક્ષોનું ટ્રીમિંગ કરવામાં આવ્યું છે. જર્જરીત મકાનો, પથ્થર, કામટમાળ, રેતી, ઈંટ જેવી અડચણરૂપ ચીજવસ્તુઓ દૂર કરવા અંગેની કાર્યવાહી પણ કરવામાં આવી છે. R&B વિભાગ સાથે સંકલન કરીને રથયાત્રા રૂટ પર તથા ટ્રાફિક ડાયવર્ઝન માટે બેરીકેડિંગ, જનરેટર સેટ, હેલોજન લાઈટ, સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
બંદોબસ્તમાં મહત્તમ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ વર્ષે AI ટેક્નલોજીથી સજ્જ 360 ડિગ્રીવાળા એક કિલોમીટરથી વધુની રેન્જ સુધી સ્પષ્ટ જોઇ શકાય તેવા કેમેરા રથયાત્રા રૂટ પર સૌથી ચાર સેન્સેટિવ પોઇન્ટ પર લગાવવા માટેની કામગીરી કરવામાં આવી છે. સમગ્ર રૂટ પર ડ્રોન મારફતે સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે.
કેટલાં CCTV કેમેરાથી સમગ્ર રૂટનું સર્વેલન્સ કરવામાં આવશે?
કુલ 1692 જેટલાં CCTV કેમેરાનો ઉપયોગ કરવામાં આવનાર છે.
રથયાત્રા બંદોબસ્તમાં પોલીસ અધિકારી, કર્મચારી, SRP, CRPF, હોમગાર્ડ મળી 25,000થી વધુ મેન પાવરનો ઉપયોગ કરવામાં આવનાર છે. આ ઉપરાંત કમાન્ડ કંટ્રોલ વ્હિકલ, વજ્ર વાહન, વોટર કેનન, LAT વ્હિકલનો ઉપયોગ કરવામાં આવનાર છે. જુદા-જુદા સ્થળોએ ફાયર ફાયટર ટીમ, મેડિકલ ટીમ સાથી એમ્બ્યુલન્સ વાન તૈનાત કરવામાં આવશે. BDDS ટીમો દ્વારા રથયાત્રા રૂટનું સતત એન્ટી સબોટેઝ ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે. જુદા-જુદા સ્થળોએ QRT ટીમો તૈનાત કરવામાં આવનાર છે.
ક્યા-ક્યા રૂટ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે?
રથયાત્રાના દિવસે રથયાત્રા રૂટ તથા સંલગ્ન રોડ ઉપર કોઈ અવ્યવસ્થા ઉભી ન થાય અને ટ્રાફિકજામ ન સર્જાય તે માટે રોડ ડાયવર્ઝન આપવામાં આવશે. તે અંગેનું જાહેરનામું આગલા દિવસે પ્રસિદ્ધ કરી પ્રેસ મીડિયા તથા સોશિયલ મીડિયા મારફતે નાગરિકોને જાણ કરવામાં આવશે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)