આપ સરકારે યોજનાઓથી વધુ જાહેરાતો પર વધુ ખર્ચ કર્યોઃ ભાજપ

નવી દિલ્હીઃ દિલ્હીમાં ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે. આપ અને ભાજપ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર જારી છે. ભાજપે આપ સરકારે શરૂ કરેલી યોજનાઓના પ્રચારખર્ચ CAGનો રિપોર્ટ રજૂ કર્યો છે. એમાં દાવો કરવામાં આવ્યો છે કે જાહેરાત પર ખર્ચ કરવામાં આવેલી રકમ અનેક યોજનાઓ માટે ફાળવણી રકમથી વધુ છે.  

ભાજપે દાવો કર્યો હતો કે બિઝનેસ બ્લાસ્ટર્સ સ્કીમ માટે રૂ. 54.08 કરોડ ફાળવવામાં આવ્યા હતા, જ્યારે રૂ. 80.02 કરોડ તેના પ્રચાર માટે ખર્ચવામાં આવ્યા હતા. ઉપરાંત, મેન્ટર્સ ઓફ નેશન સ્કીમ માટે રૂ. 1.9 કરોડ ફાળવવામાં આવ્યા હતા, જ્યારે રૂ. 27.90 કરોડ તેની જાહેરાત પાછળ ખર્ચવામાં આવ્યા હતા. એ જ રીતે પરાળી મેનેજમેન્ટ સ્કીમ માટે રૂ. 77 લાખ ફાળવવામાં આવ્યા હતા, જ્યારે રૂ. 27.89 કરોડ તેના પ્રમોશન માટે ખર્ચવામાં આવ્યા હતા.સ્મોગ ટાવરના નિર્માણ પાછળ રૂ. 20 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો ન હતો, પરંતુ ભાજપે જણાવ્યું હતું કે અહેવાલમાં દાવો કર્યા મુજબ તેની જાહેરાત પાછળ રૂ. 5.88 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. દિલ્હી ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ અને આતિશી દિલ્હી વિધાનસભામાં CAG રિપોર્ટને જાહેર કરવાનું કેમ ટાળી રહ્યા છે? કોર્ટની ફટકાર છતાં દિલ્હી સરકારે કેજરીવાલનો ડર સ્પષ્ટપણે દર્શાવતો કેગ રિપોર્ટ વિધાનસભામાં રજૂ કર્યો નથી.

તેમણે કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2021-22માં જ્યારે દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો હતો ત્યારે કેજરીવાલ સરકારે આ ચાર યોજનાઓના નામે સ્વ-પ્રમોશન માટે જનતાના પૈસાનો દુરુપયોગ કર્યો હતો. આમ આદમી પાર્ટીએ આ દાવાઓને સદંતર ફગાવી દીધા હતા. પાર્ટીએ કહ્યું હતું કે કેગ રિપોર્ટ સીલબંધ કવરમાં આવ્યો છે અને હજુ સુધી રજૂ કરવામાં આવ્યો નથી.

દિલ્હીની 70 વિધાનસભા સીટો પર આવતા મહિને 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને પરિણામ આઠ ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે.