‘ઓપરેશન સિંદૂર’માં છેલ્લો વાર ભારતનો જ થાય તેવું હતું પ્લાનિંગ

પહલગામ આતંકી હુમલાના જવાબમાં પાકિસ્તાન સામે ભારતે આદરેલા ‘ઓપરેશન સિંદૂર’ અંગે પૂર્વ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે સૈન્ય વ્યૂહરચનાને લઈને અત્યંત મહત્વપૂર્ણ વિગતો જાહેર કરી છે. તેમણે જણાવ્યું હતું કે આ ઓપરેશન દરમિયાન ભારતીય સેનાનો સ્પષ્ટ ઉદ્દેશ્ય એવો હતો કે સંઘર્ષમાં પાકિસ્તાનને વળતો પ્રહાર કરવાનો તક આપવાને બદલે છેલ્લો અને વિજયી પ્રહાર ભારત તરફથી જ થવો જોઈએ.

અગાઉના સૈન્ય અભિયાનોથી અલગ હતું ‘ઓપરેશન સિંદૂર’

સમાચાર એજન્સી સાથેની ખાસ વાતચીતમાં પૂર્વ CDS જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું કે, ઓપરેશન સિંદૂરની યોજના બનાવતી વખતે એક અત્યંત સ્પષ્ટ ‘એસ્કેલેશન મેટ્રિક્સ’ (ઉત્તેજના અને પ્રતિભાવનું માળખું) તૈયાર કરવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું કે આ અભિયાન દરમિયાન ભૂમિદળ, નૌકાદળ અને વાયુસેના વચ્ચે અદ્ભુત સંકલન જોવા મળ્યું હતું. સેનાની ત્રણેય પાંખોએ પોતાની ક્ષમતાઓ અને રણનીતિ અંગે રાજકીય નેતૃત્વ સામે પૂર્ણ એકતા દર્શાવી હતી.

ભારતની અગાઉની સૈન્ય કાર્યવાહીઓનો ઉલ્લેખ કરતા પૂર્વ જનરલે જણાવ્યું કે, ઉરી આતંકી હુમલા બાદ ભારતે જમીની માર્ગે ‘સર્જિકલ સ્ટ્રાઈક’ કરી હતી. ત્યારબાદ પુલવામા હુમલા બાદ ‘બાલાકોટ’ ખાતે વાયુસેનાની તાકાતનો ઉપયોગ કરીને વિશાળ એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. જોકે, ‘ઓપરેશન સિંદૂર’માં ભારતે તદ્દન અલગ રણનીતિ અપનાવીને નીચલી એરસ્પેસ (Lower Airspace) નો મહત્તમ ઉપયોગ કર્યો હતો, જેણે દુશ્મન દેશના સંરક્ષણ તંત્રને સંપૂર્ણપણે ચોંકાવી દીધું હતું.

“અંતિમ પ્રહાર આપણી તરફથી જ હશે”

ઓપરેશન દરમિયાન ઘડાયેલી વ્યૂહરચના વિશે વિગતો આપતા જનરલ ચૌહાણે કહ્યું કે, “એસ્કેલેશન મેટ્રિક્સ પાછળનો મુખ્ય સિદ્ધાંત એ જ હતો કે યુદ્ધ કે સંઘર્ષના અંતે ‘વિનિંગ નોટ’ (અંતિમ વિજયી પ્રહાર) ભારતનો જ હોવો જોઈએ. કોઈ પણ સૈન્ય કાર્યવાહી માત્ર હથિયારોના ઉપયોગ પુરતી સીમિત નથી હોતી, પરંતુ તેની પાછળ દેશના સુનિશ્ચિત રાજકીય અને રાષ્ટ્રીય ઉદ્દેશ્યો પણ જોડાયેલા હોય છે.”