૧૯૭૦ના દાયકાનું મુંબઈ. એ દિવસોમાં મુંબઈના અમુક વેપારીઓને રાતે ઘરે જતી વખતે પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિર પાસે વિચિત્ર અનુભવ થાય. કાર મંદિર પાસેથી વળાંક લેવાની હોય ત્યાં સારા, ધનિક કુટુંબની દેખાતી એક જુવાન મહિલા લિફ્ટ માગે. વેપારી કાર રોકીને લિફ્ટ આપે. પછી કાર માહિમ સુધી પહોંચે ત્યાં તો એ મહિલા અદૃશ્ય થઈ જાય…. અને કારમાં રહી જાય માત્ર એ જાજરમાન મહિલાના પરફ્યુમની સુગંધ.
મુંબઈના એક અંગ્રેજી દૈનિકના ડાયરી વિભાગમાં આ ઘટના છપાઈ. આટલી અમસ્તી વાતમાં ચિત્રલેખાના ત્યારના તંત્રી, સુપ્રસિદ્ધ નવલકથાકાર હરકિસન મહેતાને એક રોમાંચક નવલકથા દેખાઈ ને સર્જાઈ: ભેદ-ભરમ. જો કે આવડી અમસ્તી એક ડાયરી આઈટેમ પરથી વિશાળ ફલકની નવલકથા ન સર્જાય એટલે હરકિસનભાઈએ અનેક સત્યઘટના, જીવંત પાત્રો એમાં ઉમેર્યાં. જેમ કે એ જ અરસામાં એમના એક મિત્રની પત્નીનો જીવલેણ મોટર અકસ્માત થયેલો. એ મિત્રપત્ની બન્યાં સુરેખા દેવી. અલાહાબાદના કુંભમેળામાં મળી ગઈ સાધ્વી લિઝા તો ઈન્સ્પેક્ટર સદાશિવ દેશપાંડેનું પાત્ર મુંબઈના બે સાચકલા પુલીસ અફસરો પરથી રચાયું. નવલકથાના નાયક વિવેક સંન્યાસીની અટક એમણે લેખકમિત્ર શામુ સંન્યાસીની લીધી, જો કે વિવેકના પિતાની વાત બીજી એક સત્યઘટનાના આધારે ઘડી. આ નવલકથા ૧૯૭૮-૧૯૭૯ના અરસામાં ચિત્રલેખામાં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થઈ. હવે, જલસાઘરના બાશિંદાઓ માટે ખુશખબર એ છે કે સદા અગ્રસર સાપ્તાહિક ચિત્રલેખામાં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થયેલી હરકિસનભાઈની આ રોમાંચક નવલકથા નાના પરદા પર જોઈ શકાય છે. જાણીતા નિર્માતા-દિગ્દર્શક વિપુલ અમૃતલાલ શાહની નિર્માણસંસ્થા સનશાઈન પિક્ચર્સે ડીડી નૅશનલ સાથે હાથ મિલાવીને ભેદભરમ: રહસ્યોં કા માયાજાલ શો ૧૮ નવેમ્બરથી આરંભ કર્યો છે. શોમાં યશપાલ શર્મા, વૈશાલી ઠક્કર, ઐશ્ર્વર્યા સખુજા, અતુલકુમાર, ગૌરવ ચોપરા, સમીર ધર્માધિકારી જેવાં સશક્ત કલાકારો છે ને ડિરેક્ટર છે: યુસુફ બસરાઈ. નવલકથાનું ફલક જોતાં દોઢસોથી બસ્સો એપિસોડ્સ એના બનશે.
છએક વર્ષ પહેલાં હરકિસનભાઈની જગ્ગા ડાકુનાં વેરનાં વળામણાં, વંશ-વારસ, અમીર અલી ઠગના પીળા રૂમાલની ગાંઠ, જડ-ચેતન, વગેરે જેવી વીસથી વધુ નવલકથા દેશના ખૂણે-ખૂણે પહોંચાડવા એમના (હરકિસનભાઈના) પુત્ર તુષાર મહેતા પાસેથી ઑથોરિટી મેળવનાર વિપુલ અમૃતલાલ શાહ જણાવે છે: ‘સાંભળ રઘુ, હરકિસનભાઈ તો આપણી ભાષાના જેફ્રી આર્ચર કે ડેન બ્રાઉન હતા. પ્રત્યેક પ્રકરણે જકડી રાખતી એમની નવલકથા ચિત્રલેખામાં વાંચીને હું ઊછર્યો છું. ભેદ-ભરમ ઉપરાંત અન્ય નવલકથાઓ પર પણ કામ ચાલી રહ્યું છે. અમે પ્રતીક્ષા કરી રહ્યા છીએ યોગ્ય મંચની, યોગ્ય સમયની, યોગ્ય બજેટની, કેમ કે હરકિસનભાઈની નવલકથાઓનું ફલક, એનો સ્કૅલ જોતાં બજેટ સારું મળે તો એને ન્યાય આપી શકાય…’
તાજેતરમાં જ વિપુલભાઈએ એમની આગામી ફિલ્મ હિસાબનું શૂટિંગ પૂરું કર્યું. ફિલ્મની મેઈન સ્ટારકાસ્ટ ઈન્ટરેસ્ટિંગ છે: જયદીપ અહલાવત અને શેફાલી શાહ. આ ફિલ્મ જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં સિનેમાઘરમાં રિલીઝ થશે.
સરસ. જો ભેદ-ભરમને નવા સ્વરૂપમાં માણવી હોય તો સોમવારથી ગુરુવાર રાતે ૯:૩૦ વાગ્યે ટીવી સામે ગોઠવાઈ જજો.
(રઘુ જેટલી – જલસાઘરમાંથી)